Home Blog Page 874

TMC સાંસદ મહુઆ મોઇત્રાએ લગ્ન કર્યા, જાણો કોણ છે પિનાકી મિશ્રા?

તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાએ ફરી એકવાર લગ્ન કર્યા છે. તેમણે પિનાકી મિશ્રા સાથે લગ્ન કર્યા છે, જે એક રાજકારણી છે અને ઓડિશાના પુરીથી સાંસદ રહી ચૂક્યા છે. પિનાકી મિશ્રા બીજુ જનતા દળના નેતા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તાજેતરમાં મહુઆ મોઇત્રા જર્મનીમાં પિનાકી મિશ્રા સાથે જોવા મળ્યા હતા, જેમાં તે માંગ ટીકા અને ઘરેણાથી સજ્જ જોવા મળ્યા હતા.

File Photo (Mahua Moitra X)

પહેલા મહુઆ મોઇત્રાના લગ્ન ડેનિશ ફાઇનાન્સર લાર્સ બ્રોર્સન સાથે થયા હતાં. બાદમાં તેમની સાથે છૂટાછેડા લીધા હતા. તે લગભગ ત્રણ વર્ષ સુધી વકીલ જય અનંત દેહદરાય સાથે સંબંધમાં હતા. અહેવાલો અનુસાર, હવે તૃણમૂલ કોંગ્રેસના લોકસભા સાંસદ મહુઆ મોઇત્રાએ પિનાકી મિશ્રા સાથે 3 મેના રોજ લગ્ન કર્યા.

મહુઆ મોઇત્રાના ગુપ્ત લગ્ન લગભગ એક મહિના પહેલા 3 મેના રોજ થયા હતા, પરંતુ સાંસદે તેના પર મૌન સેવ્યું હતું. જર્મનીનો ફોટો વાયરલ થયા પછી તેમના બીજા લગ્નનું રહસ્ય ખુલ્યું. કૃષ્ણા નગરના સાંસદ મહુઆ 50 વર્ષના છે જ્યારે તેમના બીજા પતિ પિનાકી મિશ્રા 65 વર્ષના છે.

તમને જણાવી દઈએ કે તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના નેતા અને સાંસદ મહુઆ મોઇત્રા હંમેશા પોતાના અંગત જીવન માટે સમાચારમાં રહે છે. રાજકારણમાં પોતાના તીક્ષ્ણ નિવેદનો અને મજબૂત વિરોધ વલણ માટે જાણીતા મહુઆ પોતાના જૂના સંબંધો અને અંગત નિર્ણયોને કારણે ઘણી વખત હેડલાઇન્સમાં રહ્યા હતા. મહુઆ મોઇત્રાએ ડેનિશ રોકાણકાર લાર્સ બ્રોર્સન સાથે લગ્ન કર્યા, પરંતુ આ લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યા નહીં અને છૂટાછેડામાં પરિણમ્યા. આ પછી, તે લગભગ ત્રણ વર્ષ સુધી વકીલ જય અનંત દેહદરાય સાથેના સંબંધમાં રહ્યા. જોકે, પાછળથી આ સંબંધમાં પણ કડવાશ આવી ગઈ અને મહુઆએ દેહદરાયને દગો આપનાર પ્રેમી પણ કહ્યા.

નવેમ્બર 2023 માં, સંસદમાંથી તેમની સંભવિત હકાલપટ્ટી પહેલાં આપેલા એક ઇન્ટરવ્યુમાં, મહુઆ મોઇત્રાએ ધ ગાર્ડિયન સાથે ખુલ્લેઆમ વાત કરી. આ દરમિયાન, તેમણે માત્ર રાજકીય મુદ્દાઓ પર જ નહીં પરંતુ તેમના અંગત જીવન વિશે પણ પ્રામાણિક વાતો શેર કરી. તેમણે કહ્યું હતું કે પુરુષો મામલે મારી પસંદગી ખૂબ જ ખરાબ રહી છે.

પર્યાવરણ દિવસે અમદાવાદમાં અનોખું ઇન્સ્ટોલેશન

પૃથ્વી પર હજારો જીવ રહે છે. એમાં માણસો જ પૃથ્વી પરના જળ, જમીન, પર્વત અને કુદરતી સંપત્તિને વધુ પ્રદુષિત કરી રહ્યો છે. એમાં કેટલાક દેશના માણસો પૃથ્વી પરના પર્યાવરણને બચાવવા ઝઝુમી રહ્યા છે.

5 જૂનને 1972માં સ્ટોકહોમમાં યુ.એન જનરલ એસેમ્બલી દ્વારા ‘પર્યાવરણ દિવસ’ તરીકે જાહેર કરવામાં આવ્યો. 2025ના પર્યાવરણ દિવસની થીમ છે..પૃથ્વી પરથી પ્લાસ્ટિકનો અંત લાવવો.

અમદાવાદ શહેરના જુદા જુદા નવ જેટલા સ્થળોએ પર્યાવરણની જાગૃતિ માટે પ્લાસ્ટિકની પાણીની બોટલ જેવી જ એક વિશાળ સ્ટીલનું ઈન્સ્ટોલેશન મુકવામાં આવ્યું છે. એની પર પર્યાવરણ દિવસ નિમિત્તે સંદેશ છે..’ This is what you drink, because this is what you throw.

‘જેડ અર્થ ‘ જેડબ્લ્યુ સાથે ક્રીએટિવ કામ કરતા ઈશાની સંજિત ચિત્રલેખા.કોમને કહે છે “પર્યાવરણની જાગૃતિ માટે લોકોને સંદેશ આપવાનો આ શ્રેષ્ઠ ઉપક્રમ છે. આવા રચનાત્મક સંદેશ પાણીની બોટલ સ્વરૂપે શહેરના જુદા જુદા નવ જેટલા સ્થળોએ લગાડ્યા છે. જેમાં સિંધુ ભવન રોડ, વસ્ત્રાપુર લેક, IIM, લો ગાર્ડન, રિવરફ્રન્ટ, યુનિવર્સિટી, નહેરુ નગર, ONGC સર્કલ, કોમર્સ સર્કલ જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે.”

સતત વિસ વર્ષથી જુદી જુદી થીમ ડિઝાઈન સાથે પર્યાવરણ દિવસ નિમિત્તે ઈન્સ્ટોલેશન મુકવામાં આવે છે. આ વર્ષે પ્લાસ્ટિક પરની થીમ છે. કારણ જળ અને સ્થળો બધે માઈક્રો પ્લાસ્ટિકના ઉપયોગે માઝા મુકી છે. રખડતાં ઢોર અને માછલી સહિત અનેક જીવોને પ્લાસ્ટિક પેટમાં જવાથી હાનિ પહોંચે છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

World Environment Day: પીએમ મોદીએ સિંદૂર છોડ વાવ્યો, જાણો આ છોડની ખાસિયત

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે વિશ્વ પર્યાવરણ દિવસ પર તેમના નિવાસસ્થાને સિંદૂરનું વૃક્ષ વાવ્યું હતું. આ છોડ તેમને 1971નૈ યુદ્ધ દરમિયાન નોંધપાત્ર હિંમત દર્શાવતી કચ્છની મહિલાઓના જૂથ દ્વારા ભેટમાં આપવામાં આવ્યો હતો. આ પહેલને તાજેતરના ઓપરેશન સિંદૂર સાથે પણ જોડવામાં આવી રહી છે.

કચ્છની મુલાકાત દરમિયાન મહિલાઓએ તેમને ભેટ આપી હતી

પીએમ મોદીએ X પર લખ્યું, આ છોડ દેશની મહિલાઓની બહાદુરી અને પ્રેરણાનું મજબૂત પ્રતીક રહેશે. તેમણે કહ્યું કે કચ્છની તેમની તાજેતરની મુલાકાત દરમિયાન 1971ના યુદ્ધ દરમિયાન નોંધપાત્ર હિંમત દર્શાવનારી મહિલાઓના એક જૂથે તેમને મળ્યા અને આ છોડ ભેટમાં આપ્યા. તે મહિલાઓની ભાવનાઓને માન આપતા પીએમએ વચન આપ્યું કે તેઓ આ છોડ લોક કલ્યાણ માર્ગ ખાતેના તેમના નિવાસસ્થાને વાવશે.

વિશ્વ પર્યાવરણ દિવસ (World Environment Day) પર સિંદૂર છોડની પસંદગી મહત્વપૂર્ણ છે કારણ કે ભારતે 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી પાકિસ્તાન સ્થિત આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવા માટે તેની લશ્કરી કાર્યવાહીનું નામ ઓપરેશન સિંદૂર રાખ્યું હતું. સિંદૂર પરંપરાગત રીતે પરિણીત હિન્દુ મહિલાઓ દ્વારા લગાવવામાં આવે છે, જે તેમના વૈવાહિક આનંદનું પ્રતીક છે.

દરેક દેશે સ્વાર્થથી ઉપર ઉઠવું પડશે: પીએમ મોદી

X પર પોસ્ટ કરાયેલા એક વિડિઓ સંદેશમાં પીએમ મોદીએ કહ્યું કે વૈશ્વિક વાતાવરણને બચાવવા માટે દરેક દેશે સ્વાર્થથી ઉપર ઉઠવું પડશે. તેમણે કહ્યું કે પ્લાસ્ટિક પ્રદૂષણને દૂર કરવું આ વર્ષના વિશ્વ પર્યાવરણ દિવસની થીમ છે અને ભારત છેલ્લા ચાર-પાંચ વર્ષથી તેના પર સતત કામ કરી રહ્યું છે. મિશન લાઇફ, જે સંસાધનોના વિવેકપૂર્ણ ઉપયોગ અને ટકાઉ જીવનશૈલી અપનાવવાની હિમાયત કરે છે, તે વિશ્વભરમાં એક જાહેર ચળવળ બની રહ્યું છે. તેમણે કહ્યું કે લાખો લોકોએ તેમના રોજિંદા જીવનમાં ઘટાડો, પુનઃઉપયોગ અને રિસાયકલનો મંત્ર અપનાવ્યો છે.

સિંદૂરના છોડની વિશેષતા શું છે?

સિંદૂરના છોડને વૈજ્ઞાનિક રીતે બિક્સા ઓરેલાના તરીકે ઓળખવામાં આવે છે. તે ઔષધીય અને સાંસ્કૃતિક મહત્વ ધરાવતો છોડ છે. તેને કુમકુમ વૃક્ષ, કામિલા વૃક્ષ અથવા લિપસ્ટિક વૃક્ષ પણ કહેવામાં આવે છે. આ છોડ દક્ષિણ અમેરિકા, મેક્સિકો અને કેટલાક એશિયન દેશોમાં જોવા મળે છે. ભારતની વાત કરીએ તો, તે મુખ્યત્વે મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં ઉગાડવામાં આવે છે.

આ છોડના ફળ અને બીજમાંથી લાલ અથવા નારંગી રંગનો કુદરતી રંગ મેળવવામાં આવે છે, જેનો ઉપયોગ સિંદૂર તરીકે થાય છે. આ રંગ શુદ્ધ અને રાસાયણિક મુક્ત છે, જે ત્વચા માટે સલામત છે. તેના બીજને પાવડર અથવા પ્રવાહી સ્વરૂપમાં સિંદૂર બનાવવા માટે પીસવામાં આવે છે, જેનો ઉપયોગ ધાર્મિક કાર્યોમાં, વિદાય અને સૌંદર્ય પ્રસાધનોમાં થાય છે.

ઔષધીય ગુણધર્મો: આ છોડ ઔષધીય ગુણધર્મોથી ભરપૂર છે. તેના બીજ અને રસનો ઉપયોગ એન્ટિપ્રાયરેટિક (તાવ ઓછો કરવા), ડાયાબિટીસ વિરોધી અને રક્ત શુદ્ધિકરણ માટે થાય છે. તે હૃદયની શક્તિ વધારવા અને રક્ત પરિભ્રમણને સુધારવામાં પણ મદદ કરે છે.

કોરોનાની રી-એન્ટ્રી? ગુજરાતીઓ સાવધાન!

5 જૂન, 2025ના રોજ અમદાવાદમાં 70 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા ચિંતા વધી છે. શહેરમાં અત્યાર સુધી કુલ 471 કેસ નોંધાયા છે, જેમાં 320 કેસ એક્ટિવ છે. 149 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે, જ્યારે અત્યાર સુધીમાં 3 લોકોના મોત થયા છે.

શહેરના પશ્ચિમ વિસ્તારમાં, વાસણા, પાલડી, આશ્રમ રોડ, વાડજ, ચાંદખેડા, ઘાટલોડિયા, થલતેજ, બોપલ-ઘુમા સહિતના વિસ્તારોમાં 200થી વધુ કેસ નોંધાયા છે, જે મોટો પડકાર બની રહ્યો છે. રાજ્યભરમાં કુલ 508 એક્ટિવ કેસ છે જેમાંથી માત્ર 18 દર્દીઓ હોસ્પિટલમાં છે અને બાકીના 490 હોમ આઇસોલેશનમાં છે. હોસ્પિટલોમાં દાખલ દર્દીઓમાં મોટાભાગે મહિલાઓ છે. તબીબી તંત્ર મુજબ  નવા સબ-વેરિઅન્ટ્સના કારણે સંક્રમણ ફેલાઈ શકે છે, જોકે હજી પણ ઘણા કેસ હળવા સ્વરૂપના છે. તજજ્ઞોએ માસ્ક પહેરવાની, સોશ્યલ ડિસ્ટન્સ અને રેગ્યુલર ચેકઅપ જાળવવાની સલાહ આપે છે.

અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો સાથે જ મૃત્યુઆંક પણ ધીમે ધીમે વધી રહ્યો છે. અત્યાર સુધીમાં 3 મહિલાઓના કોરોનાના કારણે મૃત્યુ થયા છે. 4 જૂને સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડમાં રહેતી 20 વર્ષની યુવતીનું સારવાર દરમિયાન અવસાન થયું હતું. તે પૂર્વે, 2 જૂને વિંઝોલ વિસ્તારમાં રહેતી 18 વર્ષની ગર્ભવતી યુવતીનું શ્વાસ લેવામાં તકલીફના કારણે સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. 28 મેના રોજ દાણીલીમડાની 47 વર્ષીય મહિલાનું પણ મૃત્યુ થયાનું 2 જૂને સત્તાવાર રીતે જાહેર કરાયું હતું.

સોલા સિવિલ હોસ્પિટલમાં પણ ચિંતાજનક ઘટના નોંધાઈ છે જ્યાં વાડજની એક ગર્ભવતી મહિલા સારવાર લઈ રહી હતી. ડિલિવરી પછી મહિલાનું બાળક પણ પોઝિટિવ આવ્યું હતું. પરંતુ સ્થિતિ બગડતા ICUમાં દાખલ કરવાની ફરજ પડી. મહિલાની સ્થિતિ વધુ નાજુક બનતા પરિવારજનોએ મેડિકલ સલાહ વિરુદ્ધ માતા અને બાળકને ડિસ્ચાર્જ કરાવ્યા હતા. ઘરમાં લઈ જતી વખતે માતાનું દુઃખદ અવસાન થયું. સોલા સિવિલમાં કામ કરતાં એક ઇન્ટર્ન ડોક્ટરનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવતા તબીબી તંત્ર વધુ ચિંતિત બન્યું છે.

આ ઘટનાઓ દર્શાવે છે કે કોરોના હળવો હોય તો પણ ગંભીર પરિણામ આપી શકે છે, ખાસ કરીને જો સમયસર સારવાર ન મળે તો. તબીબો લોકોને સ્વસ્થ રહેવા, લક્ષણો નોંધાતા તુરંત તપાસ કરાવવી અને હોસ્પિટલની સલાહ પ્રમાણે ચાલવાની અપીલ કરી રહ્યાં છે.

અણધારી આફત નોતરતા ત્રણ અક્ષર…

નયન આજે ખૂબ ખુશ હતો, કેમ કે, આજે તેની કૉલેજનો છેલ્લો દિવસ હતો એટલે જ એ બને એટલો વહેલો જઈને વહેલો પાછો આવવા માગતો હતો, કારણ કે આવતી કાલથી તે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતી બેંકના ઈન્વેસ્ટમેન્ટ વિભાગમાં જોડાવાનો હતો. એનું વાર્ષિક પગાર-પૅકેજ આશરે નવ લાખ રૂપિયાનું હતું. તૈયાર થઈ રહેલો નયન અરીસામાં જોઈ સહેજ મલકાયો. તૈયાર થઈ રહેલા નયનને માતા-પિતા પણ સગર્વ જોઈ રહ્યાં. એણે ઘરની બહાર પગ મૂક્યા ને એને હેલ્મેટ લેવાનું યાદ આવ્યું, પણ એણે વિચાર્યું, ચાલશે હવે… પાછો ક્યાં અંદર જાઉં? હમણાં કૉલેજ જઈને તો આવી જવું છે.

-અને નયને બાઈકને કિક મારીને સડસડાટ ઊપડ્યો. સોસાયટીની બહાર નીકળી સર્વિસ રોડ પરથી એણે બાઈક હાઈવે પર લીધી. એક કારને એણે ઓવરટેક કરી, પછી બીજીને, ત્રીજીને… ત્યાર બાદ એક ખટારાને ઓવરટેક કરવા નયન સાઈડમાંથી નીકળ્યો, પણ બૅલેન્સ ગુમાવતાં બાઈક પરથી ફંગોળાયો. નયનનું માથું ફૂટપાથની ધાર પર જોરથી અફળાયું, લોહીનો જાણે ફુવારો વછૂટ્યો. અને એક તેજસ્વી યુવાનનો જીવનદીપ ત્યાં જ બુઝાઈ ગયો. તેનાં માતા-પિતાનો આશાદીપ પણ જાણે ત્યાં જ આથમી ગયો. ખરેખર, નયને ‘ચાલશે’ની ભારે કિંમત ચૂકવવી પડી.

ખરેખર, આળસ કલાકોમાં નહીં, પણ સેકન્ડ્સમાં જ હોય છે, પરંતુ તેની સજા જિંદગીભરની હોય છે. તેથી એ જીવતા માણસની ચિતા સમાન છે. મહાભારતમાં કહ્યું છેઃ આળસ સુખદ લાગે છે, પણ તેનો અંત દુખદ હોય છે.

એક શેઠનો ગુમાસ્તો પેઢીના આડતિયાને કામ સંબંધી કાગળ લખતો. એક વાર દીવામાં દીવેલ ખૂટી ગયું અને દીવો ઝાંખો પડી ગયો. આ જોઈ કો’ક બોલ્યું, દીવામાં દીવેલ ખૂટી ગયું છે. કાગળ લખતા ગુમાસ્તાએ આ વાક્ય પણ કાગળમાં લખી નાખ્યું. આમ તો રોજ એ કાગળ પોસ્ટ કરતાં પહેલાં વાંચી જતો, જેથી ભૂલચૂક સુધારી શકાય, પણ આજે એને થયું, આજે નહી વાંચું તો ચાલશે. રોજ તો લખું છું. બધું બરાબર જ હોય છે. એમ વિચારી કાગળ મોકલી આપ્યો.

કાગળ આંગડિયાના હાથમાં પહોંચ્યો. એણે પેલું વાક્ય વાંચ્યું કે, દીવામાં દીવેલ ખૂટી ગયું છે. એને વિચાર આવ્યો કે ગુમાસ્તાએ પોતાના શેઠની આર્થિક નબળાઈ આમ સાંકેતિક ભાષામાં લખી છે. પણ મને આડકતરી રીતે ચેતવણી આપી છે. તેણે તરત બીજા લેણદારને વાત કરી બીજાએ ત્રીજાને… ત્રીજાએ ચોથાને… આમ બજારમાં વાત ફેલાઈ ગઈઃ ફલાણા શેઠની પેઢી કાચી પડી છે, સંભાળજો. જે લોકોએ શેઠ પાસે વ્યાજે પૈસા મૂકેલા એ પણ પૈસા ઉપાડી લેવા દોડ્યા. આમ, ગુમાસ્તાની ‘ચાલશે’વાળી વૃત્તિએ શેઠનું દેવાળું ફૂંકાવ્યું

પ્રશ્ન એ થાય કે આ આળસ રૂપી દુર્ગુણને આપણે સમૂળગો મિટાવી શકીએ? જવાબ છે હા. આનો એક અસરકાર ઉપાય છેઃ મહાપુરુષોનાં જીવન તરફ એક નજર.

મહાત્મા ગાંધીજી હોય કે સરદાર વલ્લ્ભભાઈ પટેલ કે અબ્રાહમ લિંકન હોય કે ડૉ. અબ્દુલ અબ્દુલ કલામ. પોતપોતાનાં ક્ષેત્રમાં શિખર તરફ ડગ માંડતા આ મહાપુરુષો પોતાના પ્રત્યેક પગલે આવતી આળસને ખંખેરતા રહ્યા છે. મહાન સંત પ્રમુખસ્વામી મહારાજનું એક વાક્ય યાદ રાખવા જેવું છેઃ હમણાં કરવાનું કામ એક મિનિટ પછી કરીએ, તો તે પણ આળસ જ છે.

ખરેખરો મહાપુરુષો પોતાનાં જીવનમાં આળસને થોડો પણ અવકાશ આપતા નથી તેથી જ તેઓ સર્વાંગી સફળતા મેળવી શક્યા છે. આવો, આપણે પણ તેમને અનુસરીએ અને વ્યક્તિગત, કૌટુંબિક, સામાજિક જીવનમાં આળસથી મુક્ત રહીએ.

(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)

માતા સીતા સાથે અયોધ્યાના ભવ્ય મંદિરમાં રાજા રામ બિરાજમાન

આજે રામનગરી અયોધ્યામાં રામ ભક્તોની રાહનો અંત આવ્યો. અયોધ્યાના રામ મંદિરમાં રામ દરબાર શણગારવામાં આવ્યો છે જેમાં ભગવાન શ્રી રામ સાથે માતા સીતા, હનુમાન, ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્ન જોવા મળે છે. આજે વૈદિક મંત્રો વચ્ચે રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી.

અભિજીત મુહૂર્તમાં રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ સાથે રામ મંદિરના કિલ્લા પર બનેલા 8 દેવતાઓના મંદિરોમાં પણ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ધાર્મિક નેતાઓની સાથે યુપીના સીએમ યોગી આદિત્યનાથે ગંગા દશેરા નિમિત્તે આ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લીધો હતો. તેમણે મૂર્તિની આરતી કરી હતી. ખાસ વાત એ છે કે આજે સીએમ યોગીનો જન્મદિવસ પણ છે અને આ દિવસે અયોધ્યાના રામ મંદિરમાં રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ભવ્ય મંદિરમાં રાજા રામની મૂર્તિનું અભિષેક કરીને રામનગરીના ઇતિહાસમાં વધુ એક સુવર્ણ પ્રકરણ ઉમેર્યુ. ચારે દિશાઓથી વૈદિક મંત્રોનો અવાજ ગુંજી રહ્યો હતો. બ્રહ્મમુહૂર્તમાંથી જ પંડિતો, આચાર્યો અને સંતોના સામૂહિક અવાજો, શંખના અવાજ અને હવનની સુગંધથી મંદિર પરિસરમાં આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું હતું.

આ સાથે રાજા રામ તેમના ભવ્ય મંદિરમાં બિરાજમાન થયા. મુખ્યમંત્રીએ બધી મૂર્તિઓનો અભિષેક કર્યો. આ પછી, રામ દરબારની મૂર્તિ પરથી આવરણ દૂર કરવામાં આવ્યું.રાજા રામને આભૂષણોથી શણગારવામાં આવ્યા હતા. આ દરમિયાન અયોધ્યાના 19 સંતો અને ધાર્મિક નેતાઓ પણ હાજર હતા. ટ્રસ્ટ, સંઘ અને VHPના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. આ પહેલા મુખ્યમંત્રીએ હનુમાનગઢીની પણ મુલાકાત લીધી હતી.

બેસ્ટ ફ્રેન્ડના લગ્ન કઈંક આવી રીતે માણ્યા આલિયાએ, જુઓ અનસીન ફોટોઝ

આલિયા ભટ્ટે તેની બેસ્ટ ફ્રેન્ડના લગ્નના ફોટા શેર કર્યા છે. આ ફોટામાં તે ખૂબ જ મસ્તી કરતી જોવા મળી રહી છે. ચાહકો તેના ફોટા પર ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે. બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ કાન્સમાં ડેબ્યૂ કર્યા પછી તરત જ તેની બહેનપણીના લગ્નમાં હાજરી આપવા માટે સ્પેન ગઈ હતી. હવે તેણે આ લગ્નના સેલિબ્રેશનની અનસીન તસવીર શેર કરી છે.

આલિયા ભટ્ટ તેની બેસ્ટ ફ્રેન્ડ તાન્યા સાહા ગુપ્તાના લગ્નમાં તેની બ્રાઈડ્સમેડ બની હતી. આ દરમિયાન અભિનેત્રીનો ખૂબ જ અદભુત લુક જોવા મળ્યો. આલિયાએ તેની ફ્રેન્ડના લગ્નના ફંક્શન માટે ખુબ સુંદર આઉટફિટ પસંદ કર્યા હતા. જુઓ આ તસવીરોમાં આલિયા ભટ્ટનો સુંદર અવતાર…

(તસવીરો: આલિયા ભટ્ટ ઈન્સ્ટાગ્રામ)

વિશ્વ પર્યાવરણ દિવસ: આ દિવસ ઉજવવાનો શું છે ઉદ્દેશ?

પર્યાવરણીય સંરક્ષણ કેટલું મહત્વનું છે (World Environment Day) તેનો અંદાજ વધતા ગ્લોબલ વોર્મિંગ, હવામાનમાં અસામાન્ય ફેરફારો અને લુપ્ત થતા પ્રાણીઓ અને પક્ષીઓની સંખ્યા પરથી લગાવી શકાય છે. જો પર્યાવરણનું રક્ષણ નહીં કરવામાં આવે તો પૃથ્વી પર જીવન મુશ્કેલ બની જશે. તેથી જ દર વર્ષે 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે.

આ દિવસ પર્યાવરણના સંરક્ષણ માટે જાગૃતિ લાવવા અને લોકોને પ્રકૃતિ સાથે સંતુલનમાં રહેવા માટે પ્રેરણા આપવા માટે ઉજવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રએ 1972 માં આ દિવસની ઉજવણી શરૂ કરી હતી અને ત્યારથી તે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. આ ખાસ દિવસ દર વર્ષે એક ખાસ થીમ (વિશ્વ પર્યાવરણ દિવસ 2025 થીમ) સાથે ઉજવવામાં આવે છે, જે પર્યાવરણીય મુદ્દાઓને પ્રકાશિત કરે છે. જાણીએ કે આ વર્ષે પર્યાવરણ દિવસની થીમ શું છે?

વિશ્વ પર્યાવરણ દિવસ 2025 ની થીમ શું છે?

પર્યાવરણ દિવસ 2025 ની થીમ ‘પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત લાવો’ છે. આ થીમ એટલા માટે પસંદ કરવામાં આવી છે કારણ કે પ્લાસ્ટિક પ્રદૂષણ આજે વિશ્વની સૌથી મોટી પર્યાવરણીય સમસ્યાઓમાંની એક બની ગયું છે. પ્લાસ્ટિકનો વધતો ઉપયોગ આપણા પર્યાવરણને જોખમમાં મૂકી રહ્યો છે. આને કારણે પ્રાણીઓને પણ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને માઇક્રોપ્લાસ્ટિક માનવ સ્વાસ્થ્ય માટે પણ ઘાતક સાબિત થઈ રહ્યા છે.

દર વર્ષે લાખો ટન પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે, જેમાંથી ખૂબ જ ઓછો ભાગ રિસાયકલ થાય છે. ઉપરાંત, પ્લાસ્ટિકનું વિઘટન થતું નથી, એટલે કે તે વિઘટિત થતું નથી અને પૃથ્વીમાં ભળી જતું નથી. તેથી, પ્લાસ્ટિક પ્રદૂષણ ઝડપથી વધી રહ્યું છે. ઘણું પ્લાસ્ટિક દરિયામાં ફેંકવામાં આવે છે, જે દરિયાઈ જીવોને ગૂંગળાવી રહ્યું છે. તેથી, પ્લાસ્ટિક પ્રદૂષણને નિયંત્રિત કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસ કેમ ઉજવવામાં આવે છે?

5 જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે પસંદ કરવામાં આવ્યો કારણ કે 1972માં આ દિવસે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ પર્યાવરણ સંરક્ષણ પર પ્રથમ વૈશ્વિક શિખર સંમેલનનું આયોજન કર્યું હતું, જેને સ્ટોકહોમ પરિષદ તરીકે ઓળખવામાં આવે છે. આ પરિષદમાં ઘણા દેશોએ ભાગ લીધો હતો અને પર્યાવરણીય પડકારો પર ચર્ચા કરી હતી. આ પછી, સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ (UNEP) ની સ્થાપના કરવામાં આવી અને 5 જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ જાહેર કરવામાં આવ્યો.

કબીરવાણી: તનથી નહીં પણ મનથી તીરથ કરવું

 

નિહકામી નિરમલ દશા, નિત ચરણો કી આશ,

 તીરથ ઇચ્છા તા કરે, કબ આવે વૈ દાસ.

 

આપણે પુણ્ય મેળવવાની ભાવનાથી તીર્થયાત્રા, તીર્થસ્નાન અને દર્શન કરીએ છીએ. આ માન્યતા આપણી પરંપરાનો ભાગ છે. કબીરજી ખૂબ સિફતથી આ ભાવનાની બુનિયાદ પર એક નવી શક્યતાનું નિર્માણ કરે છે.

જે વ્યક્તિ કામનારહિત છે, જેનું ચિત્ત નિર્મલ છે, આચાર શુદ્ધ છે, ગુરુચરણોમાં રહી જ્ઞાન ઉપાર્જન કરવા સદાય તત્પર છે, આવો ભક્ત પ્રભુનો ખાસ છે. તેના સત્સંગથી સાચો માર્ગ જડે છે. ભવોભવના ફેરા ટળે છે.

કબીરજી કહે છે કે, સામાન્ય જનને તીરથ કરવાની અદમ્ય ઇચ્છા હોય છે પણ પ્રભુના દાસના ચરણોથી પાવન થવા તીરથ તલસે છે. આ રચનાથી કબીરજી ચીલાચાલુ માન્યતાઓનું ખંડન કર્યા વિના તેની નિરર્થકતા પ્રતિ અંગુલિનિર્દેશ કરે છે.

આજે તીર્થસ્થાનોમાં અસહૃા ભીડ જોવા મળે છે. લોકો બાધા-માનતા રાખી યાત્રા કરે છે. ઘણા ધાર્મિક સ્થળોએ સ્વચ્છતાનો અભાવ છે. યાત્રાળુના ઘસારા અને સ્પર્શથી અમરનાથનું શિવલિંગ ઓગળી જાય છે ત્યારે તનથી નહીં પણ મનથી તીરથ કરવાનો ઉપદેશ ઉપયોગી છે.

(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)

રાહુલ ગાંધીના ‘શરણાગતિ’વાળા નિવેદન પર શશી થરૂરે શું કહ્યું?

અમેરિકા: લોકસભામાં PM મોદી પર વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલા ‘શરણાગતિ’ નિવેદન પર સતત ચર્ચા ચાલી રહી છે. હવે કોંગ્રેસના સાંસદ શશી થરૂરે આ નિવેદન પર પ્રવેશ કર્યો છે. શશી થરૂર ‘ઓપરેશન સિંદૂર’ પર ભારતના આઉટરીચ મિશનનું નેતૃત્વ કરી રહ્યા છે. શશી થરૂરની ટીમ હાલમાં અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં છે.

એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, શશી થરૂરે રાહુલ ગાંધીના આ નિવેદન પર પ્રતિક્રિયા આપી. એક પત્રકારે કોંગ્રેસના સાંસદ શશી થરૂરને પૂછ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે તાજેતરમાં થયેલી અથડામણ દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના કથિત મધ્યસ્થી પ્રયાસોનો મુદ્દો સતત ઉઠાવવામાં આવી રહ્યો છે. મહિલા પત્રકારે કહ્યું કે આ એક એવો પ્રશ્ન છે જેના પર તમારી પાર્ટી સતત પ્રશ્નો પૂછી રહી છે. ગઈકાલે જ, તમારા પક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે PM મોદીએ ટ્રમ્પ સમક્ષ આત્મસમર્પણ કર્યું?

આ પ્રશ્નના જવાબમાં, શશી થરૂરે કહ્યું કે અમને અમેરિકાના રાષ્ટ્રપતિ પદ પર અપાર વિશ્વાસ છે, અમે અમેરિકાના રાષ્ટ્રપતિનો આદર કરીએ છીએ, અમે અમારા વિશે કહી શકીએ છીએ કે અમે ખાસ કરીને કોઈને મધ્યસ્થી કરવા કહ્યું નથી.

‘કોઈ ત્રીજા પક્ષની જરૂર નથી’

‘ઓપરેશન સિંદૂર’ પર અમેરિકામાં ભારતના આઉટરીચ મિશનનું નેતૃત્વ કરી રહેલા શશી થરૂરે આ મુદ્દા પર ભારતનું વલણ સ્પષ્ટ કર્યું અને કહ્યું, “જેમ મેં કહ્યું, જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદની ભાષાનો ઉપયોગ કરવાનું ચાલુ રાખે છે, ત્યાં સુધી અમને પાકિસ્તાનીઓ સાથે સમાન ભાષા બોલવામાં કોઈ સમસ્યા નથી. અમે તાકાતની ભાષાનો ઉપયોગ કરીશું, અને આ માટે કોઈ ત્રીજા પક્ષની જરૂર નથી…”

થરૂરે કહ્યું, “બીજી બાજુ, જો તેઓ આતંકવાદના માળખાને નષ્ટ કરવા માંગતા હોય, તો અમે તેમની સાથે વાત કરી શકીએ છીએ, જો તેઓ ગંભીર પગલાં લે અને બતાવે કે પાકિસ્તાન ભારત સાથે સામાન્ય સંબંધો રાખવા માંગે છે, તો અમે ચોક્કસપણે વાત કરવા તૈયાર છીએ અને આ માટે અમને કોઈ મધ્યસ્થીની જરૂર રહેશે નહીં.”

તેમણે કહ્યું કે કોઈપણ સંજોગોમાં ભારતને રોકવા માટે સમજાવવાની કોઈ જરૂર નથી. કોઈએ અમને રોકવા માટે કહેવાની જરૂર નહોતી કારણ કે અમે તેમને કહી રહ્યા હતા કે પાકિસ્તાન બંધ થાય કે તરત જ અમે રોકવા માટે તૈયાર છીએ. તેથી જો તેઓ બદલામાં પાકિસ્તાનીઓને કહે, તો તે વધુ સારું રહેશે કે તમે રોકાઈ જાઓ કારણ કે ભારતીયો રોકવા માટે તૈયાર છે અને તેઓએ તેમ કર્યું. આ તેમના તરફથી એક સારો સંકેત છે. પરંતુ અંતે શું થયું તે ફક્ત પાકિસ્તાન જ કહી શકે છે.

કોંગ્રેસના સાંસદે કહ્યું કે ભારતે જે કંઈ કહ્યું તે સકારાત્મક વલણ સાથે હતું. તેમણે કહ્યું કે અમને અમેરિકા પ્રત્યે ખૂબ માન છે, અમારી અમેરિકા સાથે ઘણી મહત્વપૂર્ણ વ્યૂહાત્મક ભાગીદારી છે. એક મુદ્દા પર ચર્ચા થઈ હોવાથી અમે આ સંબંધને મુશ્કેલીમાં મૂકવા માંગીએ છીએ નહીં.

રાહુલ ગાંધીનું શું નિવેદન હતું

તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધી 3 જૂને મધ્ય પ્રદેશમાં હતા. ત્યાં પાર્ટીના કાર્યકરોને સંબોધતા તેમણે કહ્યું, ‘હું ભાજપ અને આર.એસ.એસ.ના લોકોને સારી રીતે ઓળખું છું. જો તમે તેમના પર થોડું દબાણ કરો છો, તો તેઓ ડરીને ભાગી જાય છે.’

રાહુલે આગળ કહ્યું, “ટ્રમ્પે ત્યાંથી ફોન કરીને સંકેત આપ્યો કે તમે શું કરી રહ્યા છો મોદીજી? નરેન્દ્ર, શરણાગતિ સ્વીકારો. અને ‘હા સાહેબ’ કહીને, મોદીજીએ ટ્રમ્પના સંકેતનું પાલન કર્યું.”

ભાજપે કહ્યું કે આ સેનાનું અપમાન છે

ભારતીય જનતા પાર્ટીએ રાહુલ ગાંધીના નિવેદનને દેશ અને સેનાનું અપમાન ગણાવ્યું છે. ભાજપ અધ્યક્ષ જે. પી. નડ્ડાએ કહ્યું કે રાહુલ ગાંધી દ્વારા ભારતીય સેનાના અજોડ વીરતા અને બહાદુરીને ‘શરણાગતિ’ કહેવું એ માત્ર દુર્ભાગ્યપૂર્ણ જ નથી પણ ભારતીય સેના, રાષ્ટ્ર તેમજ 140 કરોડ ભારતીયોનું ઘોર અપમાન પણ છે.

નડ્ડાએ કહ્યું કે જો કોઈ પાકિસ્તાનીએ આ કહ્યું હોત તો આપણે તેના પર હસ્યા હોત, પરંતુ જે રીતે ‘ઓપરેશન સિંદૂર’એ પાકિસ્તાનમાં વિનાશ સર્જ્યો, તે પછી પાકિસ્તાનના લોકોથી લઈને તેની સેના અને તેના વડાપ્રધાન પણ આ કહેવાની હિંમત કરી શક્યા નહીં, પરંતુ રાહુલ ગાંધી આ કહી રહ્યા છે! આ રાજદ્રોહથી ઓછું કંઈ નથી.