વર્ષ 2024 માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 3’ બાદ મોટા પડદાથી દૂર રહેલી બહુમુખી અભિનેત્રી વિદ્યા બાલન (Vidya Balan) ના ફેન્સ માટે એક આનંદના સમાચાર સામે આવ્યા છે. વિદ્યા બાલન ટૂંક સમયમાં એક નવી તમિલ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવતી જોવા મળશે. આ પ્રોજેક્ટની સૌથી ખાસ વાત એ છે કે, આ ફિલ્મ દ્વારા વિદ્યા બાલન અને પ્રખ્યાત ડિરેક્ટર આર. બાલકી (R. Balki) 17 વર્ષ પછી ફરી એકવાર સાથે કામ કરી રહ્યા છે. આ અગાઉ વર્ષ 2009 માં આવેલી ચર્ચિત ફિલ્મ ‘પા’ (Paa) માં બંનેએ સાથે કામ કર્યું હતું.
અભિનેત્રીએ તાજેતરમાં પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી એક બિહાઈન્ડ-ધ-સીન્સ (BTS) તસવીર શેર કરીને આ નવી તમિલ સફરના એંધાણ આપ્યા છે.

સોશિયલ મીડિયા પર શેર કરી BTS તસવીર
વિદ્યા બાલને શેર કરેલી ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં તે શર્ટ પહેરીને લાંબી ચોટલી સાથે ફિલ્મની સ્ક્રિપ્ટ વાંચતી જોવા મળે છે. તસવીરના કેપ્શનમાં તેણે લખ્યું છે કે: “નવી શરૂઆત… નવી તમિલ ફિલ્મ… આર. બાલકી સાથે.” માનવામાં આવી રહ્યું છે કે તે પોતાના પાત્રના ગેટઅપમાં જ જોવા મળી રહી છે. જોકે, ફિલ્મનું નામ, તેની વાર્તા અને શૂટિંગ શિડ્યુલ અંગે નિર્માતાઓ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

17 વર્ષ પહેલાં ‘પા’ ફિલ્મમાં કર્યું હતું કામ
વિદ્યા બાલન અને આર. બાલકીની જોડીએ 17 વર્ષ પહેલાં 2009 માં રજૂ થયેલી ફિલ્મ ‘પા’ માં કામ કર્યું હતું, જેમાં અમિતાભ બચ્ચન મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મમાં વિદ્યાના અભિનયના ખૂબ વખાણ થયા હતા. આટલા વર્ષો બાદ આ જોડીને ફરી સાથે કામ કરતી જોવા માટે સિનેપ્રેમીઓમાં મોટો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આગામી મોટા પ્રોજેક્ટ્સની લાઇનઅપ
જેલર 2 (Jailer 2):
રજનીકાંત સ્ટારર આ ચર્ચિત ફિલ્મમાં વિદ્યા ‘કાંથા’ નામના મહત્વના પાત્રમાં નજરે પડશે. આ ફિલ્મ 15 October 2026 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની ધારણા છે.
અક્ષય કુમાર સાથે અનટાઇટલ્ડ કોમેડી:
અનીસ બઝમીના ડિરેક્શન હેઠળ બની રહેલી અનટાઇટલ્ડ કોમેડી ફિલ્મમાં તે અક્ષય કુમાર અને રાશી ખન્ના સાથે જોવા મળશે. આ ફિલ્મ 4 December 2026 ના રોજ રિલીઝ થવાની શક્યતા છે અને તેનો એક શૂટિંગ શિડ્યુલ કેરળમાં પૂર્ણ થઈ ચૂક્યો છે.






