ભોપાલઃ અત્યાર સુધી તો ઉંદરોએ ઘરોમાં, રેલવે સ્ટેશનો વિસ્તારોમાં ચીજવસ્તુઓ અને ખેતરોમાં ઊભા પાકને નુકસાન પહોંચાડવા વિશે સાંભળ્યું હશે, પરંતુ ઉંદરો પર સૌપ્રથમ વાર આખેઆખો બ્રિજ કાતરી ખાવાનો આરોપ લગાડવામાં આવ્યો છે. ઉંદરોએ અશોકનગર જિલ્લામાં નિર્મિત 30 વર્ષ જૂનો ઓવરબ્રિજ ઓળવી ગયાનો અજીબોગરીબ દાવો PWD વિભાગે કર્યો છે.
વાસ્તવમાં મધ્ય પ્રદેશના અશોકનગરમાં 30 વર્ષ જૂનો ઓવરબ્રિજને કોતરી-કોતરીને નુકસાન પહોંચાડવાનો દાવો PWDએ કર્યો છે. વિભાગે દાવો કરતાં કહ્યું હતું કે ઉંદરોને કારણે આ પૂલ સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થયો છે અને ઠેક-ઠેકાણે ખાડા પડી ગયા છે. શહેરમાં આશરે 30 વર્ષ જૂના ઓવરબ્રિજમાં બે દિવસ પહેલાં મોટા-મોટા ખાડા જોવા મળ્યા હતા અને ત્યાં વહીવટી તંત્રએ વાહવવ્યવહાર શરૂ કરવા માટે બેરિકેટિગ કરવું પડ્યું હતું અને ટ્રાફિક પોલીસ તહેનાત કરવી પડી હતી.