‘કૌન બનેગા કોચ’: ટૂંક સમયમાં થશે જાહેરાત

ભારતીય ક્રિકેટ ટીમને ટૂંક સમયમાં નવા હેડ કોચ મળવાના છે. હાલના હેડ કોચ રવિ શાસ્ત્રીની મુદત પૂરી થઈ ચૂકી છે, પણ ટીમ ઈન્ડિયાના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસને ધ્યાનમાં લઈને એમની મુદતને 45-દિવસ માટે લંબાવી દેવામાં આવી છે.

ટીમ માટે નવા હેડ કોચની પસંદગી કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવની આગેવાની હેઠળની ત્રણ-સભ્યોની સલાહકાર સમિતિએ અનેક ઉમેદવારોમાંથી શોર્ટલિસ્ટ કરીને 6 જણનાં નામ પસંદ કર્યા છે.

આ છ જણમાં રવિ શાસ્ત્રીનું પણ નામ છે. અન્યો છેઃ ફિલ સિમોન્સ, લાલચંદ રાજપૂત, ટોમ મૂડી, માઈક હેસન અને રોબિન સિંહ.

કપિલ દેવ, અંશુમન ગાયકવાડ અને શાંતા રંગાસ્વામીની સલાહકાર સમિતિ 16 ઓગસ્ટથી આ છ ઉમેદવારોનાં ઈન્ટરવ્યૂ લેવાનું શરૂ કરશે.

માઈક હેન્સન ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ કોચ છે. ટોમ મૂડી ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર છે, ફિલ સિમન્સ વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર છે, લાલચંદ રાજપૂત ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ મેનેજર છે અને રોબિન સિંહ ભારતીય ટીમના ભૂતપૂર્વ ફિલ્ડિંગ કોચ છે.

રવિ શાસ્ત્રીઃ રેસમાં મોખરે

આ તમામ ઉમેદવારોમાં શાસ્ત્રી મજબૂત દાવેદાર ગણાય છે. રેસમાં એકદમ આગળ છે. એમના કોચપદ હેઠળ ભારતીય ટીમે એશિયા કપ સ્પર્ધા જીતી છે અને ચેમ્પિયન્સ ટ્રોફી -2017ની ફાઈનલમાં તથા વર્લ્ડ કપ-2019ની સેમી ફાઈનલમાં પહોંચી હતી. શાસ્ત્રીના કોચિંગ હેઠળ ભારતીય ટીમ ટેસ્ટ ક્રિકેટમાં નંબર-1 અને વન-ડે ક્રિકેટમાં નંબર-2 બની છે. ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી જાહેરમાં જ શાસ્ત્રી માટે સમર્થન આપી ચૂક્યો છે.

ટોમ મૂડીઃ T20 ક્રિકેટમાં કોચ તરીકે સફળ

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર મૂડીએ ટ્વેન્ટી-20 ક્રિકેટમાં કોચિંગ કાબેલિયત બતાવી આપી છે. ફ્રેન્ચાઈઝી ક્રિકેટમાં મૂડીનો દેખાવ ઘણો સરસ રહ્યો છે. એમના કોચિંગ હેઠળ સનરાઈઝર્સ હૈદરાબાદે 2016માં આઈપીએલ સ્પર્ધા જીતી હતી. મૂડી આ ઉપરાંત બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં રંગપુર રાઈડર્સ અને પાકિસ્તાન પ્રીમિયર લીગમાં મુલ્તાન સુલ્તાન ટીમના કોચ રહી ચૂક્યા છે. હાલ તેઓ ગ્લોબલ ટી-20 લીગમાં મોન્ટ્રિયલ ટાઈગર્સ ટીમના કોચ છે.

માઈક હેસન

આ એક દિલચસ્પ ઉમેદવાર છે, કારણ કે એમને કોચિંગનો વૈવિધ્યપૂર્વ અનુભવ નથી, પરંતુ ટોમ મૂડી કરતાં વધારે આંતરરાષ્ટ્રીય અનુભવ છે. ન્યૂઝીલેન્ડની ટીમને એ 6 વર્ષ સુધી કોચિંગ આપી ચૂક્યા છે અને એમના જ કોચપદ હેઠળ ન્યૂઝીલેન્ડ ટીમે 2015ની વર્લ્ડ કપની ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. 2018માં, ઈંગ્લેન્ડને એની જ ધરતી પર ટેસ્ટ સીરિઝમાં પરાજય આપ્યો હતો. હેસન 2019ની આઈપીએલમાં કિંગ્સ ઈલેવન પંજાબ ટીમના ખેલાડીઓને કોચિંગ આપી ચૂક્યા છે.

ફિલ સિમન્સ

સિમન્સને આંતરરાષ્ટ્રીય કોચિંગનો ઘણો અનુભવ છે. તેઓ ઝિમ્બાબ્વે, અફઘાનિસ્તાન અને આયરલેન્ડ ટીમોનું કોચિંગ સંભાળી ચૂક્યા છે. એમણે આયરલેન્ડને તો 224 મેચોમાં કોચિંગ આપ્યું છે જે સૌથી લાંબા સમય સુધી કોચ પદ સંભાળવાનો એક વિક્રમ થયો છે. આ સમયગાળા દરમિયાન આયરલેન્ડ ટીમે વર્લ્ડ કપ સ્પર્ધામાં ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ અને ઝિમ્બાબ્વેને પરાજય આપ્યો હતો. 2015ની વર્લ્ડ કપ બાદ સિમન્સ વેસ્ટ ઈન્ડિઝ ટીમના કોચ બન્યા હતા. 2016માં, એમના જ કોચિંગ હેઠળ વિન્ડીઝ ટીમે ભારતમાં આયોજિત ટ્વેન્ટી-20 વર્લ્ડ કપ સ્પર્ધા જીતી હતી. હાલ તેઓ ગ્લોબલ ટી-20 કેનેડા ટુર્નામેન્ટમાં બ્રોમ્પ્ટન વુલ્વ્સ ટીમનું કોચિંગ કરી રહ્યા છે.

રોબિન સિંહ

ભારતીય ટીમ જ્યારે 2007માં પ્રથમ ટ્વેન્ટી-20 વર્લ્ડ કપ જીતી હતી ત્યારે રોબિન સિંહ ટીમના ફિલ્ડિંગ કોચ હતા. 2004માં રોબિને હોંગકોંગ ટીમને કોચિંગ આપ્યું હતું અને એને એશિયા કપ માટે ક્વાલિફાય થવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. એ જ વર્ષમાં તેઓ ભારતની અન્ડર-19 ટીમ અને 2006માં ઈન્ડિયા-A ટીમના કોચ બન્યા હતા. 2008માં આઈપીએલમાં ડેક્કન ચાર્જર્સ ટીમના કોચ નિયુક્ત થયા હતા. ત્યારબાદ મુંબઈ ઈન્ડિયન્સના બેટિંગ કોચ અને 2010માં એ જ ટીમના હેડ કોચ બન્યા હતા. એમના જ કોચિંગ હેઠળ મુંબઈ ટીમે 2013માં ખિતાબ જીત્યો હતો. રોબિન સિંહ બાંગ્લાદેશ પ્રીમિયર લીગ, તામિલનાડુ પ્રીમિયર લીગ, કેરેબિયન પ્રીમિયર લીગ સ્પર્ધાઓમાં પણ ટીમોને કોચિંગ આપી ચૂક્યા છે.

લાલચંદ રાજપૂત

2007માં ટ્વેન્ટી-20 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમના રાજપૂત મેનેજર હતા. 2008માં આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સના કોચ બન્યા હતા. એમણે અફઘાનિસ્તાન ટીમને પણ કોચિંગ આપ્યું છે અને એમના જ કોચિંગ હેઠળ અફઘાન ટીમે વન-ડે મેચમાં વેસ્ટ ઈન્ડિઝને પરાજય આપ્યો હતો. અફઘાનિસ્તાન ટીમને આઈસીસીનું પૂર્ણ સભ્યપદ અપાવવામાં રાજપૂતની મહત્ત્વની ભૂમિકા રહી છે. 2017માં તેઓ ઝિમ્બાબ્વેના વચગાળાના કોચ નિમાયા હતા. હાલ 2019 ગ્લોબલ ટ્વેન્ટી-20 કેનેડા સ્પર્ધામાં વિનીપેગ હોક્સ ટીમના કોચ છે.

જાણીતા ક્રિકેટ અંકશાસ્ત્રી મોહનદાસ મેનને તમામ 6 ઉમેદવાર કોચની ઉંમર તથા એમણે રમેલી ક્રિકેટ મેચોની જાણકારી આપી છે. આમાં પાંચ કોચ 50ની વય વટાવી ચૂક્યા છે જ્યારે એકમાત્ર હેસન એમના કરતાં યુવા છે.