પટનાઃ રાજ્યમાં RJD વિધાનસભ્ય આલોક મહેતાનાં 16 સ્થળો પર EDએ દરોડા પાડ્યા છે. આ કેસ બેન્ક લોનથી જોડાયેલો છે. RBIથી રજિસ્ટર્ડ એક કોઓપરેટિવ બેન્કમાં આશરે રૂ. 100 કરોડથી વધુનું કૌભાંડ આચરવામાં આવ્યું છે.
આ બેન્કમાં હજ્જારો રોકાણકારોની જમા ડિપોઝિટને આશરે રૂ. 100 કરોડની રકમ નકલી લોનોને સહારે ગાયબ કરી દેવામાં આવી છે. આ કેસમાં મોટી વાત એ છે કે આ રૂ. 100 કરોડના કૌભાંડમાં રાજ્ય સરકારના એક ભૂતપૂર્વ મંત્રી અને લાલુ પરવિવારના નજીકના એક RJD નેતા પરિવારની ભૂમિકા હોવાનું પણ સામે આવી રહ્યું છે. વૈશાલી જિલ્લાના શહેરી વિકાસ કોઓપરેટિવ બેન્ક અને બેન્કમાં આશરે રૂ. 100 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું છે.
લિચ્છવી કોલ્ડ સ્ટોરેજ પ્રા. લિ. અને મહુઆ કોઓપરેટિવ કોલ્ડ સ્ટોરેજ નામની બે કંપનીઓએ બેન્કના આશરે રૂ. 60 કરોડનું કૌભાંડ આચર્યું છે. આ બે કંપનીઓએ પોતાની ગેરન્ટી પર કરોડોની લોન ઉઠાવી હતી, જેમાં નકલી કાગળિયાંઓને સહારે ખેડૂતોને નામે ગેરન્ટી આપવામાં આવી હતી. આ લોકોને આપવામાં આવેલી લોનમાં બેન્કે પણ નિયમ, કાયદાઓનો ભંગ કર્યો હતો.
આ કેસમાં ખુલાસો એ પણ થયો છે કે આ બેન્કના મેનેજમેન્ટે નકલી LIC બોન્ડ અને નકલી ઓળખ પત્રવાળા લોને નામે રૂ. 30 કરોડથી વધુની રકમ ઉપાડી લીધી હતી. આ નકલી લોન ઉપાડનાર બે કંપનીઓથી મંત્રી પરિવારનું સીધું કનેક્શન છે. ત્યાર બાદ બેન્કના ખાતાધારકોએ હવે મંત્રી આલોક મહેતાની વિરુદ્ધ મોરચો માંડ્યો છે.