બિહારના મુખ્ય પ્રધાન નીતિશકુમારે નવી નૌટંકી શરૂ કરી છે. તેમણે ખાસ ગણાતા પ્રશાંત કિશોરને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. પ્રશાંત કિશોરને જનતા દળ (યુ)ના ઉપપ્રમુખ બનાવાયા હતા. એવું લાગતું હતું કે જાણે તેઓ કિશોરને વારસદાર તરીકે નીમી રહ્યા છે. આગળ જતા પોતે દિલ્હીમાં જાય તો પાછળ બિહારનું સુકાન કિશોરને સોંપી શકાય. જેડીયુના દિલ્હી ખાતેના સારા પ્રવક્તા તરીકે જાણીતા પવન વર્માને પણ હાંકી કાઢવામાં આવ્યા છે. પવન વર્માએ વિરોધ કર્યો હતો કે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સાથે જોડાણ કરવાનો શો અર્થ છે. એક તરફ સીએએ અને એનઆરસીનો વિરોધ અને વળી પાછી ભાજપ સાથે દિલ્હીમાં દોસ્તી – એ ક્યા નૌટંકી હુઈ ભઈ?
આવો સવાલ માત્ર પવન વર્માએ નહિ, પણ ઘણાએ પૂછ્યો છે. પરંતુ નીતિશકુમારની નૌટંકી એબ્સર્ડ ડ્રામા જેવી સાબિત થઈ રહી છે. એપ્સર્ડ પ્લે તેના લખનારાને પણ સમજાતું હશે કે કેમ, જોનારાને ભાગ્યે જ સમજાતું હોય છે. તેનું વિવેચન વાંચવું પડે ત્યારે સમજ પડે, અથવા કહો કે ગેરસમજ ઉલટાની વધે. નીતિશકુમારના કિસ્સામાં એવું જ થઈ રહ્યું છે. તેઓ વારંવાર પલટી મારીને દેશના શ્રેષ્ઠ પાટલીબદલુ સાબિત થઈ રહ્યા છે. ભાજપ સાથે દોસ્તી તોડવાની તૈયારી કરી રહ્યા છે એવું વિવેચન તેમનું એબ્સર્ડ થિયેટર જોઈને થયું હતું. તે વિવેચન ગેરસમજ કરનારું હોય તે રીતે તેઓ દિલ્હી પહોંચીને ભાજપના નેતા અમિત શાહ સાથે સભાઓ ગજવી રહ્યા છે.
એવું કહેવાય છે કે અમિત શાહે થોડા વખત પહેલાં, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ હતા ત્યારે જ, જાહેરમાં એવી સ્પષ્ટતા કરી દીધી હતી કે બિહારમાં નીતિશના નેતૃત્ત્વમાં ચૂંટણી લડાશે. ગઠબંધન રહેશે, પણ મુખ્યપ્રધાન નીતિશ રહેશે તેવી ખાતરી મળી એટલે તેઓ અમિત શાહની જીહજૂરી કરવા માટે દિલ્હીમાં હાજર થઈ ગયા. પણ તો પછી તક મળ્યે, એટલે કે ઝારખંડ પછી દિલ્હીમાં પણ વિધાનસભામાં ભાજપને જીત ના મળે તો ભાજપથી જુદા થઈ જવાની વાત ક્યાં જતી રહી?
સીએએ માટે ટેકો આપ્યો પણ પછી નીતિશકુમારે ગણગણાટ શરૂ કર્યો હતો. ત્યારબાદ એનઆરસીના મુદ્દે સ્પષ્ટ વલણ લીધું હતું કે બિહારમાં તેનો અમલ નહિ થાય. તેમણે કબાટમાં પડેલા પોતાના બિનસાંપ્રદાયિક ધોતિયાને કાઢીને ફરી પહેરી લીધું હતું. પ્રશાંત કિશોરની સલાહ પ્રમાણે એનઆરસીનો વિરોધ કોમવાદી ધોરણે નહિ, પણ ગરીબવાદી ધોરણે કરવાની સ્ટ્રેટેજી ઉપયોગી થાય તેવી હતી. પ્રશાંતની સલાહ પ્રમાણે ભાજપનો, નરેન્દ્ર મોદીનો, સીએએ કે એનઆરસીનો સીધો વિરોધ કરવાના બદલે, ગરીબ માણસો પાસે દસ્તાવેજો ના હોય, ગરીબ માણસોને હેરાન ના કરાય એવો સૂર વ્યક્ત કરવાનો હતો.
બીજી વાત એ છે કે પ્રશાંત કિશોર અને પવન વર્મા દિલ્હીમાં હોવાથી તેમનું કદ વધવા લાગ્યું હતું. નીતિશકુમારે (અને તેમના જેવા ચાલાક દરેક નેતાએ) તેમના અસલ રાજકારણ પ્રમાણે ક્યારેય પોતાના ટેકેદારોને એક હદથી આગળ વધવા દીધા નથી. આ બંને નેતાઓનું કદ વધી રહ્યું હતું એટલે તેમને હટાવવા જરૂરી હતા. રાષ્ટ્રીય કક્ષાએ આ બંને નેતા જેડીયુના ચહેરા બની ગયા હતા. પ્રવક્તા તરીકે અને વ્યૂહકાર તરીકે બંને ટીવીમાં સતત ચમકતા હતા. હવે આ બંનેને જેડીયુના નવા આવેલા પ્રવક્તાઓ ‘કોરોના વાયરસ’ કહે છે! નીતિશકુમારે કહ્યું કે પોતાને અમિત શાહની ભલામણ હતી એટલે પ્રશાંત કિશોરને પક્ષમાં લીધા હતા. આ રીતે તેમણે પ્રશાંત કિશોરની છાપને ભાજપતરફી, હિન્દુત્વતરફી, ઉગ્રતાતરફી ઠરાવવાની પણ કોશિશ કરી છે.
અસલી પડકાર હવે પછીની બે ચૂંટણીઓમાં આવવાનો છે – બિહારની અને પશ્ચિમ બંગાળની. તેમાં પ્રથમ વર્ષના અંતે બિહારની ચૂંટણી આવશે. બિહાર પશ્ચિમ બંગાળનું પડોશી રાજ્ય છે અને થોડી ઘણી અસર પડોશી રાજ્યના રાજકારણમાં કરી શકે છે. તેથી બિહારમાં પરિણામોમાં અણધાર્યું કશુંક થાય તો પશ્ચિમ બંગાળમાં ભાજપની સ્ટ્રેટેજી ઊંધી વળી શકે છે. ભાજપનો અસલી પડકાર અને લક્ષ્ય પશ્ચિમ બંગાળ છે. ત્રિપુરાની જેમ ઉલટફેર કરીને પશ્ચિમ બંગાળમાં પ્રથમવાર સત્તા મેળવવાનું ભાજપનું લક્ષ્ય છે. દક્ષિણમાં કર્ણાટક માર્ગે પ્રવેશ થયો છે, તે રીતે પૂર્વમાં પશ્ચિમ બંગાળ મારફતે પ્રવેશને મજબૂત કરવાનો છે. અરૂણાચલ, આસામ, ત્રિપુરામાં સફળતા મળી છે, પણ તે નાના રાજ્યો છે. પશ્ચિમ બંગાળ જેવું મોટું રાજ્ય અને એક જમાનાનું ડાબેરીનું ગઢ ગણાતું રાજ્ય હાથમાં આવે તેની અસર નજીકમાં ઓડિશામાં અને દૂર કેરળમાં પણ પડી શકે.