કર્ણાટકમાં શાકભાજી ભરેલી ટ્રક પલટીઃ 10નાં મોત, 15 ઘાયલ

બેંગલુરુઃ કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લાના યેલ્લાપુરા હાઇવે પર ભીષણ અકસ્માત થયો હતો. અહીં ગુલાપુરામાં શાકભાજી અને ફળો ભરેલી ટ્રકના ડ્રાઇવરે નિયંત્રણ ગુમાવી દેતાં એક ટ્રિપર સાથે ટકરાઈ હતી. જે પછી 50 ફૂટ ઊંડી ખીણમાં ટ્રક પડી હતી. આ અકસ્માતમાં 10 લોકોનાં મોત થયાં હતા અને 15 લોકો ઘાયલ થયા હતા.

આ દુર્ઘટના અરેબૈલ અને ગુલાપુરા વચ્ચે નેશનલ હાઈવે નંબર 63 પર યેલ્લાપુર નજીક સર્જાઈ હતી. આ મામલે પોલીસ અધીક્ષક નારાયણ એમ.એ જણાવ્યું હતું કે પીડિત લોકો શાકભાજી વેચવા માટે સાવનુરથી કુમટા બજાર જઈ રહ્યા હતા. આ ટ્રકમાં ફળ-શાકભાજીનો જથ્થો હતો અને તેમાં 30થી વધુ મુસાફરી પણ કરી રહ્યા. જોકે આ ટ્રકને અકસ્માત નડતાં બૂમાબૂમ થઈ ગઈ હતી. આ અકસ્માત સવારે લગભગ 5:30 વાગ્યે થયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર આ અકસ્માત ટ્રક ચાલક દ્વારા બીજા વાહનને રસ્તો આપવાનો પ્રયાસ કરતી વખતે સર્જાયો હતો. ટ્રકમાં વજન વધુ હોવાને કારણે તે એકબાજુ ઢળી પડ્યો હતો અને 50 મીટર નીચે એક ખીણમાં ખાબકી ગયો હતો. આ ઘટનાની જાણ થતાં જ ઈમર્જન્સી રિસ્પોન્સ ટીમના સભ્યો ત્વરિત ઘટનાસ્થળે પહોંચ્યા હતા. શરૂઆતમાં આઠ લોકોનાં મોતની પુષ્ટિ થઇ હતી પરંતુ પછીથી મૃત્યુઆંક વધીને 10 પર પહોંચી ગયો હતો. ઘાયલોની હાલમાં નજીકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.