લંડનઃ 70 વર્ષથી વધુ સમય સુધી શાસન કરવું એ સામાન્ય વાત નથી. એ દરમ્યાન સામાન્ય લોકોના દિલોમાં ખાસ જગ્યા બનાવવી એ એનાથી પણ મુશ્કેલ છે. બ્રિટનનાં મહારાણી એલિઝાબેથ દ્વિતીયએ આ બંને સફળતા હાંસલ કરી હતી. યુનાઇટેડ કિંગડમનાં મહારાણી એલિઝાબેથ દ્વિતીયનું ગુરુવારે 96 વર્ષની વયે નિધન થયું છે. તેઓ છેલ્લાં થોડા સમયથી બીમાર હતા. એલિઝાબેથ દ્વિતીયનું મોત સ્કોટલેન્ડના બાલમોરલ કેસલમાં થયું હતું. બકિંઘહામ પેલેસે નિવેદન જારી કરીને મહારાણીના નિધનની પુષ્ટિ કરી હતી.
એલિઝાબેથ દ્વિતીયનો જન્મ 21 એપ્રિલ, 1926એ લંડન સ્થિત 17- બ્રૂટન સેન્ટમાં થયો હતો. એ જ વર્ષે 29 મેએ તેમના નામકરણનો કાર્યક્રમ બકિંગઘહામ પેલેસમાં રાખવામાં આવ્યો હતો. 11 ડિસેમ્બર 1936એ એડવર્ડ VIIIના પદ છોડવા પર અને જ્યોર્જ VI (એલિઝાબેથના પિતા)ના રાજા બનવાની સાથે એલિઝાબેથ દ્વિતીય માત્ર 10 વર્ષની ઉંમરે રાજગાદીના ઉત્તરાધિકારી બની ચૂક્યાં હતાં.20 નવેમ્બર, 1947એ એલિઝાબેથે પોતાના થર્ડ કઝિન, ગ્રીસના પ્રિન્સ ફિલિપ માઉન્ટ બેટનથી લગ્ન કર્યાં હતાં. તેમને ચાર બાળકો હતાં. પ્રિન્સ ચાર્લ્સનો જન્મ 1948માં થયો હતો. પ્રિન્સેસ એનીનો જન્મ 1950, પ્રિન્સ એન્ડ્ર્યુનો જન્મ 1960 અને પ્રિન્સ એડવર્ડનો જન્મ 1964માં થયો હતો.
બ્રિટનનાં મહારાણીનું નિધન એવા સમયે થયું છે, જ્યારે તેમના રાજ પરિવાર સામે આર્થિક પડકારો છે. દેશ રાજકીય અસ્થિરતાના દોરમાંથી પસાર થઈ રહ્યો છે. આવામાં મુશ્કેલ સમયે કિંગ ચાર્લ્સ IIIની કસોટી થશે.