નવી દિલ્હી: રાજ્યસભામાં આપેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણમાંથી એક શબ્દને રેકોર્ડમાંથી હટાવવામાં આવ્યો છે. હકીકતમાં ગુરુવારે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના સંબોધનના આભાર પ્રસ્તાવ પર પીએમ મોદીએ કેટલાક મુદ્દાઓને લઈ વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા. આ દરમ્યાન વડાપ્રધાને એક એવો શબ્દ કહ્યો જેને સદનની કાર્યવાહીથી હટાવવામાં આવ્યો છે. પીએમ મોદીએ વિપક્ષ પર એનપીઆરને લઈને જૂઠાણું ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. ‘જૂઠ’ શબ્દ અસંસદીય છે. એટલા માટે તેને હટાવવામાં આવ્યો છે.
બજેટ સત્રની શરૂઆતમાં સંસદના બંને સદનોની બેઠકમાં રાષ્ટ્રપતિએ અભિભાષણ આપ્યું હતું. જેના પર ધન્યાવાદ પ્રસ્તાવ દરમ્યાન રાજ્યસભામાં પીએમ મોદીએ આ શબ્દનો ઉપયોગ કર્યો હતો. જેને રાજ્યસભાના સભાપતિ એમ વેંકૈયા નાયડૂએ હટાવ્યો છે. રાજ્યસભા સચિવાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે,”અધ્યક્ષે 6 ફેબ્રુઆરીના રોજ સાંજે 6.20થી સાંજ 6.30 સુધી રાજ્યસભાની કાર્યવાહીનો અમુક ભાગ હટાવી દીધો છે.”