મુંબઈ – હાલ વેસ્ટ ઈન્ડિઝના એક મહિનાના પ્રવાસે ગયેલી અને એ માટે અમેરિકા પહોંચેલી ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને એના ડેપ્યુટી રોહિત શર્મા વચ્ચેના સંબંધમાં કડવાશ ઊભી થઈ હોવાની અફવા છે એવામાં કોહલીએ એના સોશિયલ મિડિયા એકાઉન્ટ પર ટીમના સાથીઓ સાથેની એક તસવીર પોસ્ટ કરતાં લોકોને બોલવાનો ફરી મોકો મળી ગયો છે.
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 3 ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોની સીરિઝ શનિવારે પહેલી મેચથી શરૂ થશે. આ મેચ ફ્લોરિડાના લાઉડરહિલના સેન્ટ્રલ બ્રોવર્ડ રીજનરલ પાર્ક સ્ટેડિયમ ટર્ફ ગ્રાઉન્ડ ખાતે રમાશે.
ભારતીય ખેલાડીઓએ આ મેદાન પર નેટ પ્રેક્ટિસ કરી હતી અને એ વખતની તસવીરો પોતપોતાના સોશિયલ મિડિયા હેન્ડલ્સ પર પોસ્ટ કરી છે.
આજે કોહલીએ પણ એના ટીમ સાથીઓ સાથેની એક તસવીર એના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે અને એની નીચે કેપ્શનમાં લખ્યું છેઃ ‘SQUAD’.
આ તસવીરમાં કોહલીની સાથે રવિન્દ્ર જાડેજા, નવદીપ સૈની, ખલીલ એહમદ, શ્રેયસ ઐયર, કૃણાલ પંડ્યા, ભૂવનેશ્વર કુમાર અને કે.એલ. રાહુલ છે.
તે છતાં આ ફોટામાં વાઈસ કેપ્ટન રોહિત શર્મા ગાયબ છે. એને કારણે કોહલી શર્મા વચ્ચે અણબનાવ હોવાની વાતોને વેગ મળ્યો છે.
ઘણા ક્રિકેટપ્રેમીઓએ સવાલ પૂછ્યો છે કે ભારતનો વાઈસ કેપ્ટન કેમ ગેરહાજર છે.
ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ માટે રવાના થઈ એ પહેલાં રોહિતે પણ ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર પોસ્ટ કરી હતી જેમાં એણે લખ્યું હતું: ‘હું કંઈ એકલી મારી ટીમ માટે નથી રમતો, હું મારા દેશ માટે રમું છું.’
રોહિત શર્મા ઈન્સ્ટાગ્રામ પર કોહલીને ફોલો કરતો નથી અને કોહલીની પત્ની અનુષ્કા શર્માને અનફોલો કરી છે. એને કારણે પણ કોહલી તથા શર્મા વચ્ચે અણબનાવ ઊભો થયાની અફવા ચગી હતી.
જોકે પિક્ચર શેરિંગ વેબસાઈટ પર રોહિતને ફોલો કરવાનું કોહલીએ ચાલુ રાખ્યું છે, પણ રોહિતની પત્ની રિતીકા સજદેહ-શર્માને ફોલો કરતો નથી.
અનુષ્કા પણ ઈન્સ્ટાગ્રામ પર રિતીકા અને રોહિતને ફોલો કરતી નથી. એવી જ રીતે, રિતીકા પણ વિરાટ કોહલી અને અનુષ્કાને ફોલો કરતી નથી.