વર્ષ 1984માં બાળકો માટે એક મહત્વની યોજના શરૂ કરવામાં આવી, જેનો મુખ્ય ધ્યેય બાળકોમાં ઘટતા પોષણ સાથે શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહન આપવાનો હતો. આ યોજના એટલે PM પોષણ યોજના, જે મધ્યાહન ભોજન યોજના તરીકે જાણીતી છે. આ યોજના અંતર્ગત બાળકોને શાળામાં જ સારા નાસ્તા સાથે સારુ જમવાનું પુરુ પાડવામાં આવે છે, પરંતુ હમણાં ગુજરાત સરકાર દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો, જે પ્રમાણે હવેથી મધ્યાહન ભોજનમાં માત્ર બપોરનું જમવાનું જ આપવામાં આવશે. એટલે કે બાળકોને બે ટંકનું પોષણયુક્ત જમવાનું એક વખત સાથે આપી દેવામાં આવશે. પરંતુ શું આ એક વખતનું ભોજન બાળકો માટે પરીપૂર્ણ છે?
મધ્યાહન ભોજનમાં આવેલા ઓચિંતા બદલાવને બાળકો કેમ પચાવશે? શું બાળકોના બ્રેકફાસ્ટમાં લાગેલી બ્રેક કેટલી યોગ્ય છે? આવો, જોઇએ શું કહે છે સમાજના વિવિધ ક્ષેત્રના લોકો…
ડૉ. સુષ્મિતા ચંદા, સિનિયર ડાયટિશિયન, કે. ડી હોસ્પિટલ
પલ્લવી પટેલ, ડિરેક્ટર, ચેતના ફાઉન્ડેશન
મધ્યાહન ભોજન શરૂ થયા બાદ એક પદ્ધતિ શરૂ થઈ ગઈ કે, બાળક ઘરેથી કંઈ પણ ખાધા વગર જ આવે છે. આ પણ એક મોટો પ્રશ્ન છે કે શું બાળકને શાળાએ ભોજન મળે છે, એ માટે તમે બાળકના ભોજનની જવાબદારી નથી લેતા? દરેક બાળકને કેટલું ભોજન આપી શકાય એ ચર્ચાનો વિષય છે, એટલે આ નિર્ણય કેટલો સાચો કે ખોટો તે કહેવું થોડું જટિલ બની જાય છે. પરંતુ જો બાળક સવાર નાસ્તો ઘરેથી કરી આવી શકતું હોય, તો શાળાએ નાસ્તો આપવો એ કેટલો યોગ્ય એ પણ એક ચર્ચાનો વિષય છે. કેટલીક વિસ્તારમાં બાળકોને પૂરતું ખાવાનું મળી શકતું નથી, એવા બાળકો માટે ભોજનની વ્યવસ્થા જરૂરથી કરવી જોઈએ. એ વાત એવો અર્થ પણ નથી કે, દરેક જગ્યા પર બાળકને ખોરાક આપતા જ રહો. સામાન્ય રીતે કોઈપણ બે વસ્તુ ખાવાથી બાળક પોષણક્ષમ નથી બની જતું. તેમને લીલા શાકભાજી અને કઠોળની પણ જરૂરત હોય છે. જો બપોરના ભોજનમાં લીલા શાકભાજી અને કઠોળ મળતા હોય તો બાળકો માટે આ નિર્ણય સારો ગણાય. કેમ કે ફક્ત ને ફક્ત પેટ ભરવું જરૂરી નથી ભોજનથી પોષણ પણ મળવું જરૂરી હોય છે.
હિરેન મકવાન, હેડ ટીચર, પીએમ શ્રી પ્રાથમિક ગુજરાતી શાળા, હડગુડ
બાળકોના સવારનો નાસ્તો જરૂરી હોય છે, અને આ નાસ્તો આપવો જ જોઈએ. આ પરિપત્ર પ્રમાણે સવારના નાસ્તાનું પોષણ બપોરના ભોજનમાં લઈ લીધું છે. પરંતુ મારા મત અનુસાર એક સાથે આપવું એના કરતાં થોડું થોડું આપવું વધુ સારું રહે છે. સરકારે નાસ્તો શરૂ રાખવો જ જોઈએ. બંધ કરવાની જરૂર નથી. સામાન્ય રીતે સવારે 10:30 ના શરૂ થયેલી શાળામાં સવારે 11 થી 12 વાગ્યા આસપાસ નાસ્તો આપવામાં આવતો હતો અને બપોરે 2 વાગ્યા આસપાસ જમવાનું આપવામાં આવતું હતું. જ્યારે હવે બાળકોને સીધું 2 વાગ્યે જમવાનું મળે છે. બાળકને સવારથી બપોર સુધી ભુખ્યા રહેવુ પડે છે. કેટલીક વખત એવું બને છે કે બાળકોને ઘરે જમવાની તકલીફ પડતી હોય છે. જે અહીં આવીને જમતા હોય છે, તેમનું ભૂખના કારણે ભણવામાં પણ મન નથી લાગતુ. સરકાર દ્વારા જાહેર કરાયેલ નવું મેનુ હાલ સુધીમાં સૌથી સારુ મેનું છે. મારા મત અનુસાર આ મેનુ સાથે નાસ્તો પણ આપવો જોઈએ.
યોગેશ પટેલ, આસિસ્ટન્ટ ટીચર, SIMEJ પ્રાથમિક શાળા, ધોળકા
મધ્યાહન ભોજનમાં નાસ્તો હટાવી બપોરનું ભોજન આપવાનો નિર્ણય આવકારદાયક છે. બાળકોને એક સમયમાં સારું પોષણયુક્ત જમવાનું મળી રહે, એ માટે આ નિર્ણય બરાબર છે. જ્યારે બાળકોને નાસ્તો આપવામાં આવતો હતો, ત્યારે જમવામાં માત્ર દાળભાત કે દાળ ઢોકલી જેવી વસ્તુ આપવામાં આવતી હતી. પરંતુ હવે દાળભાત સાથે લીલા શાકભાજી અથવા તો કઠોળ પણ આપવામાં આવે છે. કેટલીક વાર એવું બને છે કે બાળકો જે વિસ્તારમાંથી આવતા હોય ત્યાં તેને શાકભાજી મળી શકતા નથી અથવા તો ઓછું મળતું હોય. એ બાળકો માટે શાળાથી તમને શાકભાજી મળતું હોય તો તેમના માટે જ સારુ છે.
સાજીદ મહમ્મદ ઈદ્રીશુસેન સૈયદ, બાળકના વાલી
પહેલાના સમયમાં બાળક સવારે ચા નાસ્તો કરી શાળાએ જતા અને 12 વાગ્યા આસપાસ નાસ્તો આપવામાં આવતો, પણ હવે એ નાસ્તો બંધ કર્યો છે જેના કારણે બાળકો સવારથી બપોર સુધી ભૂખ્યા રહેવું પડે છે. આમ જમવાને લઈ નવું મેનુ આપવામાં આવ્યું તે સારુ જ છે. હાલ જમવાની સુવિધા વધુ સારી થઈ ચૂકી છે. તેમ છતાં અમે શાળાના સરને નાસ્તાને લઈ રજૂઆત પણ કરી હતી. મારી બેબી સવારે 10:30 આસપાસ શાળાએ જાય છે અને સાંજે 5 વાગ્યા આસપાસ શાળાએ છૂટે છે. જ્યારે આ નિર્ણય બાદ હવે અમારે બાળકોને ઘરેથી કંઈકને કંઈક ખવડાવી મોકલવા પડે છે. હાલમાં મેનુ સારુ છે, પણ બાળકોને જે સમય પર જમવાનું મળવું જોઈએ, તે સમય પર તો મળતું નથી. આ નિર્ણયનો કોઈ વિરોધ નથી પરંતુ સવારથી ભૂખ્યા બાળકનું મન શિક્ષણ કાર્યમાં ન લાગી શકે.
(તેજસ રાજપરા- અમદાવાદ)