મુંબઈ: નૃત્ય એ માત્ર મનોરંજનનું સાધન નથી, પરંતુ તે લાગણીઓને વ્યક્ત કરવા, કલા અને સંસ્કૃતિની અભિવ્યક્તિ અને સ્વસ્થ રહેવાનું એક ઉત્તમ માધ્યમ પણ છે. દર વર્ષે 29મી એપ્રિલ વિશ્વભરમાં ‘આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ'(World Dance Day) તરીકે ઉજવવામાં આવે છે. જેનો હેતુ લોકોને નૃત્યનું મહત્વ જણાવવાનો છે. આ સાથે દુનિયાભરના ડાન્સર્સને પ્રોત્સાહિત કરવાને પણ હેતુ છે. આ દિવસે નૃત્ય સંબંધિત વિવિધ કાર્યક્રમો અને સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. કથક, ભરતનાટ્યમ, હિપ હોપ, બેલે, સાલસા, લાવણી જેવા ઘણા નૃત્ય સ્વરૂપો છે, જે સમગ્ર વિશ્વમાં લોકપ્રિય છે. સમય જતાં હવે વેસ્ટર્ન ડાન્સ ફોર્મ પણ ખૂબ જ ભારતમાં પ્રચલિત થયાં છે.
આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસની ઉજવણી કેવી રીતે શરૂ થઈ?
ઇન્ટરનેશનલ ડાન્સ ડેની ઉજવણી 1982માં ઇન્ટરનેશનલ થિયેટર ઇન્સ્ટિટ્યૂટ (ITI)ની ઇન્ટરનેશનલ ડાન્સ કમિટી દ્વારા કરવામાં આવી હતી. ITI એ એક બિન-સરકારી સંસ્થા છે, જે યુનાઈટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન (UNESCO) નો ભાગ છે. આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ નૃત્યના જાદુગર જીન જ્યોર્જ નોવેરેને સમર્પિત છે. તમને જણાવી દઈએ કે જ્યોર્જ નોવેરે એક પ્રખ્યાત બેલે માસ્ટર હતા, જેમને બેલેના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યોર્જ નોવેરેનો જન્મ 29 એપ્રિલ 1727ના રોજ થયો હતો. વર્ષ 1982 માં, ITI ની નૃત્ય સમિતિએ જ્યોર્જ નોવેરેને તેમના જન્મદિવસ 29 એપ્રિલના રોજ આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસની ઉજવણી કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. જે પછી દર વર્ષે 29 એપ્રિલના રોજ આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસની ઉજવણી થવા લાગી. તેણે ‘લેટર્સ ઓન ધ ડાન્સ’ નામનું ડાન્સ પર એક પુસ્તક પણ લખ્યું હતું, જેમાં ડાન્સ સાથે જોડાયેલી દરેક વસ્તુ ઉપલબ્ધ છે. કહેવાય છે કે આ વાંચીને કોઈપણ ડાન્સ શીખી શકે છે.
આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસનો હેતુ
આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસનો હેતુ માત્ર વિશ્વના તમામ નૃત્યકારોને પ્રોત્સાહિત કરવાનો નથી, પરંતુ લોકોને નૃત્યના ફાયદાઓ વિશે જણાવવાનો પણ છે. નૃત્યની કળા દ્વારા વિવિધ સંસ્કૃતિઓ વચ્ચે સંવાદને પ્રોત્સાહન આપવામાં આવે છે, જેનાથી સમૃદ્ધિ અને એકતાનું વાતાવરણ સર્જાય છે.