ટ્રમ્પે વોલ સ્ટ્રીટ જર્નલે પર 10 અબજ $નો માનહાનિનો કેસ કર્યો

વોશિંગ્ટનઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રસિદ્ધ અખબાર વોલ સ્ટ્રીટ જર્નલ (WSJ), તેના માલિક રુપર્ટ મર્ડોક, ડાઉ જોન્સ, ન્યુઝ કોર્પ અને બે પત્રકારો વિરુદ્ધ 10 અબજ ડોલરનો માનહાનિનો કેસ દાખલ કર્યો છે. ટ્રમ્પે આરોપ લગાવ્યો છે કે તેમણે જાણબૂજીને ખોટી માહિતી પ્રસિદ્ધ કરી, જેને કારણે તેમને નાણાકીય તેમ જ પ્રતિષ્ઠાને નુકસાન થયું છે. આ કેસ ફ્લોરિડા રાજ્યના દક્ષિણ જિલ્લાની ફેડરલ કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો છે.

ટ્રમ્પે આ બાબતે ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને કહ્યું હતું કે હું રુપર્ટ મર્ડોક અને તેમના ‘કચરાના ઢગલા’ સમાન અખબાર WSJની વિરુદ્ધ દાખલ કરેલા મારા કેસમાં સાક્ષી આપવાની રાહ જોઈ રહ્યો છું. આ એક રસપ્રદ અનુભવ હશે.

શું છે મામલો?
વોલ સ્ટ્રીટ જર્નલ દ્વારા એક અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે 2003માં ત્યારે રિયલ એસ્ટેટના મોટા વેપારી રહેલા ડોનાલ્ડ ટ્રમ્પે યૌન શોષણના આરોપી જૈફ્રી એપસ્ટિનને તેના જન્મદિવસે પત્ર મોકલ્યો હતો. આ પત્રમાં એક મહિલાનું નિર્વસ્ત્ર ચિત્ર, ટ્રમ્પનું નામ અને કેટલીક ગુપ્ત બાબતોના સંકેત આપવામાં આવ્યા હતા.

ટ્રમ્પે WSJના આ અહેવાલને ખોટો ગણાવ્યો હતો અને રુપર્ટ મર્ડોકને ચેતવણી આપી હતી કે તેઓ WSJ તથા તેના સંબંધિત લોકો વિરુદ્ધ કાયદાકીય પગલાં લેશે. WSJની મુખ્ય કંપની ડાઉ જોન્સ, ન્યૂઝ કોર્પની એક શાખા છે.

જૈફ્રી એપસ્ટિન કોણ હતો?
જૈફ્રી એપસ્ટિન એક ફાઇનાન્સર હતો અને તેના પર અનેક યૌન શોષણના આરોપો લાગેલા હતા. 2019માં તેણે ન્યુ યોર્કની જેલમાં આત્મહત્યા કરી હતી. ટ્રમ્પના સમર્થકોનું જૂથ Make America Great Again (MAGA) માને છે કે ટ્રમ્પ સરકાર આ મામલાને છુપાવી રહી છે અને એટર્ની જનરલ પામ બોન્ડી સહિત કેટલીક વ્યક્તિઓને લક્ષ્ય બનાવવામાં આવી છે.