ગુજરાતમાં લોકસભા ચૂંટણી-2024 માટે રાજ્યનું ચૂંટણી તંત્ર સજ્જ

ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણી-2024ની જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો માટે સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની 05 બેઠકો માટેની પેટાચૂંટણીની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાત લોકસભાની ચૂંટણી 2024 માટે ચૂંટણી તંત્ર સંપૂર્ણ સુસજ્જ છે. મતદાર યાદી , ઈવીએમ અને મતદાન મથકોનું સંપૂર્ણ આયોજન થઈ ગયું છે. મતદાતાઓને મતદાન મથકે સુખદ અનુભવ થાય તે માટે વિશેષ આયોજન કરાયા છે. એટલું જ નહિ, યુવાનો અને વડીલો મતદાન માટે પ્રેરાય તે માટે વિશેષ પ્રયત્નો પણ કરાયા છે.

ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીએ આજે ગાંધીનગરમાં પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, આદર્શ આચારસંહિતાના ચુસ્ત પાલન માટે સમગ્ર રાજ્યમાં ચૂંટણી તંત્ર સજ્જ છે. રાજ્યનો કોઈપણ નાગરીક કોઈપણ સ્થળેથી આદર્શ આચારસંહિતાના ભંગ અંગેની ઓનલાઈન ફરીયાદ કરી શકે તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા સી-વીજીલ(c-VIGIL) મોબાઈલ એપ તૈયાર કરવામાં આવી છે. આ પત્રકાર પરિષદમાં અધિક મુખ્ય નિર્વાચન અધિકારી કુલદીપ આર્ય, અધિક સચિવ પ્રકાશ પટણી, સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારી એ.બી. પટેલ અને સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારી પી.ડી. પલસાણા ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્યમાં કુલ મતદારોની સંખ્યા

આ પ્રેસ કોન્ફરન્સમાં તેમને જણાવ્યું હતું કે, રાજ્યમાં કુલ 4,94,49,469 મતદારો છે, જેમાંથી 11,32,880 યુવા મતદારો છે. કુલ મતદારોમાંથી 10,322 સો વર્ષથી વધુની વયના મતદારો છે. રાજ્યમાં કુલ 182 આદર્શ મતદાન મથકો બનાવવામાં આવશે. સાથે જ માત્ર મહિલાઓ દ્વારા સંચાલિત 1,274 સખી મતદાન મથકો પણ બનાવવામાં આવશે. આ ઉપરાંત રાજ્યમાં 182 દિવ્યાંગ સંચાલિત મતદાન મથકની વ્યવસ્થા કરવામાં આવશે.

વધુમાં ચૂંટણી કમિશનરે જણાવ્યું હતું કે, આદર્શ આચારસંહિતાના ચુસ્ત પાલન માટે સમગ્ર રાજ્યમાં ચૂંટણી તંત્ર સજાગ છે. રાજ્યનો કોઈપણ નાગરીક કોઈપણ સ્થળેથી આદર્શ આચારસંહિતાના ભંગ અંગેની ઓનલાઈન ફરીયાદ કરી શકે તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા સી-વીજીલ(c-VIGIL) મોબાઈલ એપ તૈયાર કરવામાં આવી છે.

રાજ્યમાં કેટલા મતદાન મથકો ?

રાજ્યમાં કુલ 50,677 મતદાન મથકો પૈકી ગ્રામ્ય વિસ્તારમાં 33,475 મતદાન મથકો છે. જ્યારે શહેરી વિસ્તારોમાં 17,202 મતદાર મથકો આવેલા છે. રાજ્યના કુલ 29,568 મતદાન મથક સ્થળો પૈકી 23,252 મતદાન મથક સ્થળો ગ્રામ્ય વિસ્તારોમાં તથા 6,316 મતદાર મથક સ્થળો શહેરી વિસ્તારોમાં છે.

મતદાન મથક પર આ સુવિધાઓ ઉભી કરવામાં આવશે

મતદારોને તેઓના મતાધિકારનો ઉપયોગ કરવામાં અગવડ ન પડે તે હેતુથી તમામ મતદાન મથકોએ ખાતરીપૂર્વકની લઘુત્તમ સુવિધા ઉપલબ્ધ કરાવાશે. તમામ મતદાન મથકોએ યોગ્ય ઢોળાવ ધરાવતાં રેમ્પ,પીવાના પાણીની સુવિધા, પ્રકાશ માટે વીજળીની સુવિધા, મતદારોના માર્ગદર્શન માટે જરૂરી દિશા ચિન્હો અને શૌચાલય જેવી સુવિધાઓ મળી રહેશે.

ચૂંટણી માટે સ્ટાફને કરાયો તૈયાર

લોકસભાની સામાન્ય ચૂંટણી સંદર્ભે વિવિધ ચૂંટણીલક્ષી કામગીરી માટે રાજ્ય અને કેન્દ્ર સરકારના અધિકારીઓ-કર્મચારીઓ આવરી લઈ અંદાજે 4,50,000 નો સ્ટાફ ફરજ બજાવશે. જેમાં 55,800 થી વધુ પ્રિસાઈડિંગ ઑફિસર્સ, 1.67 લાખથી વધુ પોલીંગ ઑફિસર્સ, 6,300 થી વધુ સેક્ટર ઑફિસર અને 5,200 થી વધુ માઈક્રો ઑબ્ઝર્વર્સ સહિતના અધિકારીઓ-કર્મચારીઓનો સમાવેશ થાય છે. વધુમાં રાજ્યમાં ચૂંટણીલક્ષી કામગીરી માટે 1 લાખ 20 હજાર જેટલું પોલીસ દળ ઉપલબ્ધ છે.

ચૂંટણી દરમિયાન ફરિયાદ નિવારણ નંબર જાહેર કરાયો

ચૂંટણી સંદર્ભે મળતી ફરિયાદોનો ઝડપથી નિકાલ થાય અને સમગ્ર પ્રક્રિયા પર અસરકારક નિયંત્રણ રહે તે હેતુથી તા. 16.03.2024 થી સામાન્ય વહીવટ વિભાગના ચૂંટણી પ્રભાગ, બ્લોકનં-6, બીજો માળ, સરદાર ભવન, સચિવાલય, ગાંધીનગર ખાતે એક નિયંત્રણ કક્ષ – કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. આ કંટ્રોલ રૂમ જાહેર રજાઓના દિવસે પણ કાર્યરત રહેશે. નિયંત્રણકક્ષના ફોન નંબર- (079) 23257791 અને ફોન/ફેક્સ નંબર- (079) 23257792 છે. આ કંટ્રોલ રૂમ ખાતે ગુજરાત લોકસભા સામાન્ય ચૂંટણી 2024 સંબંધિત ફરિયાદો અને રજૂઆતો સ્વીકારવામાં આવશે. મતદારોની સગવડ માટે સ્ટેટ કોન્ટેક્ટ સેન્ટરનો હેલ્પલાઈન નંબર- 1800-233-1014 છે. જે કચેરી સમય દરમ્યાન કાર્યરત રહેશે. તે ઉપરાંત, કોઈપણ પ્રકારની ફરીયાદ 1950 (ટોલ ફ્રી નંબર) પર કરી શકાય છે. તેમજ National Grievance Service Portal (www.eci.gov.in) પર ઑનલાઈન પણ ફરીયાદ કરી શકાય છે.