ગુજરાતના 3 લાખથી વધુ શિક્ષકો માટે મોટો નિર્ણય

ગુજરાતની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકો માટે શિક્ષણ વિભાગ દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને રાહતરૂપ નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષકોના પડતર વહીવટી અને સેવાકીય પ્રશ્નોના સમયબદ્ધ તેમજ પારદર્શક નિરાકરણ માટે વિભાગ દ્વારા ‘સેવા સમાધાન પોર્ટલ’ સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવ્યું છે. શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા અને શિક્ષણ રાજ્ય મંત્રી રીવાબા જાડેજાની ગરિમામય ઉપસ્થિતિમાં આ પોર્ટલનો પ્રારંભ કરાયો હતો. આ નવી ડિજિટલ વ્યવસ્થાથી રાજ્યના ૩ લાખથી વધુ શિક્ષકોને પોતાના પ્રશ્નો માટે તાલુકા કે જિલ્લા કચેરીઓના ધક્કા ખાવામાંથી કાયમી મુક્તિ મળશે.

પોર્ટલ પર મળવાપત્ર 8 મુખ્ય સેવાઓ

આ પોર્ટલ મારફતે શિક્ષકો પોતાના સેવાકીય પ્રશ્નોનો ઓનલાઇન નિકાલ મેળવી શકશે:

ઉચ્ચતર પગાર ધોરણ: પ્રથમ, દ્વિતીય અને તૃતીય તબક્કાની મંજૂરી.

પ્રવાસ ભથ્થું (LTC): પ્રવાસ ભથ્થું અને રકમનું રિઇમ્બર્સમેન્ટ.

એરિયર્સ: લાંબા સમયથી પડતર બાકી રકમનું નિવારણ.

પૂરા પગારમાં સમાવેશ: ફિક્સ પગારમાંથી કાયમી સેવામાં સમાવેશની પ્રક્રિયા.

CPF સંબંધી બાબતો: CPF નંબર, GYIS ની ફાળવણી અને રકમનો ઉપાડ.

GPF સંબંધી બાબતો: GPF નંબર, GYIS, આંશિક, ૯૦% કે આખરી ઉપાડની મંજૂરી.

રજા મંજૂરી: વિવિધ પ્રકારની સત્તાવાર રજાઓની મંજૂરી.

પેન્શન સંબંધી બાબતો: નિવૃત્તિ સમયના તમામ લાભોનું ઝડપી નિવારણ.

ઓનલાઇન અરજી પ્રક્રિયા અને રિયલ-ટાઇમ ટ્રેકિંગ

પ્રથમ તબક્કામાં તા. ૫ થી ૩૧ ઑગસ્ટ, ૨૦૨૬ સુધી ઓનલાઇન અરજીઓ સ્વીકારવામાં આવશે. આ તબક્કે તાલુકા કે જિલ્લા કક્ષાએ લાંબા સમયથી અટવાયેલી હોય તેવી જ અરજીઓ રજૂ કરી શકાશે. શિક્ષકો પોતાના ‘Teacher Code’ અને મોબાઈલ OTP મારફતે માત્ર ત્રણ જ મિનિટમાં અરજી નોંધાવી શકશે. અરજીની વર્તમાન સ્થિતિ રિયલ-ટાઇમ સ્ટેટસ ટ્રેકિંગ અને SMS એલર્ટ દ્વારા જોઈ શકાશે. જો કોઈ નિર્ણયથી શિક્ષકને અસંતોષ હોય, તો તેઓ ‘Keep Open’ વિકલ્પ પસંદ કરીને પુનઃ સમીક્ષાની માંગ પણ કરી શકશે.

અધિકારીઓની કામગીરીનું વાર્ષિક મૂલ્યાંકન થશે

આ પોર્ટલના માધ્યમથી જિલ્લા શિક્ષણ અધિકારી (DEO), જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી (DPEO) અને શાસનાધિકારીઓ પાસે પડતર ફરિયાદોનું ગાંધીનગરથી સીધું મોનિટરિંગ કરવામાં આવશે. દર મહિને શિક્ષણ વિભાગના અગ્ર સચિવની અધ્યક્ષતામાં જિલ્લાવાર સમીક્ષા બેઠક યોજાશે અને કચેરીઓની કાર્યક્ષમતાના ડેટા આધારે અધિકારીઓનું વાર્ષિક મૂલ્યાંકન (CR) લખાશે.

ઉદ્ઘાટન પ્રસંગે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના અગ્ર સચિવ, સમગ્ર શિક્ષાના સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર, વિજયભૂમિ બોર્ડના અધ્યક્ષ અને શાળા કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.