ખરેખર, આ તો સારો માણસ હતો યાર!  

વર્ષ 2010: ટોરન્ટોમાં મળેલી G-20 ની એક બેઠકમાં અમેરિકન પ્રેસિડેન્ટ બરાક ઓબામાએ ડો. મનમોહન સિંહ વિશે કહેલું આ વિધાન યાદગાર બની ગયું છેઃ જ્યારે ડો. સિંહ બોલે છે ત્યારે વિશ્વ સાંભળે છે.

વર્ષ 2024: એ જ ડો. મનમોહન સિંહ આજે મૌન છે, પણ દુનિયા આખી આજે એમના વિશે બોલી રહી છે.

જે લોકો ઇતિહાસ સર્જતા હોય છે એમનું આ જ લક્ષણ છેઃ કામને બોલવા દેવું. ડો. મનમોહન સિંહ પોતે ક્યારેય ન બોલ્યા. ‘મૌનમોહન સિંહ’ કહીને કરવામાં આવતી ટીકાઓ સહન કરીને ય ન બોલ્યા. એમણે ફક્ત પોતાના કામને બોલવા દીધું. એ જ કારણ છે કે, છેલ્લા કેટલાક સમયથી મુખ્યધારાના રાજકારણમાં સક્રિય ન હોવા છતાં એમના અવસાન પછી એમનું કામ બોલી રહ્યું છે. આખો દેશ એક અવાજે નાણામંત્રી તરીકે એમણે કરેલા આર્થિક સુધારાઓને લઇને એમના પર પ્રશંસાના ફૂલો વરસાવી રહ્યો છે, વર્તમાનમાં ભારત જે આર્થિક સમૃધ્ધિના ફળ ચાખી રહ્યો છે એના પ્રણેતા તરીકે ડો. સિંહને યથોચિત અંજલિ આપી રહ્યો છે.

શું શીખવા જેવું છે એમાંથી?

એકઃ એ જ કે, તમે ગમે એટલા વિદ્વાન હો, ગમે એટલી શૈક્ષણિક લાયકાત ધરાવતા હો તો પણ વિનમ્ર રહી શકો છો. વર્ષ 2004 થી 2014 ના સમયગાળામાં વિશ્વના દેશોમાં શાસન કરતાં વડાઓમાં ‘મોસ્ટ ક્વોલિફાઇડ લીડર’ ગણાવાયેલા ડો. સિંહે વિદ્વતાને પચાવી જાણી. શાણપણ (Wisdom) ઉપર વિદ્વતાને ક્યારેય સવાર થવા ન દીધી.

બેઃ એ જ કે, કોઇપણ સંજોગોમાં પોતાની ગરીમા ન ગુમાવવી. અપમાનો અને ટીકાઓની વચ્ચે પણ એમણે શાલિનતા ન ગુમાવી. ભાષા પર સંયમ જાળવી રાખ્યો. પોતાની જાતને નીચે ન ઉતરવા દીધી. વર્તમાન જાહેરજીવનમાં સૌથી કપરું કામ આ છે, જે એમણે કરી બતાવ્યું.

ત્રણઃ એ જ કે, વર્તમાન જાહેરજીવનની ગંદકીમાં પણ જળકમળવત્ રહી શકાય છે. હાડકોર વિરોધીઓ ય એમની પ્રામાણિકતા અને નિષ્ઠા પર શંકા કરી શકે એમ નથી. રિઝર્વ બેંકના ગવર્નર, આયોજન પંચના અધ્યક્ષ, ફાઇનાન્સ સેક્રેટરી, નાણામંત્રી અને વડાપ્રધાન જેવા હોદ્દાઓ પર રહેવા છતાં, આજુબાજુમાં ભ્રષ્ટાચારે માઝા મૂકેલી હોવા છતાં, એ જળકમળવત્ રહ્યા. ભારત સરકારની એક રૂપિયાની નોટ અને રિઝર્વ બેંકની ચલણી નોટો પર સહી કરીને એને કાયદેસરતા બક્ષનાર આ માણસ ક્યારેય એનાથી ચલિત ન થયો.

ચારઃ એ જ કે, પોતાની જરૂર ન હોય ત્યાંથી માનપૂર્વક ખસી જવું. ખરેખર તો, ડો. સિંહે વર્ષ 2014 પછી તરત જ રાજકારણમાંથી હટી જવાની જરૂર હતી. આપણને ખબર નથી કે ક્યા કારણસર એમણે રાજ્યસભાના સભ્ય બનવાનું ચાલુ રાખ્યું, પણ 2014 પછી એમની ‘રાજકીય જરૂરિયાત’ પૂરી થઇ ચૂકી હતી. છેલ્લાં વર્ષોમાં ઉંમર અને બિમારીના કારણે એ જાહેરજીવનમાંથી લગભગ વિદાય લઇ ચૂક્યા હતા. અન્ય નેતાઓની માફક એમણે હડધૂત થઇને નિવૃત્ત થવાનો વારો ન આવ્યો, પણ આમ છતાં ય ગ્રેસફૂલ રિટાયરમેન્ટ ક્યારે લેવું જોઇએ એ પણ એમનામાંથી શીખવા જેવું છે.

અન્યથા, એમના અવસાન પછી આડેધડ ઠલવાઇ રહેલી શ્રધ્ધાંજલિઓમાં બહુ પડવા જેવું નથી. એ ઓછી પ્રામાણિકતા, થોડાક સૌજન્ય ને વધારે તકવાદનું સગવડિયું મિશ્રણ છે.

નહીં તો, જે કોંગ્રેસ આજે ‘ડો. સિંહ કોંગ્રેસના હતા’ એવું ગૌરવ લે છે એ જ કોંગ્રેસના નેતાઓએ, ખાસ કરીને 2009 થી 2014ના ગાળામાં ડો. સિંહને અપમાનિત કરવામાં કાંઇ બાકી રાખ્યું નહોતું. કેન્દ્ર સરકારના મંત્રીઓ વડાપ્રધાનને અવગણીને વાયા 23, મધર ટેરેસા ક્રેસન્ટ થઇને સીધા 10, જનપથની જ ચાપલૂસી કર્યા કરતા. ખુદ રાહુલ ગાંધીએ એન્ટી હીરો બનવાની લ્હાયમાં આ જ ડો. સિંહની સરકારના વટહુકમને જાહેરમાં ફાડીને એને ‘અટર નોનસેન્સ’ ગણાવેલો. ડો. સિંહે જીવતેજીવ જે નાલેશી વહોરવી પડી એમાં આ કોંગ્રેસીઓનો ફાળો ઓછો નહોતો.

એ જ રીતે, જે ભાજપના નેતાઓ આજે ડો. મનમોહન સિંહના પ્રદાનને બીરદાવે છે એમણે આ જ માણસને જાહેરમાં ખરીખોટી સંભળાવવામાં બાકી રાખ્યું નહોતું. વિરોધ પક્ષને સરકારમાં બેઠેલાઓની ટીકા કરવાનો પૂરેપૂરો અધિકાર છે, પણ એમાં મર્યાદાભંગ ન હોય. ભાજપીઓ આ વિવેક ય ચૂકી ગયા હતા.

તકવાદી અને દંભી શ્રધ્ધાંજલિઓમાં એક શ્રેષ્ઠ ઉદાહરણ અભિનેતા અનુપમ ખેરની X પર કરાયેલી એક પોસ્ટ છે. ‘એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ ના પ્રમોશન માટે, ફિલ્મના કમર્શિયલ ફાયદા માટે જે મનમોહન સિંહને બેફામ વગોવાયેલા, જે ફિલ્મ એક વ્યક્તિના જીવનનું ચિત્રણ ઓછી અને પ્રોપેગન્ડા વધારે હતી એ જ ફિલ્મમાં ડો. સિંહની ભૂમિકા અદા કરનાર અનુપમ ખેર હવે એમના મૃત્યુ પછી એમ કહે છે કે, એમના પાત્રમાંથી પોતે બહુ શીખ્યા છે! અનુપમ ખેર એક અભિનેતા તરીકે લાજવાબ છે, પણ આ શ્રધ્ધાંજલિમાં દેખાય છે એ તકવાદ અને નર્યો દંભ છે.

ના, ડો. મનમોહન સિંહ ઉમદા વ્યક્તિ હોવા છતાં જાહેરજીવનમાં એ ટીકાથી પર ન હોઇ શકે. ટીકા ચોક્કસ કરી શકાય, બેધડક કરી શકાય, પણ એ ટીકા એમના કામોની હોય, એમણે લીધેલા નિર્ણયોની હોય.

જે રીતે 1990ના દાયકામાં એમણે લીધેલા નિર્ણયોનું મૂલ્યાંકન આજે થઇ શકે છે એમ એમણે વડાપ્રધાન તરીકે લીધેલા કેટલાક નિર્ણયોનું મૂલ્યાંકન આવતીકાલે થશે. ઇતિહાસ કરશે એમના કામનું મૂલ્યાંકન, પણ એ કરતી વખતે એક વાત અચૂક યાદ રખાશે કે, ગંદકીથી ખદબદતા જાહેરજીવન વચ્ચે ય આપણાથી થાય એટલું કામ સારી રીતે કેમ કરવું એ આ માણસ શીખવી ગયો. ખરેખર, આ તો સારો માણસ હતો યાર!

(લેખક ચિત્રલેખા.કોમના એડિટર છે.)