અમદાવાદઃ રાજ્યભરમાં ફરી એક વાર ઠંડીનો ચમકારો અનુભવાશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી બે દિવસ ઠંડીમાં વધારો થશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ઠંડીમાં વધારો-ઘટાડો થઈ રહ્યો છે. જોકે રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે.
રાજ્યમાં હજુ પણ ઠંડીનો માહોલ છે વળી, આગામી દિવસોમાં ફરી એક વાર ઠંડી અનુભવાશે તેવી આગાહી કરવામાં આવી છે. રાજ્યના ઉત્તર ગુજરાત- બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સમી હારીજ અને સિદ્ધપુરમાં લઘુતમ તાપમાન આઠ ડિગ્રીએ પહોંચે તેવી શક્યતા છે. આ સિવાય રાજ્યના અન્ય કેટલાક ભાગોમાં લઘુતમ તાપમાનનો પારો 10 ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે.
હવામાન વૈજ્ઞાનિક મનોરમાં મોહંતીના જણાવ્યા અનુસાર આગામી ત્રણ દિવસ બાદ ઠંડીનું જોર વધશે. આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનનું જોર વધશે તેવી પણ આગાહી કરવામાં આવી છે.