અમિત શાહે ગાંધીનગર NFSU માં ત્રિ-દિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં આપી હાજરી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલ ગુજરાતના પ્રવાસે છે. ગાંધીનગરમાં આજથી NFSU ખાતે ત્રિ-દિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરાયું છે, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી, કાયદા અને સંસદીય બાબતના મંત્રી ઋષિકેશ પટેલ સહિતના નેતાઓ, NHRC ના અધ્યક્ષ અરૂણ કુમાર મિશ્રા, અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ડિજિટલ, બિહેવિયરલ ફોરેન્સિક્સ વિષય પર કોન્ફરન્સ યોજાઈ હતી. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી અમિત શાહે કહ્યું કે, PM મોદીના નેતૃત્વમાં દરેક ક્ષેત્રમાં પરિવર્તન જોવા મળ્યા છે. ગૃહમંત્રી શાહે કહ્યું કે, આજના પ્રમુખ મુદ્દાઓમાં બે મુદ્દાઓ કોન્ફરન્સના છે જે સમય પર ન્યાય અને કન્વિક્શન રેટ વધારવું છે. તેમણે કહ્યું કે, ભારતમાં પ્રથમવાર બે-ત્રણ જગ્યાઓ પર એક્સપરિમેન્ટ કર્યું. હવે ક્રાઈમ સિન પર એક ફોરેન્સિક સાયન્સ એક્સપર્ટ ફરજિયાત મુલાકાત લેશે.

આ કોન્ફરન્સમાં ઉપસ્થિત કાયદા અને સંસદીય બાબતના મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, સરદાર પટેલ પછી અમિત શાહ કેન્દ્રીય ગૃહમંત્રી બન્યા અને તેમણે સરદાર પટેલ પછી જે કસર છૂટી તે પૂરી કરી છે. મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, ટેક્નોલોજીની સાથે દરેક ક્ષેત્રમાં ફેરફાર આવી રહ્યા છે. માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાંથી પ સાઇબર ક્રાઇમને અંજામ આપવામાં આવી રહ્યો છે. ક્રિમિનલની સાયકોલોજીની સ્ટડી થવી જોઈએ. ગુનેગારોને નાથવાનું કામ અને ડિટેક્શન સુધીના કામ પર ચર્ચા થવી જોઈએ.

ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત અમૃતકાળમાં પ્રવેશ કરી ચુક્યો છે, ભારતીય લોકતંત્રની નીવ પાતાળ કરતા પણ ઊંડી છે, લોકતંત્રના માધ્યમથી દેશમાં અનેક વખત લોહીની એક બુંદ રેડ્યા વગર સત્તા પરિવર્તન થયું છે. લોકતંત્ર માટે ભારતીય જનમાનસની દુનિયામાં કોઈ સવાલ કરી શકે તેમ નથી, લોકતંત્ર ભારતની રગોમાં છે તે દુનિયાએ જોયું છે. 2047 માં દેશની આઝાદીને 100 વર્ષ પૂર્ણ થાય ત્યારે સમાજ જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં ભારત સર્વ પ્રથમ હોય તેવો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અને 140 કરોડ ભારતીયોનો સંકલ્પ છે. દેશ આજે આર્થિક, સામાજિક, કાયદો વ્યવસ્થા, આંતરિક સુરક્ષા સહિતના ક્ષેત્રે મજબૂતાઈ સાથે આગળ વધી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશને તમામ ક્ષેત્રે નંબર એક બનાવવાનો સંકલ્પ કર્યો છે તેમાં ફોરેન્સિક સાયન્સનો પણ સમાવેશ થાય છે.