ગુજરાતની ઠંડીમાં આંશિક ઘટાડો, જાણો હવામાન વિભાગની આગાહી

પવનની દિશા ઉત્તર પૂર્વ તરફથી પૂર્વ તરફ થતા ગુજરાતની ઠંડીમાં ફરી એક વખત ઘટાડો નોંધાયો છે. રાજ્યના મોટાભાગના જિલ્લામાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. પરંતુ નલિયા 10 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે સૌથી ઠંડુગાર શહેર બન્યું છે. હવામાન વિભાગે રાજ્યમાં ઠંડી અને વાતાવરણને લઈને આગાહી કરી છે. જેમાં આગામી ત્રણ દિવસ દરમિયાન લધુત્તમ તાપમાનમાં કોઈ તફાવત ન હોવાની આગાહી કરી છે. આ પછી તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી 5-6 જાન્યુઆરી દરમિયાન લધુત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફાર નથી. જેમાં ઠંડીથી આંશિક રાહત થઈ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા ત્રણ દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થશે. ગુજરાતમાં અત્યારે સાત દિવસ હવામાન શુષ્ક રહેશે. આગામી ચારથી પાંચ દિવસમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો જોવા મળી શકે છે. જે બાદ ફરીથી તાપમાનમાં ઘટાડો નોંધાશે.

ગુજરાતની ઠંડીમાં ફરી એક વખત બ્રેક લાગતી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે અમદાવાદમાં 15.0 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. ત્યારે ગાંધીનગરમાં 10.8 ડિગ્રી, ડીસામાં 12.8 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 15.4 ડિગ્રી, વડોદરામાં 13.4 ડિગ્રી, સુરતમાં 20.8 ડિગ્રી, ભુજમાં 13.4 ડિગ્રી, કંડલામાં 13.5 ડિગ્રી, અમરેલીમાં 16.0 ડિગ્રી, ભાવનગરમાં 15.6 ડિગ્રી, દ્વારકામાં 17.9 ડિગ્રી, ઓખામાં 19.5 ડિગ્રી, પોરબંદરમાં 13.4 ડિગ્રી, વેરાવળમાં 18.8 ડિગ્રી, રાજકોટમાં 14.5 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 15.4 ડિગ્રી, મહુવામાં 15.9 ડિગ્રી, કેશોદમાં 13.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે.