વર્ષ 2025ની શરૂઆતમાં જ સરકારે ગુજરાતને એક નવા જિલ્લા સાથે 9 મહાનગરપાલિકાની ભેટ આપી હતી. સરકારે બનાસકાંઠાના બે ભાગ કરીને વાવ-થરાદને નવો જિલ્લો જાહેર કર્યો હતો. આને જિલ્લો જાહેર કરવાથી આખા બનાસકાંઠામાં ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ જોવા મળ્યો હતો. આ સાથે આ વિભાજનને લઈને અસમતોલ વિભાજન અને સ્થાનિકોના મત જાણ્યા વિનાનું વિભાજન કરી દેવાયું હોવાના આક્ષેપ લગાડવામાં આવ્યા છે. નવરચિત જિલ્લામાં સમાવેશ કરવામાં આવેલા કાંકરેજ, ધાનેરા અને દિયોદર તાલુકાની પ્રજાએ બનાસકાંઠામાં રહેવાની માંગ સાથે વિરોધ નોધાવ્યો છે. ત્યારે આજે ધાનેરાવાસીઓએ પોતાના વેપાર ધંધા સજ્જડ બંધ રાખીને ઉગ્ર વિરોધ દર્શાવ્યો છે.
આજે વિભાજન કર્યા એને ચોથો દિવસ થયો છે. અને આજે હિત રક્ષક સમિતિ દ્વારા ધાનેરા બંધનું એલાન આપવામાં આવ્યું છે. અને ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવાની ઉગ્ર માંગ કરવામાં આવી હતી છે. છેલ્લા ત્રણ દિવસથી શિહોરી-થરામાં અલગ-અલગ જગ્યાએ સ્વંભૂ બંધ પાળવામાં આવ્યું હતું. ત્યારે હવે શિહોરી, થરા બાદ ધાનેરાવાસીઓએ પણ રોજગાર-ધંધા બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો. આ ઉપરાંત ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી. ધાનેરાના નગરજનોએ જુના બસ સ્ટેન્ડથી મામલતદાર કચેરી સુધી રેલી કાઢી હતી. જેમાં ધાનેરાના રાજકીય નેતાઓ, વેપારીઓ સહિત નગરજનો જોડાયા હતા. આ દરમિયાન ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં યથાવત્ રાખવાની માંગ સાથે નારેબાજી કરવામાં આવી હતી. ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઇએ પણ કહ્યું કે, ધાનેરાની પ્રજા વર્ષોથી બનાસકાંઠા જિલ્લા અને પાલનપુર સાથે જોડાયેલી હતી. છેલ્લા એક મહિનાથી વિભાજનની વાતો ચાલતી હતી ત્યારે ધાનેરાના સર્વ સમાજનો આગ્રહ પાલનપુર અનકુળ લાગતું હતું જેથી તેમણે મને વાત કરી હતી. તેના ભાગરૂપે મેં મુખ્યમંત્રી સાથે મુલાકાત પણ કરી હતી અને પત્ર પણ લખ્યો હતો. જ્યારે પણ વિભાજનની વાત આવે ત્યારે ધાનેરાની પ્રજા અહીંથી છેડ ખિંમત, બાપલા અને વાછોલની જનતાને થરાદ 80-85 કિલોમીટર દૂર પડે. તેથી ભૌગોલિક દ્રષ્ટિએ પણ થરાદ જવાની અનુકૂળતા રહેતી નથી. તો બેંક અને ડેરી સહિતના તમામ વહીવટી કામો માટે પાલનપુર સાથે ધાનેરા જોડાયેલું છે. ધાનેરા અને કાંકરેજ તાલુકાને ફરીથી જૂના બનાસકાંઠામાં સમાવવા તેમજ દિયોદરને વડુ મથક જાહેર કરી નવા જિલ્લાને ઓગડ નામ આપવાની માંગણી લોકોમાં ઉઠવા પામી છે. નવા વાવ-થરાદ જિલ્લામાં વાવ, થરાદ, દીયોદર, લાખણી, ધાનેરા, ભાભર, સુઈગામ, કાંકરેજ તાલુકાઓનો સમાવેશ કરાયો છે. તેમજ જૂના બનાસકાંઠા જિલ્લામાં ડીસા, દાંતા, વડગામ, અમીરગઢ, દાંતીવાડા, પાલનપુર તાલુકાને યથાવત રાખવામાં આવ્યા છે. નવરચિત વાવ-થરાદ જિલ્લામાં ધાનેરા અને કાંકરેજ તાલુકાનો સમાવેશ કરી દેવાતા આ વિસ્તારના લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. જેના પ્રત્યાઘાતરૂપે છેલ્લા ત્રણ દિવસથી ઠેરઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે.