‘નિવૃત્તિ માટેના ભંડોળને સમજીવિચારીને તૈયાર કરો, જરૂર પડે ત્યારે એ ઉપલબ્ધ હોવું જોઈએ’

‘ચિત્રલેખા.કોમ’-‘આદિત્ય બિરલા કેપિટલ’ યોજીત વિશેષ વેબિનારમાં ઓનલાઈન દર્શકોએ મેળવ્યું કિંમતી માર્ગદર્શન


સ્ટેપઅપ SIPs એક એવો કોન્સેપ્ટ છે જેમાં દર વર્ષે પગાર વધે એમ બચત વધારવી જોઈએ જેથી નિવૃત્તિ માટેનું ફંડ વૃદ્ધિ પામી શકે.  

– કે.એસ. રાવ

રિટાયરમેન્ટ પ્લાનિંગ માત્ર પૈસા માટે જ કરાય એવું નથી, પણ જિંદગીના એક મહત્ત્વના તબક્કા વખતે રાહતપૂર્ણ રીતે જીવી શકાય એ માટે પૈસા મહત્ત્વના છે.

– કિરણ તેલંગ

માતા-પિતાની સલાહથી પૈસા બચાવવાની આદત તો આપણે નાનપણથી જ પાડી જ હશે, પણ નિવૃત્તિકાળમાં કામમાં આવે એ રીતે પૈસા રોકવાની અહીં વાત છે. જેટલા જલદી પૈસા રોકશો અને એને હાથ નહીં લગાડો તો એ વૃદ્ધિ પામશે.

– પી.વી. સુબ્રમણ્યમ

ઘણા લોકો કહે કે નિવૃત્તિ માટે બચત કરવી છે, આવક તો છે, પણ ખર્ચોય વધારે છે એટલે બચત થઈ શકતી નથી. તો એ લોકો નાની રકમથી શરૂઆત કરીને સમય જતાં એ રકમમાં વધારો કરતા જવાનો.

– અમિત ત્રિવેદી


આ કિંમતી સલાહ અને માર્ગદર્શન 30 ઓગસ્ટના રવિવારે વેબિનારમાં આર્થિક જગતના નિષ્ણાતો પાસેથી મળ્યા હતા જેનું આયોજન ચિત્રલેખા.કોમ અને આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુલ ફંડ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું. આ વેબિનારનો વિષય હતોઃ નિવૃત્તિ પહેલા અને ત્યારપછીની આર્થિક સુરક્ષા માટે કેવું આયોજન કરવું જોઈએ?

નિવૃત્તિ પછીની અર્થપૂર્ણ જિંદગી માટે ફાઈનાન્સનું આયોજન કેવી રીતે કરવું જોઈએ એ શીખવાડ્યું હતું આ નિષ્ણાતોએ.

કે.એસ. રાવ આદિત્ય બિરલા સન લાઈફ એએમસી લિમિટેડના ઈનવેસ્ટર એજ્યૂકેશન અને ડિસ્ટ્રિબ્યૂશન ડેવલપમેન્ટ વિભાગના વડા છે. જ્યારે પી.વી. સુબ્રમણ્યમ, કિરણ તેલંગ અને અમિત ત્રિવેદી પર્સનલ ફાઈનાન્સ ક્ષેત્રના લેખક તથા નિષ્ણાત છે.

રાવે પ્રેઝન્ટેશન દ્વારા ફાઈનાન્સિયલ આયોજન વિશે ઉપયોગી સમજ આપ્યા બાદ કહ્યું હતું કે ઈક્વિટીમાં મૂડીરોકાણ કરવાથી પર્યાપ્ત રિટર્ન મળે છે. માર્કેટે છેલ્લા 10 વર્ષમાં ઈક્વિટી ફંડે રિટર્ન બહુ ઓછું આપ્યું છે – 10 ટકા પણ નથી આપ્યું તો તે છતાં ઈક્વિટીમાં ઈન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ ખરું? એ સવાલના જવાબમાં રાવે કહ્યું કે, એકંદરે ઈક્વિટી નોંધનીય રિટર્ન આપતા આવ્યા છે. બીએસઈ સેન્સેક્સે 90ના દાયકાથી લઈને અત્યાર સુધીમાં 17 ટકા રિટર્ન આપ્યું છે જે પર્યાપ્ત છે. અને ભારતીય અર્થતંત્ર 6-7 ટકાના દરે વૃદ્ધિ પામે છે, ફૂગાવો 3-4 ટકાના દરે હોય તો પણ ઈક્વિટીમાં વળતર સારું મળે છે એમ કહી શકાય. રાવે આ વિશે દ્રષ્ટાંત આપતા 3-બકેટ સ્ટ્રેટેજી કહી. જેમ કે, શોર્ટ ટર્મ જરૂરિયાતો માટેના પૈસા લિક્વિડ હોય , મિડિયમ ટર્મ માટે ફિક્સ્ડ ઈન્કમ હોય અને લોન્ગ ટર્મ માટેના પૈસા ઈક્વિટીમાં હોય.

તમારા મતે કોઈ વ્યક્તિના ફાઈનાન્સિયલ લક્ષ્યોને ધ્યાનમાં રાખીને એના ઈન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોની સમીક્ષા કરવા માટે કયો સમય કે ફ્રિક્વન્સી ઉત્તમ ગણાય? કોઈ નિવૃત્ત વ્યક્તિએ કઈ રીતે અને કયા ઈન્સ્ટ્રુમેન્ટ્સમાં મૂડીરોકાણ કરવું જોઈએ? એવા સવાલના જવાબમાં ‘માઈન્ડફુલ રિટાયરમેન્ટ’ પુસ્તકનાં લેખિકા કિરણ તેલંગે કહ્યું હતું કે, ફાઈનાન્સિયલ પ્લાનિંગ કરતી વખતે બે રીતે ફેરફાર આવી શકે છે. એક, તમારા અંગત જીવનને કારણે અને બીજું બહારના સંજોગોને કારણે. તેથી વર્ષમાં એક વાર ઈન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોની સમીક્ષા કરી લેવી બેહતર કહેવાશે. નિવૃત્તિ માટે 60ની ઉંમરને ગણીએ તો જોવું પડે કે વ્યક્તિનું ટોટલ કોર્પસ કેટલું છે, એમાંથી તમે ખર્ચ માટે કેટલી રકમ બાજુએ રાખવા માગો છો. પછી જે રકમ બચે છે એ તમે ક્યાં ઈન્વેસ્ટ કરો છો એ જોઈને નિર્ણય લેવો પડે.

એક દર્શકનો સવાલઃ જો હું 30 વર્ષની ઉંમરથી ઈન્વેસ્ટમેન્ટ કરવાનું શરૂ કરું, તો મારે મારું નિવૃત્ત ભંડોળ બનાવવા માટે કઈ એસેટ્સમાં મૂડીરોકાણ કરવું જોઈએ? માત્ર ઈક્વિટીમાં કે પછી રિયલ એસ્ટેટ વગેરેમાં?

એના જવાબમાં પી.વી. સુબ્રમણ્યમે કહ્યું કે, હું સલાહ આપીશ કે માત્ર ઈક્વિટીમાં જ મૂડીરોકાણ કરવું જોઈએ, કારણ કે રિયલ એસ્ટેટ 1000 કે 2000 રૂપિયા જેટલી નાની રકમ સાથે મૂડીરોકાણ કરવા માટે નથી. તમે પૈસા ઉછીના લઈને ઘરમાં ઈન્વેસ્ટમેન્ટ કરો એ બરાબર નથી. 60 વર્ષ પછી પણ તમે ઈક્વિટીમાં ઈન્વેસ્ટમેન્ટથી થયેલી કમાણીને રિયલ એસ્ટેટમાં રી-એલોકેશન શકો છો. તમારે લાર્જ-કેપ, મિડ-કેપ ફંડને જોવાની પણ જરૂર નથી. તમને જ્ઞાન ન હોય તો ઈન્ડેક્સ ફંડમાં પૈસા રોકો તો પણ ખોટું નથી.

કાર્યક્રમના સંચાલક અમિત ત્રિવેદીએ કહ્યું કે, મૂડીરોકાણ માટે અનેક સુવિધાઓ ઉપલબ્ધ છે, તમારે જરૂર છે એ પ્લાનને વળગી રહેવું જોઈએ અને એને ડિસ્ટર્બ કરવો ન જોઈએ અને સમય જતાં રોકાણમાં વૃદ્ધિ થતી જોવા મળશે. નિવૃત્તિમાં તમારે તમારા વાર્ષિક ખર્ચને અંદાજવાની જરૂર હોય છે.

વેબિનાર દરમિયાન દર્શકોનાં સવાલના જવાબ પણ આપવામાં આવ્યા હતા. ત્રિવેદીએ કહ્યું કે 35 સવાલો આવ્યા હતા, પરંતુ સમયના અભાવે બધાયનો જવાબ આપી શકાય એમ નહોતો. વેબિનારના અંતે ત્રિવેદીએ આભારવિધિ વ્યક્ત કરી હતી.

કાર્યક્રમની શરૂઆતમાં, ‘ચિત્રલેખા.કોમ’ના તંત્રી કેતન ત્રિવેદીએ વેબિનારના નિષ્ણાત-વક્તાઓ અને દર્શકોને આવકાર આપ્યો હતો. એમણે કહ્યું કે, ચિત્રલેખા અને આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુઅલ ફંડના સહયોગથી છેલ્લા ઘણા સમયથી ઈન્વેસ્ટર અવેરનેસના મૂળ ઉદ્દેશને ધ્યાનમાં રાખીને વિશેષ વેબિનાર યોજવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમોમાં આદિત્ય બિરલા સન લાઈફના જાણીતા નિષ્ણાતો ઉપસ્થિત રહે છે તેથી અનેક લોકો સુધી આ જાગૃતિ સુધી પહોંચાડી શક્યા છીએ.

સંપૂર્ણ વેબિનાર જોવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરોઃ

https://www.facebook.com/chitralekha.in/videos/736493483860539