ફ્રાન્સમાં શનિવારે (24 October)ના રોજ સરકારી નીતિઓ, વધતી મોંઘવારી અને શિક્ષણ ક્ષેત્રે સર્જાયેલી ખામીઓ સામે વિરોધ પ્રદર્શનનો બીજો તબક્કો વધુ ઉગ્ર બન્યો છે. રાજધાની પેરિસ સહિત દેશના વિવિધ અગ્રણી શહેરોમાં અંદાજે 4.10 લાખથી વધુ લોકોએ મોરચો માંડ્યો હતો. પ્રદર્શન દરમિયાન અનેક સ્થળોએ હિંસા ભડકી ઊઠી હતી, જેના પગલે પોલીસે અશ્રુવાયુના સેલ છોડ્યા હતા અને વોટર કેનનનો ઉપયોગ કરીને ભીડને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો.

પેરિસમાં પ્રદર્શન ઉગ્ર બન્યું, 64 લોકોની ધરપકડ
ફ્રાન્સના ગૃહ મંત્રાલયના અહેવાલ મુજબ, એકલા રાજધાની પેરિસમાં જ 1.10 લાખ લોકો માર્ચમાં જોડાયા હતા. રેલીની શરૂઆત શાંતિપૂર્ણ રીતે થઈ હતી, પરંતુ પોર્ત દ’ઇતલીથી શરૂ થઈને પોર્ત દ વિન્સેન્સ પહોંચતા જ વાતાવરણ વણસી ગયું હતું. કેન્દ્રીય પેરિસના પ્લાસ દ લા નાસિયો તરફ આગળ વધી રહેલા પ્રદર્શનકારીઓને પોલીસે રોકતા જ અથડામણ થઈ હતી.પેરિસ પ્રોસિક્યુટર ઓફિસના જણાવ્યા અનુસાર, હિંસા અને તોડફોડની આશંકા હેઠળ પેરિસમાંથી 64 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાંથી 40 લોકોને કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે. ધરપકડ કરાયેલાઓમાં 6 સગીરોનો પણ સમાવેશ થાય છે.

દેશના અન્ય શહેરોમાં પણ તંગદિલી
કેવળ પેરિસ જ નહીં, પરંતુ લિયોન, ક્લેરમૌન્ટ-ફેરાં, સ્ટ્રાસબર્ગ, નીસ, નાંતેસ અને માર્સેય જેવા શહેરોમાં પણ વિરોધ પ્રદર્શન દરમિયાન સ્થિતિ વણસી હતી. માર્સેયમાં માર્ચના અંતિમ તબક્કામાં પોલીસ અને દેખાવકારો વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું. આ પરિસ્થિતિને પહોંચી વળવા ગૃહ મંત્રી લોરેન્ટ નુનેઝે સમગ્ર દેશમાં 70,000 પોલીસકર્મીઓ, હેલિકોપ્ટર અને સશસ્ત્ર વાહનો તૈનાત કર્યા હતા. ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે યોજાયેલા પ્રદર્શનમાં 5 લાખથી વધુ લોકો ઉતર્યા હતા અને અંદાજે 3,000 દુકાનોમાં તોડફોડ તથા લૂંટફાટ થઈ હતી.

આંદોલનનું મુખ્ય કારણ: શાળાઓમાં શિક્ષકોની અછત અને મોંઘવારી
આ વ્યાપક વિરોધ પ્રદર્શનની શરૂઆત ગયા મહિને પેરિસના દક્ષિણ-પૂર્વ ભાગમાં આવેલી એક હાઈસ્કૂલમાં કર્મચારીઓની અછત સામે થયેલા સ્થાનિક વિરોધથી થઈ હતી, જે હવે સમગ્ર દેશમાં વ્યાપી ગઈ છે.
શિક્ષણ સંકટ: શિક્ષણ મંત્રાલયના 2024-25ના શૈક્ષણિક વર્ષના આંકડા અનુસાર, સરકારી મિડલ અને હાઈસ્કૂલોમાં શિક્ષકોની ગેરહાજરીના કારણે 1.54 કરોડ શૈક્ષણિક કલાકોનું નુકસાન થયું છે, જે કુલ નક્કી કરેલા સમયના 7.5% જેટલું છે.
વિદ્યાર્થીઓની માંગણી: વિદ્યાર્થી સંગઠનો ઉચ્ચ શિક્ષણમાં 2.50 લાખ વધારાની બેઠકો, શાળાઓ-કોલેજોમાં વધુ શિક્ષકોની ભરતી અને માળખાકીય સુધારાની માંગ કરી રહ્યા છે. ઉપરાંત, માસિક શિષ્યવૃત્તિમાં 200 યુરોનો વધારો અને હોસ્ટેલના ભાડામાં રાહતની પણ માંગ છે.
કર્મચારીઓની માંગણી: નોકરીયાત વર્ગ અને પેન્શનરો વધતી મોંઘવારી સામે વેતનવધારો અને પેન્શન સુરક્ષાની માંગ કરી રહ્યા છે.

વિરોધ ચાલુ રહેવાના એંધાણ
લિયોન, નીસ અને મોન્ટપેલિયર જેવા શહેરોમાં વહીવટીતંત્રે પ્રદર્શનો પર પ્રતિબંધ મૂક્યો હતો, જેનો ટ્રેડ યુનિયનોએ કડક વિરોધ કરતા તેને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર ઘાત ગણાવી છે. આ દરમિયાન, ‘યલો વેસ્ટ મુવમેન્ટ’ સાથે જોડાયેલા સંગઠનોએ 31 Octoberના રોજ ફરીથી દેશવ્યાપી આંદોલનનું આહ્વાન કર્યું છે, જેનાથી આગામી દિવસોમાં ફ્રાન્સમાં રાજકીય અને સામાજિક અસ્થિરતા વધુ વધવાની શક્યતા છે.




