બટેટા વડી

બટેટા વડી રાત્રે તૈયાર કરીને ફ્રીજમાં રાખી મૂકી શકાય છે અને સવારે શેલો ફ્રાઈ કરીને ટિફિનમાં આપી શકાય છે!

સામગ્રીઃ

  • બટેટા 2
  • રવો 100 ગ્રામ
  • ચણાનો લોટ 150 ગ્રામ
  • કાંદો 1
  • ગાજર 1
  • લીલા મરચાં 3-4
  • કોથમીર ધોઈને સમારેલી 2-3 ટે.સ્પૂન
  • સ્વાદ મુજબ મીઠું

વઘાર માટેઃ

  • તેલ 1 ટે.સ્પૂન
  • તલ 1 ટે.સ્પૂન
  • રાઈ ¼ ટી.સ્પૂન
  • જીરૂ ¼ ટી.સ્પૂન
  • હીંગ ¼ ટી.સ્પૂન
  • લસણ 4 કળી

રીતઃ બટેટાને છોલીને ધોઈને એક વાસણમાં છીણી લો. તેમાં રવો, ચણાનો લોટ મેળવો. હવે તેમાં કાંદો ઝીણો સમારીને ઉમેરો. ગાજરને ઝીણાં ચોરસ ટુકડામાં સમારીને મેળવો. લીલા મરચાં તેમજ કોથમીર ઝીણાં સમારીને સ્વાદ મુજબ મીઠું ઉમેરી દો. 1½-2 કપ પાણી ધીમે ધીમે ઉમેરીને પાતળું એવું ખીરું બનાવી લો.

એક થાળી અથવા ચોરસ ટ્રેમાં તેલ લગાડી લો.

લસણની કળીઓને લાંબી પાતળી સ્લાઈસમાં સમારી લો. એક કઢાઈમાં તેલ ગરમ કરી રાઈ તેમજ જીરૂ તતડે એટલે હીંગનો વઘાર કરી, લસણની ચીરીને ગુલાબી રંગની સાંતળી લો. ગેસની આંચ ધીમી કરીને ખીરૂ ઉમેરી દો અને લોટ બાંધીએ તેવું આ ખીરું ઘટ્ટ થાય ત્યાં સુધી આ મિશ્રણને ચમચા વડે સતત હલાવતા રહો.

લોટ બંધાવા આવે એટલે ગેસ બંધ કરી દો. તેલ લગાડેલી થાળીમાં આ મિશ્રણ ઠાલવીને તવેથા વડે ફેલાવી દો. થાળી થોડી ઠંડી થાય એટલે ફ્રીજમાં 20 મિનિટ માટે રાખી મૂકો. 20 મિનિટ બાદ તેના ચોસલા કરી લો.

ફ્રાઈ પેનમાં તેલ ગરમ કરી તેમાં તલ ભભરાવીને બટેટાની વડીઓ ગોઠવીને શેલો ફ્રાય કરી લો.