મૂંગી ફિલ્મોના અંતિમ દોરમાં અને બોલતી ફિલ્મોના શરૂઆતના દોરમાં પોતાના કદાવર વ્યક્તિત્વ અને બુલંદ અવાજથી થિયેટરો ગજાવનાર પૃથ્વીરાજ કપૂરને કોલેજકાળ પહેલાં અભિનય પ્રત્યે કોઈ રુચિ નહોતી.
કદાવર કહેવાય એવી બેમિસાલ કદકાઠી, રોમન યોદ્ધા જેવું વ્યક્તિત્વ અને પેશીદાર સુદ્રઢતા, રાજસી આભાવાળા ચહેરા અને નીચા સ્વરમાં પણ રૂઆબદારીનો અનુભવ કરાવે એવા હિંદી ફિલ્મસૃષ્ટિના એકમાત્ર અભિનેતા પૃથ્વીરાજ માટે નાટક એ પહેલો પ્રેમ અને બીજો પ્રેમ તે સિનેમા. ૧૯૦૬ની ત્રીજી નવેમ્બરે વિશ્વેશ્વરનાથ – ઘણા એનો ઉચ્ચાર બશેશરનાથ કરે છે, તેમણે ફિલ્મ ‘આવારા’માં ન્યાયાધીશની નાનકડી ભૂમિકામાં દેખા પણ દીધી હતી ને ત્યાં પેશાવરમાં જન્મેલા પૃથ્વીરાજને અભિનયક્ષેત્રમાં જવાની કોઈ જ તમન્ના નહોતી, કારણ કે મૂળ સમુંદરી નામના ગામડાના બશેશરનાથ એક સામાન્ય પોલીસ અધિકારી હતા, જેમના પરિવારમાં નાટક સંગીતનું કોઈ જ વાતાવરણ નહોતું. હાલ પાકિસ્તાનમાં આવેલા લાયલપુર અને પેશાવરમાં એમણે પ્રારંભિક શિક્ષણ લીધું ત્યારે પણ નાકટની કોઈ રુચિ નહોતી ઉપસી આવી. પેશાવરમાં એમણે એડવર્ડ કૉલેજમાં આગળ અભ્યાસ માટે પ્રવેશ લીધો ને ત્યાં થોડી નાટક-ચેટકની પ્રવૃત્તિનું વાતાવરણ સાંપડ્યું, ‘દીના કી બારાત’ જેવા એ જમાનાના મશહુર એકાંકીમાં એમણે ગુંડા સામે બાથ ભીડતા યુવકનું પાત્ર ભજવ્યું ત્યારે સામેનું પાત્ર ભજવતો પહેલવાન જેવો છોકરો ખરેખર ઘાયલ થઈ ગયો હતો. એમ તો એમણે પંદર વર્ષની ઉંમરે ગલીઓમાં છોકરીનું પાત્ર ભજવ્યું હતું પણ એમાં લોકોએ એમની હાંસી ઉડાવી હતી. એટલે પ્રત્યાઘાત રૂપે આ મર્દાની કિસ્મની ભૂમિકામાં એમનાથી જરા ઓવર ઍક્ટિંગ થઈ ગઈ અને એનું આ લોહિયાળ પરિણામ આવ્યું! ૧૯૨૩ના ડિસેમ્બરની ૧૦મીએ એમના લગ્ન એમનાં મા-બાપે રમાદેવી નામની હિંદીભાષી કન્યા સાથે કરી નાખ્યા જેથી છોકરો કાબૂમાં રહે અને ખીલે બંધાય. એક જ વર્ષમાં ૧૪ ડિસેમ્બર, ૧૯૨૪ના દિવસે પ્રથમ સંતાન રણવીર રાજ (રાજ કપૂર)નો જન્મ થયો. એ દરમિયાન કૉલેજનો અભ્યાસ ચાલુ જ હતો.
પેશાવરમાં સ્નાતકની પદવી મેળવી પૃથ્વીરાજે લાહોરની કૉલેજમાં કાયદાના અભ્યાસ માટે પ્રવેશ મેળવ્યો પણ એ દરમિયાન અભિનક્ષેત્રમાં આગળ વધવાની તેમની ઝંખના બળવત્તર બની ગઈ હતી. એ એટલી બધી અદમ્ય બની કે અભ્યાસને અધૂરો મૂકીને પત્ની અને પુત્રને પેશાવર મૂકીને તેઓ માત્ર એકાદ સાધારણ ઓળખાણના તરાપે તરીને મુંબઈ આવ્યા. એ સાલ હતી ૧૯૨૯ની. ફૉરસ રોડ જેવા બદનામ વિસ્તારમાં એક ઓરડી ભાડે રાખીને રહ્યા અને પછી નજીકમાં જ ગિરગાંવ વિસ્તારમાં આવેલી અરદેશર ઈરાનીની ઈમ્પિરિયલ ફિલ્મ કંપનીની બહાર લાગેલી એકસ્ટ્રા કલાકારો- હવે જેમને જુનિયર કલાકારોના જરા શોભિતા નામે ઓળખવામાં આવે છે- ની લાંબી કતારમાં ઊભા રહી ગયા. સ્વાભાવિક રીતે જ બીજા સામાન્ય ઉમેદવારો કરતાં તેમને પેશાવરની કૉલેજમાં લેખક ઈંદરરાજ આનંદ (ટીનુ આનંદના પિતા)ના નાટકમાં કામ કરવાનો થોડો અનુભવ હતો એટલે બીજા કરતાં પહેલા પસંદ થયા. અરદેશર ઈરાનીની મૂક ફિલ્મ ‘ચેલેંજ ઉર્ફ દો ધારી તલવાર’માં નાનકડી સહાયક ભૂમિકા ભજવવવાનો મોકો મળ્યો. એમાં એમની સાથેની અર્મેલીન (Ermeline) નામની હીરોઈન સામે ઈ. બીલીમોરિયા હીરો હતા. દિગ્દર્શન બી.પી. મિશ્રાનું હતું. એ ફિલ્મમાં એમનું કામ અને દેખાવ જોઈ પ્રભાવિત થયેલા અરદેશર ઈરાનીએ એમને પોતાની બીજી મૂક ફિલ્મ ‘સિનેમા ગર્લ’માં હીરોની ભૂમિકા આપી. આ પછી તો એમની ‘તૂફાન’ અને ‘શેરે અરબ’ ફિલ્મો પણ આવી. ‘શેરે અરબ’માં એમણે અરેબિયન નાઈટ્સના કેન્દ્રવર્તી શાહજાદની ભૂમિકા ભજવી હતી.
૧૯૩૧માં બોલતી ફિલ્મોના આગમન સુધીમાં પૃથ્વીરાજની ‘બીડ ફૉર ધ થ્રોન’, ‘વિજયકુમાર’, ‘નિમકહરામ કૌન’ તથા ‘ગોલીબાર’ જેવી અનેક મૂક ફિલ્મો આવી અને એમાં મોટા ભાગની ફિલ્મોમાં એમની જોડી લીલાવતી સાથે જમાવવામાં આવી હતી. એ મૂક ફિલ્મોના આથમતા યુગમાં પણ પૃથ્વીરાજ અભિનયના ઉદય પામતા પણ ઝળહળતા સૂર્ય સાબિત થયા. આ સફળતાની એમને લેશમાત્ર કલ્પના નહોતી, પણ બોલતી ફિલ્મોનો યુગ શરૂ થતાં જ અરદેશર ઈરાનીએ એમનો ફરી ઈન્ટરવ્યુ કર્યો. એમને અંદેશો હતો કે આ જુવાન ભલે મૂક ફિલ્મોમાં સફળ રહ્યો પણ જો એને હિંદી ભાષાની ડાયલૉગ ડિલિવરી બરાબર નહીં આવડે તો એને સફળતાનો કોઈ જ મોકો નથી. ‘તમને હિંદી આવડે છે?’ અરદેશરના એ પ્રશ્ર્નના જવાબમાં આ પંજાબી માતૃભાષાવાળા યુવાન પૃથ્વીરાજે હા પાડી કે તરત જ એમને બીજા પ્રશ્ર્નનો સામનો કરવાનો આવ્યો ‘કેવી રીતે? શું તમને હિંદી વાંચતા પણ ફાવે?’ જવાબમાં આ પડછંદ મરદ જરા શરમાયા. કહ્યું: ‘આમ તો ન આવડે. પણ મારી જોરૂ રમા હિંદીભાષી છે. તેણે મને પહેલો પ્રેમપત્ર લખ્યો ત્યારે તેને વાંચી બતાવવા માટે હું મારા હૉસ્ટેલના રૂમ પાર્ટનર પૂરણસિંહ પાસે ગયો. એણે મને ટોણો માર્યો કે જો બીજા મરદ પાસે તારો પ્રેમપત્ર વંચાવીશ તો તારા સંસારમાં ત્રીજા આદમીનો પ્રવેશ થયો સમજજે. આ ટોણો કામ કરી ગયો. અને મેં રાતોરાત હિંદી શીખી લીધું. નિર્ણય કર્યો કે ‘ખૂબ સિખુંગા.’ પરિણામે આજે મારા હિંદીવાચનની ગતિ પંજાબી કરતાં પણ વધારે છે.’
જવાબ સાંભળીને અરદેશર ઈરાની રાજી થયા. ખાસ તો તેમાં રહેલી રમૂજ ઉપરાંત એના અવાજ અને વાક્છટા ઉપર. તરત જ એમણે એને ભારતની પ્રથમ બોલતી ફિલ્મ ‘આલમઆરા’ (રજૂઆત ૧૪મી માર્ચ, ૧૯૩૧)માં હીરોઈન ઝુબેદાના સેનાપતિ પિતાની રોફદાર ભૂમિકા આપી.
આ ફિલ્મ મુંબઈના મૅજેસ્ટિક સિનેમામાં ૧૪મી માર્ચ-૧૯૩૧ના રોજ રજૂ થઈ. બીજે જ અઠવાડિયે અખબારોમાં ફિલ્મની સમીક્ષા પ્રગટ થઈ એમાં ફિલ્મના બીજા કલાકારોનાં વખાણ કરવામાં આવ્યાં. સંગીતકાર ફિરોઝ શાહ સંગીતકાર કેરસી મિસ્ત્રીના પિતા અને કથા-સંવાદ લેખક યહૂદી, નાટ્યલેખક જોસેફ ડેવિડ સુદ્ધાંનાં વખાણ કરવામાં આવ્યા હતા. બસ, એકમાત્ર પૃથ્વીરાજના અવાજની બહુ કટુ આલોચના કરવામાં આવી. એક અખબારે તો એમ પણ લખ્યું કે પૃથ્વીરાજનો ઊંચો બુલંદ અવાજ સ્પીકરને તો શું પણ પરદાઓને ફાડી નાખશે. અરદેશર ઈરાનીને પોતાને પણ અવાજપરીક્ષામાં થાપ ખાઈ ગયાનું લાગ્યું. એટલી હદ સુધી ટીકાઓનો મારો વરસ્યો. પણ પૃથ્વીરાજ સ્વસ્થ રહ્યા. અરદેશરને તેઓ સમજાવી શક્યા કે અવાજનું વૉલ્યૂમ તો રેકૉર્ડિંગની તદબીરથી સુધારી શકાય. પણ અવાજની આ ગુણવત્તા અને ઉચ્ચારણછટાને કોઈ મશીન દ્વારા નિપજાવી નહીં શકાય. આગળ ઉપર એમની ભવિષ્યવાણી સાચી પડી તે આપણે જાણીએ છીએ. એ જ અખબારોએ આગળ ઉપર બોલતી ફિલ્મ ‘દ્રૌપદી’ (૧૯૩૧)માં દ્રૌપદી (અર્મેલીન) સામે એમના અર્જુન તરીકે બોલાયેલા સંવાદોની અને અવાજના ગોરંભની મન મૂકીને પ્રશંસા કરી. એ વેળા અરદેશર ઈરાનીએ તેમને એક મોટર સાઈકલ ભેટ આપી. એ પછી જ પૃથ્વીરાજની માર્કેટ વૅલ્યૂ ઊભી થઈ તે ૧૯૩૩ની ન્યૂ થિયેટર્સની ‘રાજરાણી મીરા’થી પૂરી પ્રસ્થાપિત થઈ.
લોકો બંગાળી ફિલ્મ ‘મીરાંબાઈ’માં પાત્ર ભજવનાર દુર્ગાદાસ બૅનરજી અને હિંદી ‘રાજરાણી મીરા’માં એ જ પાત્ર ભજવનાર પૃથ્વીરાજની સરખામણી કરવા માંડ્યા અને પૃથ્વીરાજને વધુ ઊંચા ક્રમે મૂકવા માંડ્યા. આમ બંગાળમાં પણ પૃથ્વીરાજની બોલબોલા શરૂ થઈ અને તે પણ ધ ન્યૂ થિયેટર્સની ફિલ્મોથી જ. પૃથ્વીરાજે બહુ ઝડપથી કામચલાઉ બંગાળી શીખી લીધું. તેમનો પુત્ર રાજ સાત વર્ષનો થયો હતો ત્યારે પુત્ર શમ્મી માત્ર બે જ વર્ષનો. બંગાળી શીખવાના માધ્યમ તરીકે પૃથ્વીરાજ આ બન્ને સંતાનો સાથે વધુ ને વધુ વાત કરવાના પ્રયત્નો કરતા, કારણ કે શિશુઓ બંગાળી આબોહવામાંથી સહેલા શબ્દો ઝડપથી ગ્રહણ કરી લેતા હતા અને એનાથી પિતાનું શબ્દભંડોળ સમૃદ્ધ કરતા હતા. તેમણે જ્યારે ૧૯૫૧માં પુત્ર રાજ કપૂરની ‘આવારા’માં નિ:શુલ્ક કામ કર્યું ત્યારે કહેતા (અલબત્ત, મજાકમાં જ!) કે રાજ તો મારો ગુરુ છે અને આ તો છે ગુરુદક્ષિણા, તેમણે જ પોતાના પિતા બશેશરનાથને રાજની ફિલ્મમાં નાનકડો રોલ લેવા સમજાવ્યા કે જેમણે જિંદગીમાં અભિનયનો ‘અ’ સાંભળ્યો નહોતો. બશેશરનાથે એમની વિનંતી માન્ય રાખી અને એમાં ન્યાયાધીશની ભૂમિકા લીધી. એ ફિલ્મમાં એ રીતે એમની ત્રણ પેઢી એક જ દ્રશ્યઘટક (સિક્વન્સ) દરમિયાન સાથે આવી. વીસ વર્ષો પછી ૧૯૭૧માં રાજ કપૂરના પુત્રે ‘કલ આજ ઔર કલ’માં એ રોમાંચને પુનર્જીવિત કર્યો. એમાં પૃથ્વીરાજ, રાજ કપૂર અને રણધીર કપૂર સાથે આવ્યા.
પૃથ્વીરાજ અને ધ ન્યૂ થિયેટર્સનો સાથ છેક ૧૯૩૯ સુધી રહ્યો. એ પાંચ વર્ષના ગાળામાં તેમણે ધ ન્યૂ થિયેટર્સની દસ ફિલ્મો કરી; પણ નોંધનીય વાત એ છે કે આ ગાળામાં માત્ર ધ ન્યૂ થિયેટર્સ સાથે બંધાયેલા રહેવાને બદલે બીજા નિર્માતાઓની ફિલ્મોમાં પણ અગત્યની ભૂમિકાઓ કરી.
(રજનીકુમાર પંડ્યા)