ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ.10 અને 12ની પરીક્ષા પદ્ધતિમાં મોટો ફેરફાર કરાયો છે. જેમાં ધો.10-12ના નવા પરીક્ષા માળખા મુજબ પ્રશ્નબેંક તૈયાર કરવામાં આવશે. તથા નવા પરિરૂપથી વિદ્યાર્થીઓ વાકેફ થાય એ માટે શહેર ડીઈઓનો નિર્ણય છે. નિષ્ણાંત શિક્ષકો મારફતે તૈયાર થયેલ પ્રશ્નબેંકની નકલ વિદ્યાર્થીઓને અપાશે. તેમાં રાજ્ય સરકાર દ્વારા સરળ પેપર માળખું જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ.10 અને 12ની પરીક્ષા પદ્ધતિમાં મોટો ફેરફાર કર્યો છે, જેના કારણે પ્રશ્નપત્રના પરિરૂપ પણ બદલાઈ ગયાં છે. વિદ્યાર્થીઓના નવા પ્રશ્નપત્ર પરિરૂપ પ્રમાણે પ્રેક્ટિસ પડે એ માટે અમદાવાદ શહેરના જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા નિષ્ણાંત શિક્ષકો મારફતે પ્રશ્નબેંક તૈયાર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
નિષ્ણાંત શિક્ષકો મારફતે તૈયાર થનાર પ્રશ્નબેંક વિદ્યાર્થીઓને આપવામાં આવશે જેથી દિવાળી વેકેશન બાદ તુંરત જ વિદ્યાર્થીઓ પ્રેક્ટિસ કરી શકશે. ધોરણ.10 અને 12ની બોર્ડની પરીક્ષામાં નબળા એટલે કે, થોડા માટે નાપાસ થતાં વિદ્યાર્થીઓ પણ પાસ થઈ શકે એ માટે રાજ્ય સરકાર દ્વારા સરળ પેપર માળખું જાહેર કરવામાં આવ્યું છે. બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને હવે વર્ણનાત્મક પ્રકારના 70 ટકા પ્રશ્નોમાં જનરલ વિકલ્પ આપવામાં આવશે. આ સિવાય ધોરણ.10 અને 12 સામાન્ય પ્રવાહમાં હેતુલક્ષી પ્રશ્નો 20 ટકાથી વધારીને 30 ટકા પૂછવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે મુજબ બોર્ડ દ્વારા તાજેતરમાં નવા પરિરૂપ પણ જાહેર કરી દેવામાં આવ્યાં છે. જોકે હવે બીજુ સત્ર શરૂ થાય એ દરમિયાન જ નવી પેપર પદ્ધતિથી વિદ્યાર્થીઓ વાકેફ થઈ જાય એ માટે શહેર ડીઈઓ કચેરી દ્વારા પ્રશ્નબેંક તૈયાર કરાવવાની કામગીરી શરૂ કરાઈ છે.