ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 3 મેચની ODI સીરિઝ ચાલી રહી છે. જેમાં બીજા મેચમાં ઈંગ્લેન્ડને 4 વિકેટથી ભારતે હરાવ્યુ હતું. ઉલ્લેખનિય છે કે, રવિવાર 9મી ફેબ્રુઆરીના રમાયેલ આ મેચમાં રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમે કમાલ કરી દીધો હતો. આ મેચ જીતીને ભારતીય ટીમે સીરિઝ પણ 2-0થી જીતી લીધી છે. આ પહેલા નાગપુર વનડે પણ ભારતીય ટીમે 4 વિકેટથી જીતી હતી.
કટક વનડેમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરીને ઇંગ્લેન્ડની ટીમે ભારતીય ટીમને 305 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ભારતીય ટીમે માત્ર 44.3 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી. ભારતીય ટીમ માટે કેપ્ટન રોહિત શર્માએ 90 બોલમાં 119 રનની તોફાની સદીની ઇનિંગ રમી. આ દરમિયાન તેણે કુલ 7 છગ્ગા અને 12 ચોગ્ગા ફટકાર્યા. જ્યારે ક્રિસ ગેઈલે વનડે ક્રિકેટમાં 331 સિક્સર ફટકારી, જે આંકડાની રોહિત શર્માએ પહેલાથી જ બરાબરી કરી લીધી છે. જોકે, રોહિત પહેલી વનડેમાં શરૂઆતમાં જ આઉટ થઈ ગયો હતો અને એક પણ સિક્સર ફટકારી ન શક્યો. પરંતુ બીજી મેચમાં તેણે શાનદાર શરૂઆત કરી અને બીજી જ ઓવરમાં એટકિન્સનની બોલિંગ પર સિક્સર ફટકારી. આ સાથે ગેઇલનો રેકોર્ડ તોડ્યો. હવે રોહિત વનડેમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર બીજો બેટ્સમેન બની ગયો છે. રોહિતે 259 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી છે. જાણાવી દઈએ કે, ઇંગ્લેન્ડ માટે બેન ડકેટ અને જો રૂટે શાનદાર પ્રદર્શન કર્યું. બંનેએ અડધી સદી ફટકારી હતી. ડકેટ 65 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે રૂટ 69 રન બનાવીને આઉટ થઇ ગયો હતો. જોસ બટલરે 34 રનનું યોગદાન આપ્યું. હેરી બ્રુક 31 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ રીતે આખી ટીમ 304 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.
![](https://chitralekha.com/chitralemag/wp-content/themes/Newspaper/images/whatsapp-channel-follow.png)