બટેટા-ટામેટાંના સેન્ડવિચ ભજીયા

ચીખલી-સુરતનું સ્ટ્રીટ ફુડ બટેટા-ટામેટાંના સેન્ડવિચ ભજીયા! જે સ્વાદિષ્ટ લીલી તીખી ચટણી સાથે બનાવવામાં આવે છે! શિયાળાની ફુલગુલાબી ઠંડીમાં આ ભજીયા ઘરે બનાવશો, તો બધાને જલસો થઈ જશે!!

સામગ્રીઃ

  • થોડા મોટા અને ગોળાકાર બટેટા 2
  • લંબગોળ તેમજ થોડાં પહોળા ટામેટાં 2
  • ચણાનો લોટ 1 કપ
  • ચપટી હીંગ
  • સ્વાદ મુજબ મીઠું
  • ચીલી ફ્લેક્સ 1 ટી.સ્પૂન
  • 2 ચપટી હળદર
  • ચપટી ખાવાનો સોડા
  • તેલ ભજીયા તળવા માટે

ચટણી માટેઃ

  • લીંબુ 1
  • જીરૂ ½ ટી.સ્પૂન
  • લીલા તીખાં મરચાં 3-4
  • ધોઈને સમારેલી કોથમીર 1 કપ
  • ધોઈને સમારેલો ફુદીનો 1 કપ
  • આદુ 2 ઈંચ
  • ચાટ મસાલો 1 ટી.સ્પૂન અથવા સ્વાદ પ્રમાણે
  • મીઠું સ્વાદ મુજબ

રીતઃ બટેટાને છોલીને તેના બહુ પાતળાં નહીં અને બહુ જાડા નહીં તેવા ભજીયા માટેના પતીકા કરી લઈ એક વાસણમાં ડૂબતાં પાણીમાં રાખો.

ટામેટાંને પણ ધોઈને તેના થોડાં જાડા પતીકા કરીને એક પ્લેટમાં ગોઠવીને થોડીવાર માટે ફ્રીજમાં મૂકી દો.

ચટણી તૈયાર કરવા માટે મિક્સી જારમાં સમારેલાં કોથમીર, ફુદીના, લીલા મરચાં, આદુ તેમજ જીરૂ, અડધા લીંબુનો રસ, ચાટ મસાલો તેમજ સ્વાદ મુજબ મીઠું ઉમેરીને પાણી ઉમેર્યા વગર ઘટ્ટ ચટણી પીસીને ફ્રીજમાં મૂકી દો.

ભજીયા બનાવતાં પહેલાં ફ્રીજમાંથી ટામેટાંની સ્લાઈસ તથા ચટણી બહાર કાઢી લો.

ટામેટાંની દરેક સ્લાઈસ ઉપર 1 ચમચી જેટલી ચટણી લઈ સ્લાઈસ ઢંકાય જાય તે રીતે ચટણીનું લેયર લગાડીને એક પ્લેટમાં ગોઠવતાં જાઓ. આ સ્લાઈસ તૈયાર થઈ જાય એટલે કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો.

એક બાઉલમાં ચણાનો લોટ લઈ તેને ચાળી લો. તેમાં ચપટી હીંગ, સ્વાદ મુજબ મીઠું, ચીલી ફ્લેક્સ, 2 ચપટી હળદર ઉમેરો. હવે તેમાં ચપટી ખાવાનો સોડા ઉમેરી તેની ઉપર 1 ટી.સ્પૂન તેલ રેડીને અડધો કપ કે તેથી થોડું વધુ પાણી મેળવીને ભજીયાના ખીરા કરતાં ઘટ્ટ એવું ખીરું તૈયાર કરી લો.

તેલ ગરમ થાય એટલે ટામેટાંની સ્લાઈસ લઈ તેની નીચે બટેટાની સ્લાઈસ ગોઠવીને હળવેથી આ ત્રણ લેયર ચણાના લોટના ખીરામાં ડૂબાડીને ધીરેથી ગરમ તેલમાં નાખીને તળી લો. કઢાઈમાં 3-4 જેટલા ભજીયા આવે તે રીતે તળતા જાઓ. જેથી ભજીયા એકબીજાને ચોંટીને લેયર છૂટું ના પડે. ભજીયા ઉમેર્યા બાદ ગેસની આંચ ધીમી-મધ્યમ રાખીને થવા દો અને  ઝારા વડે કાઢતાં પહેલાં ગેસની આંચ તેજ-મધ્યમ કરીને ભજીયા ઉતારી લો.

આ ભજીયા લીલી ચટણી અને કઢી અથવા પસંદ મુજબ કાંદાની ચીરી તેમજ લીલાં મરચાં સાથે પીરસો.