કોલકાતાથી મુંબઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઇટને હાઈજેક કરવાની ધમકી

કોલકાતા: કોલકાતાના નેતાજી સુભાષચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બુધવારે સવારે હાઈજેકની ધમકી મળતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. મુંબઈ જતી એર ઈન્ડિયાની એક ફ્લાઈટના ટોયલેટના અરીસા પર હાઈજેક કરવાની ધમકી લખેલી મળી આવી હતી. આ ઘટનાની જાણ થતાં જ એરપોર્ટ પર સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ હતી.

મળતી માહિતી મુજબ, વિમાન ટેકઓફ કરવાની તૈયારીમાં હતું. તે દરમિયાન વિમાનના એક ટોયલેટના અરીસા પર લખાયેલો ધમકીભર્યો સંદેશ જોવા મળ્યો હતો. પરિસ્થિતિની ગંભીરતા સમજીને પાયલોટે તાત્કાલિક એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ને જાણ કરી હતી. જેના પગલે સમયસર સુરક્ષા પગલાં લેવામાં આવ્યાં હતાં.

વિમાનને આઇસોલેશન બેમાં લઈ જવાયું

ધમકીની જાણ થતાં જ એર ઈન્ડિયાના વિમાનને આઇસોલેશન બેમાં ખસેડવામાં આવ્યું હતું. ત્યારબાદ કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) અને એરપોર્ટના વિશેષ સુરક્ષા અધિકારીઓએ વિમાનમાં સઘન તપાસ શરૂ કરી હતી. વિમાનના દરેક ભાગની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી, જેથી કોઈ શંકાસ્પદ વસ્તુ કે જોખમી સામગ્રી હોય તો તેને શોધી શકાય. જોકે, અત્યાર સુધીની તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી.

ઘટનાની તપાસ શરૂ

વિમાનના ટોયલેટમાં હાઈજેકની ધમકી કોણે લખી અને તેની પાછળ કોનો હાથ છે, તે જાણવા માટે પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ તપાસ શરૂ કરી છે. આ માટે વિમાનમાં મુસાફરી કરી રહેલા પ્રવાસીઓની યાદી તપાસવામાં આવી રહી છે. આ ઉપરાંત એરપોર્ટ પરિસર અને વિમાનની અંદર લગાવવામાં આવેલા CCTV કેમેરાનાં ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યાં છે. હાલ તપાસ એજન્સીઓ સમગ્ર ઘટનાની દરેક કડી જોડવાનો પ્રયાસ કરી રહી છે.

અગાઉ ઇન્ડિગોની ફ્લાઈટમાં પણ મળી હતી હાઈજેકની ધમકી

ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં બેંગલુરુથી લખનઉ જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઈટમાં પણ હાઈજેકની ધમકી આપતો સંદેશ મળી આવ્યો હતો. આ ઘટનાને પગલે વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.