નવી દિલ્હીઃ UPI દ્વારા પેમેન્ટ કરતા લોકો માટે રાહતના સમાચાર છે. રૂ. 2000થી વધુના ટ્રાન્ઝેક્શન પર MDR લાગુ કરવાનો પ્રસ્તાવ ફરી એક વાર મુલતવી રહેવાની શક્યતા છે. કારણ કે સરકારે હજુ સુધી તેની અમલીકરણની તારીખ નક્કી કરી નથી. વેપારીઓના વિરોધ અને આગામી વિધાનસભા ચૂંટણીઓને આ નિર્ણય પાછળનાં મુખ્ય કારણો માનવામાં આવી રહ્યાં છે. માનવામાં આવે છે કે આ વર્ષે એટલે કે 31 ડિસેમ્બર સુધી આ ચાર્જ લાગુ નહીં થાય.
આ મામલાની જાણકારી ધરાવતા લોકોએ જણાવ્યું હતું કે સરકાર, RBI અને NPCI વચ્ચે ચર્ચા થઈ હોવા છતાં નવી અમલીકરણ તારીખ અંગે હજુ સુધી સહમતી બની શકી નથી. ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોનું માનવું છે કે સરકાર આ નિર્ણય લાગુ કરવા માટે યોગ્ય સમયની રાહ જોઈ રહી છે.
15 ઓક્ટોબરથી લાગુ થવાની હતી નવી MDR
NPCIએ MDR વ્યવસ્થા અગાઉ 15 ઓક્ટોબર, 2026થી લાગુ કરવાની યોજના બનાવી હતી. જોકે વેપારીઓની માગ અને તહેવારોની સીઝનને ધ્યાનમાં રાખીને 13 ઓક્ટોબરે UPI એન્ડ સર્વિસિસ સ્ટિયરિંગ કમિટીએ તેને દિવાળી બાદ સુધી મુલતવી રાખવાનો નિર્ણય કર્યો હતો. તે સમયે NPCIએ જણાવ્યું હતું કે નવી તારીખ અલગથી જાહેર કરવામાં આવશે. પરંતુ દિવાળી પૂરી થયા બાદ પણ તેને લાગુ કરવાની તારીખ નક્કી કરવામાં આવી નથી.

95 ટકાથી વધુ UPI મર્ચન્ટ પેમેન્ટ પર નહીં લાગે ચાર્જ
આ પ્રસ્તાવની અસર UPIના તમામ વ્યવહારો પર નહીં પડે. અંદાજ મુજબ લગભગ 4 ટકા મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન જ નવા MDR માળખાના દાયરામાં આવશે. 95 ટકાથી વધુ પર્સન-ટુ-મર્ચન્ટ (P2M) ટ્રાન્ઝેક્શન આમાંથી બહાર રહેશે. નાના વેપારીઓ માટે ઉપયોગમાં લેવાતા P2PM મોડલમાં ઝીરો MDRની વ્યવસ્થા ચાલુ રહેશે. એટલે કે નાના વેપારીઓએ પહેલાંની જેમ MDR ચૂકવવો નહીં પડે.
શું સામાન્ય UPI યુઝર્સે વધુ પૈસા ચૂકવવા પડશે?
આ પ્રસ્તાવ હેઠળ સામાન્ય ગ્રાહકો માટે UPI પેમેન્ટ પર કોઈ માસિક મર્યાદા કે મફત ટ્રાન્ઝેક્શનની સંખ્યા નક્કી કરવામાં આવી નથી. હાલની મફત પેમેન્ટ વ્યવસ્થાના દાયરામાં આવતા વ્યવહારો પહેલાંની જેમ MDR વિના ચાલુ રહેશે.






