22મી જાન્યુઆરીએ અયોધ્યામાં આયોજિત થનારા ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સને પગલે સમગ્ર દેશ રામના રંગે રંગાયો છે. સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ન માત્ર અયોધ્યા પરંતુ તમામ શહેર, નગર, અને ગામોમાં આ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને ભવ્યાતિભવ્ય આયોજનો થઈ રહ્યા છે. ત્યારે સમગ્ર અમદાવાદ શહેર પણ રામમય બન્યુ છે.
અમદાવાદના યુવાનો પણ રામલલ્લાના વધામણાંને આવકારવા થનગની રહ્યા છે. ઠેર-ઠેર યુવાનો દ્વારા અવનવા આયોજનો થઈ રહ્યા છે. તેવામાં અમદાવાદના આ દિવ્યાંગ યુવાનની અનોખી રામભક્તિ તમને પણ પ્રેરણા આપશે. 25 વર્ષીય જય મહેશભાઈ ગાંગડીયાએ પોતાની આગવી ચિત્રકળાથી ‘જય શ્રી રામ’ નું સુંદર કેનવાસ પેઇન્ટિંગ બનાવ્યું હતું. આ અવસરે જય ગાંગડીયાએ ‘જય શ્રી રામ’નો નારો આપી ભગવાન શ્રી રામ પ્રત્યેનો પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ વિશ્વ દિવ્યાંગજન દિવસે જય ગાંગડીયાને શ્રેષ્ઠ દિવ્યંગજન 2023નો નેશનલ એવોર્ડ દેશના રાષ્ટ્રપતિ સુશ્રી દ્રોપદી મૂર્મુજીના હસ્તે પ્રાપ્ત થયો છે.