કોલકાતા – ભારતીય રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના નવા હેડ કોચની પસંદગી કરવાની જવાબદારી ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે દંતકથાસમાન ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવની આગેવાની હેઠળની ત્રણ-સભ્યોની સલાહકાર સમિતિને સોંપી છે.
આ સમિતિએ નિર્ણય લેવા માટે ટીમના કેપ્ટન વિરાટ કોહલીને એના અભિપ્રાય વિશે પૂછવાની જરૂર નથી એવું સમિતિના એક સભ્ય અંશુમન ગાયકવાડે કહ્યું છે, પરંતુ અન્ય મહિલા સભ્ય શાંતા રંગાસ્વામીએ કહ્યું છે કે કોહલીના અભિપ્રાયનો આદર કરવો જોઈએ. કપિલ દેવે રંગાસ્વામીના મંતવ્ય સાથે સહમતિ દર્શાવી છે.
1983ની વર્લ્ડ કપ વિજેતા ટીમના કેપ્ટન કપિલ દેવે ખાતરી આપી છે કે હેડ કોચની પસંદગી કરવાની કામગીરી સમિતિ ઉત્તમ રીતે બજાવશે.
કોહલીએ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જતા પૂર્વે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે ટીમના હેડ કોચ તરીકે રવિ શાસ્ત્રીને ફરી નિયુક્ત કરવામાં આવશે તો એને ગમશે.
આજે અહીં પત્રકારો સાથેની વાતચીતમાં કપિલ દેવે કહ્યું કે એ કોહલીનો અભિપ્રાય છે અને અમારે દરેક જણના અભિપ્રાયનો આદર કરવો પડે.
કોહલીએ કહ્યું છે કે એની ઈચ્છા છે કે રવિ શાસ્ત્રીને 2021ની ટ્વેન્ટી-20 વર્લ્ડ કપ સ્પર્ધા સુધી હેડ કોચ તરીકે ચાલુ રાખવા જોઈએ.
જોકે અંશુમન ગાયકવાડે કહ્યું હતું કે અમારે નિર્ણય લેવા માટે કોહલીને પૂછવાની કોઈ જરૂર નથી.
ભારતીય ટીમ હાલમાં રમાઈ ગયેલી આઈસીસી વર્લ્ડ કપ-2019 સ્પર્ધાની સેમી ફાઈનલમાં ભારતના પરાજય બાદ કોહલી અને એના ડેપ્યુટી રોહિત શર્મા વચ્ચે મતભેદો સર્જાયા હોવાના અહેવાલો હતા. કોહલીએ જોકે રદિયો આપ્યો છે.
આજે કપિલ દેવને એ વિશે પૂછવામાં આવ્યું ત્યારે એમણે કહ્યું કે વિરાટ અને એના ડેપ્યૂટી વચ્ચે મેદાનની બહાર મતભેદો હોઈ શકે છે, પણ મેદાનમાં રમતી વખતે તો કોઈ મતભેદો હોવા ન જોઈએ. દરેક જણે એની પર ધ્યાન આપવું જોઈએ.
ઓફ્ફ ધ ફિલ્ડ મતભેદો હોઈ શકે છે, અભિગમ અલગ હોઈ શકે છે, પણ જ્યારે તમે મેચ રમતા હો ત્યારે માત્ર એક જ લક્ષ્ય હોવું જોઈએ – મેચ કેવી રીતે જીતવી. બસ એ જ મહત્ત્વનું હોય છે. મતભેદોનો અર્થ એવો નથી કે તમે કોઈકના પગ ખેંચી કાઢો.
ઉલ્લેખનીય છે કે 80ના દાયકાના મધ્યભાગમાં કપિલ દેવ અને એમના કેપ્ટન સુનીલ ગાવસકર વચ્ચે પણ સંબંધોમાં કડવાશ ઊભી થઈ હોવાનું કહેવાય છે.
કપિલ દેવે મિડિયાને પણ ટોણો માર્યો હતો અને વિનંતી કરી હતી કે પત્રકારોએ પણ રિપોર્ટિંગ કરતી વખતે વધારે જવાબદારી નિભાવવાની જરૂર છે. ‘તમારે તમારું કામ કરવાનુ છે, એ ખરું. થોડા બહોત તો આપ ભી હેલ્પ કરતે હો ના રૂમર બનાને મેં,’ એમ તેમણે કહ્યું હતું.