નવી દિલ્હીઃ દેશમાં વૈકલ્પિક ફ્યુઅલથી ચાલતાં વાહનોને પ્રોત્સાહન આપવાની દિશામાં કેન્દ્ર સરકારે મહત્ત્વનું પગલું ભર્યું છે. હવે 100 ટકા સુધી ઇથેનોલ ધરાવતા ફ્યુઅલ એટલે કે E100 પર ચાલતાં ફ્લેક્સ-ફ્યુઅલ વાહનો માટે નિયમોમાં જોગવાઈ કરવામાં આવી છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ, 1989માં સુધારા અંગેનું જાહેરનામું બહાર પાડ્યું છે. આ પગલાથી વાહન ઉત્પાદક કંપનીઓ માટે E100 ફ્યુઅલને અનુરૂપ કાર તૈયાર કરવા અને તેને બજારમાં રજૂ કરવાનો નિયમનકારી માર્ગ સરળ બનશે.
જોકે આ ફેરફારનો અર્થ એવો નથી કે હાલની પેટ્રોલ કારમાં પણ E100 ભરાવી શકાશે. આ ફ્યુઅલનો ઉપયોગ માત્ર એવાં વાહનોમાં જ થઈ શકશે, જેને ઉત્પાદક કંપનીએ ખાસ આ ઇંધણ પર ચલાવવા માટે ડિઝાઇન કર્યાં હોય અને પ્રમાણિત કર્યાં હોય.
શું છે E100 ફ્યુઅલ અને તે કેવી રીતે કામ કરે છે?
E100 એવું ઇંધણ છે, જેમાં લગભગ સંપૂર્ણ પ્રમાણમાં ઇથેનોલ હોય છે. ઇથેનોલનું ઉત્પાદન શેરડી અને અન્ય જૈવિક સ્રોતોમાંથી કરી શકાય છે. બીજી તરફ, E85માં આશરે 85 ટકા ઇથેનોલ અને 15 ટકા પેટ્રોલ હોય છે. આ ઇંધણનો ઉપયોગ કરવા માટે સામાન્ય પેટ્રોલ કાર કરતાં અલગ તકનિકી વ્યવસ્થાની જરૂર પડી શકે છે.

સામાન્ય વાહનોમાં E85 કે E100 ફ્યુઅલનો ઉપયોગ નહીં થઈ શકે
મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે 20 ટકાથી વધુ ઇથેનોલ ધરાવતા ઇંધણનો ઉપયોગ માત્ર એવાં વાહનોમાં જ થઈ શકશે, જેને વધુ પ્રમાણમાં ઇથેનોલથી ચલાવવા માટે ડિઝાઇન અને પ્રમાણિત કરવામાં આવ્યાં હોય. આનો સીધો અર્થ એ છે કે E20 પેટ્રોલ અથવા સામાન્ય પેટ્રોલથી ચાલતાં વાહનોમાં E85 કે E100 ઇંધણનો ઉપયોગ કરી શકાશે નહીં. આ માટે વાહન વધુ પ્રમાણમાં ઇથેનોલનો ઉપયોગ કરવા યોગ્ય હોવું જરૂરી છે.
કાચા તેલની આયાત પરની નિર્ભરતા ઘટાડવા સરકારનો પ્રયાસ
કાચા તેલની આયાત પરની નિર્ભરતા ઘટાડવા માટે કેન્દ્ર સરકાર પેટ્રોલમાં ઇથેનોલનું મિશ્રણ વધારવા પ્રોત્સાહન આપી રહી છે. દેશમાં અગાઉથી જ E20 પેટ્રોલનો ઉપયોગ શરૂ થઈ ચૂક્યો છે. તેમાં 20 ટકા ઇથેનોલ અને 80 ટકા પેટ્રોલ હોય છે.






