ભારતીય ક્રિકેટના ઉભરતા તારા અને યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ દુલીપ ટ્રોફી 2026ના પ્રથમ સેમિફાઇનલ મુકાબલામાં સપાટો બોલાવ્યો છે. સેન્ટ્રલ ઝોન સામે ઈસ્ટ ઝોન તરફથી રમતા વૈભવે વિસ્ફોટક ઈનિંગ રમીને ક્રિકેટ જગતમાં સનસનાટી મચાવી દીધી છે. આ મહત્વપૂર્ણ મેચમાં અડધી સદી ફટકારવાની સાથે જ તેણે 57 વર્ષ જૂનો એક અકબંધ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.

57 વર્ષ જૂનો ઐતિહાસિક રેકોર્ડ ધ્વસ્ત
મેચમાં ઈસ્ટ ઝોન તરફથી ઇનિંગ્સની શરૂઆત કરવા ઉતરેલા વૈભવે માત્ર 42 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ સાથે જ તે દુલીપ ટ્રોફીના ઈતિહાસમાં અડધી સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી બની ગયો છે. વૈભવે આ સિદ્ધિ માત્ર 15 વર્ષ અને 157 દિવસની ઉંમરે હાંસલ કરી છે. આ પહેલાં આ રેકોર્ડ લક્ષ્મણ સિંહના નામે હતો, જેમણે વર્ષ 1969માં 16 વર્ષ અને 23 દિવસની ઉંમરે અડધી સદી ફટકારી હતી.

7 ચોગ્ગા અને 7 ગગનચુંબી છગ્ગા ફટકાર્યા
વૈભવ સૂર્યવંશીએ ક્રિઝ પર આવતાની સાથે જ આક્રમક વલણ અપનાવ્યું હતું. તેણે 81 બોલમાં 92 રનની શાનદાર ઈનિંગ રમી હતી, જેમાં 7 ચોગ્ગા અને 7 આકાશી છગ્ગાનો સમાવેશ થાય છે. જોકે, હર્ષ દુબેના બોલ પર છગ્ગો મારવાના ચક્કરમાં તે નર્વસ નાઇન્ટીઝનો શિકાર બન્યો હતો અને સદી ચૂક્યો હતો. ઈનિંગ દરમિયાન જ્યારે તે 40 રનના સ્કોર પર હતો ત્યારે યશ રાઠોડે તેનો સરળ કેચ છોડ્યો હતો, જેનો પૂરો ફાયદો ઉઠાવી તેણે વધુ 52 રન જોડ્યા હતા. અનુભવી બેટ્સમેન અભિમન્યુ ઈશ્વરન સાથે તેની ભાગીદારીએ સેન્ટ્રલ ઝોનના બોલરોને ભારે દબાણમાં મૂકી દીધા હતા.
મેચની સ્થિતિ
મેચની વાત કરીએ તો પ્રથમ ઈનિંગમાં સેન્ટ્રલ ઝોનની ટીમ 266 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં વૈભવની વિસ્ફોટક ઈનિંગના બળે ઈસ્ટ ઝોને બીજા દિવસના લંચ બ્રેક સુધી 31 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 183 રન બનાવી લીધા છે. ઈસ્ટ ઝોન હવે પ્રથમ ઈનિંગના આધારે મોટી લીડ મેળવવાની નજીક પહોંચી ગયું છે.

