મારી ભૂલ મેં સ્વીકારી લીધી છે, શું હવે મને ફાંસીના માંચડે ચડાવશો?

ગુજરાતી રંગભૂમિના જાણીતા ઍક્ટર-પ્રોડ્યુસર સંજય ગોરડિયાનું આગામી નાટક ‘ત્રંબક ત્રણ બાયડીવાળો’વિવાદમાં ફસાયું. નાટકના પોસ્ટર બાદમાં સોશિયલ મીડિયા પર કેટલીક મહિલાઓએ તેના પર વાંધો ઉઠાવતાં વિવાદ શરૂ થયો હતો. જોકે, વિવાદ બાદ તરત જ નાટકનું પોસ્ટર બદલવામાં આવ્યું. પરંતુ તેમ છતાં કેટલીક બહેનોએ બીજા પોસ્ટર પર પણ આપત્તિ દર્શાવી છે. આખો મુદ્દો ફરી ફરીને ગુજરાતી રંગભૂમિમાં પીરસાતી સામગ્રી સુધી પણ પહોંચ્યો. આવી સ્થિતિમાં ચિત્રલેખા ડૉટ કૉમે લેખિકા પ્રીતિ જરીવાળા, સંજય ગોરડિયા અને નાટકની અભિનેત્રી કૌશંબી ભટ્ટ સાથે વાત કરી હતી.

આખી વાત એમ છે કે સંજય ગોરડિયાનું એક નવું કૉમેડી નાટક આવી રહ્યું છે. જેનું નામ છે ‘ત્રંબક ત્રણ બાયડીવાળો’. આ નાટકનું પોસ્ટર બહાર આવતાં જ સોશિયલ મીડિયા પર મહિલાઓએ આપત્તિ દર્શાવી હતી. પોસ્ટરમાં જે રીતે મહિલાઓને બતાવવામાં આવી હતી તેની વિરુદ્ધ ફેસબુક પર કેટલીક મહિલા આગેવાનોએ વિરોધ કર્યો હતો. પોસ્ટરમાં સંજય ગોરડિયા ત્રણ મહિલાઓના ચોટલા પકડીને ઉભા હતા અને જાણે કે તે પશુઓને હંકારતા હોય તેવું લાગતું હતું.

આ તમામ વિવાદ અંગે સંજય ગોરડિયાએ કહ્યું કે, ‘ઓરિજિનલ કોન્સેપ્ટ એવો હતો કે હું રથ પર સવાર છું. પરંતુ ક્યાંક એ બહુ જ ખરાબ રીતે ટ્રાન્સલેટ થયું. હું અહીં લોકોને હસાવવા આવ્યો છું કોઈનું દિલ દુભાવવા નહીં. જેવો આ હોબાળો થયો અને લોકોની પ્રતિક્રિયા આવી મેં અને મારા સાથી કલાકારોએ પોસ્ટર હટાવી લીધું અને નક્કી કર્યુ કે આજ પછી આ ફોટો નહીં વાપરીએ.’ તેમણે વધુમાં જણાવ્યું કે મારા હિસાબે આ મુદ્દો અહીં જ પુરો થઈ ગયો છે. બધા જ લોકો જજની ખુરશી પર બેસી જાય છે, મારો વિરોધ એની સામે છે. જો તમારી લાગણી દુભાઈ છે તો મેં પોસ્ટર ડિલીટ કરી નાખ્યું છે આનાથી વધારે હું શું કરું. તમે શું મને ફાંસીના માંચડે ચડાવશો.એક પોસ્ટરને કારણે તમે શું કરશો? મને ફાંસીના માંચડે ચડાવશો? પછી તમે પાણીમાંથી પોળા કાઢો કે બાયડી શબ્દ પણ છે.આપણે ભાયડો શબ્દ નથી બોલતાં!તે ખરાબ કેટેગરીમાં નથી આવતાં. જે લોકોને નાટક સાથે કંઈ સંબંધ નથી એ લોકો પણ જજની ખુરશી પર બેસી ગયા છે અને ચુકાદો આપી રહ્યાં છે. તો આપવા દો હું કંઈ બોલવાનો નથી.’

આ સાથે જ તેમણે કહ્યું કે હું જરા પણ આ મુદ્દાથી વિચલીત થયો નથી. અમે મારા નાટક પર કામ કરી રહ્યા છીએ.જો તમારો ઈરાદો ખરાબ હોય તો તમે વ્યથિત થાઓ. મારો ઈરાદો ખરાબ નથી. હજી પણ હું ધ્યાન રાખીશ કે એવું કંઈ ના થાય. અમુક લોકોના નામ લીધા વગર સંજય ગોરડિયાએ કહ્યું જો તમને નાટકનું નામ ખરાબ લાગતું હોય તો તમે ન આવો નાટક જોવા. ટાઈટલ વિશે પબ્લિકને નક્કી કરવા દો. તમે કેમ જજની ખુરશી પર બેસી જાવ છો. ક્યારેય પણ બુકનું કવર જોઈ તેના કન્ટેન્ટનો અંદાજો ન લાગવવો જોઈએ. જે ઘડીએ મેં પોસ્ટર કાઢી નાખ્યું તે સમયે વિવાદ ખતમ થઈ જવો જોઈતો હતો. હવે કોઈ કારણ વિના તેના ખેંચવામાં આવી રહ્યો છે. મેં મારી ભૂલ સુધારી લીધી છે અને હું તેનો ખોટો બચાવ પણ નથી કરતો.

નાટકના અભિનેત્રી કૌશંબી ભટ્ટે આ અંગે ચિત્રલેખા ડૉટ કૉમ સાથે વાત કરતાં કહ્યું કે, પોસ્ટર આ રીતે નહોતું કરવાનું એ સંજયભાઈએ કહ્યું જ છે. અમને ખ્યાલ નહોતો તેનો અર્થ આવો કાઢવામાં આવશે. હું માનું છું કે જે પોસ્ટર સામે આવ્યું તે દેખાવમાં ઠીક નહોતું પણ એવું જ શૂટ કરીને જાણી જોઈને આ પ્રકારનું પોસ્ટર મુકવાનો કોઈ ઈરાદો નહોતો. અમુક લોકો અભિનેત્રીઓ પર પણ બોલી રહ્યાં છે. હું છેલ્લા સાત વર્ષથી સંજય સરના પ્રોડક્શન સાથે જોડાયેલી છું. તમારે આ ફિલ્ડમાં ફિમેલ સેફ્ટી ફીલ કરવી હોય ને તો હું કહીશ કે સંજય ગોરડિયાના પ્રોડક્શનમાં કામ કરો. ત્યાં તમને આદર સાથે કામ કરવા મળે છે. દરેક વાતના તથ્ય સુધી પહોંચવું બહુ જરૂરી છે. આ બધા રિએક્શન્સ બહુ બાલિશ હોય એવું મને લાગે છે. હું સહમત છું કે પોસ્ટર જેવું જોઈએ તેવું બહાર ન આવ્યું. પણ એના માટે સંજયભાઈએ માફી માંગી છે. ચીપ પ્રકારની કૉમેડી કરીને નાટકની પબ્લિસીટી કરવાનો કે એવા નાટકો ચલાવવાનો કોઈ ઈરાદો નથી. જયારે તમને નાટકની વાર્તા ખબર નથી, નાટકમાં શું છે તેનો ખ્યાલ નથી અને કશું પણ જાણ્યા વગર સર્ટિફિકેટ આપો તે યોગ્ય નથી.

ગુજરાતી લેખિકાઓની સંસ્થા લેખિનીના પ્રમુખ પ્રીતિ જરીવાળાએ આ અંગે ચિત્રલેખા ડૉટ કૉમને જણાવ્યું કે, નાટકનું સ્તર ધીરે ધીરે ઉતરતું જાય છે. પ્રેક્ષકોને ગમે તેવું પીરસવા માટે આવી રમૂજ કરવામાં આવે છે. સ્ત્રીઓ ઉપર રમૂજ ન થવી જોઈએ. બીજા નાટકો થાય છે એમાં પણ હળવા જોક્સ હોય છે. જોકે આ નાટકના પોસ્ટરનો વિરોધ થતાં તેમણે ભૂલ સ્વીકારી લીધી એ પણ મોટી વાત છે. હવે બધી સ્ત્રીઓ સજાગ છે. તે પોતાને હાસ્યાસ્પદ નહીં બનવા દે. તેમણે પોસ્ટર ઉતારી લીધું છે. પરંતુ આપણે આશા રાખીએ કે ભવિષ્યમાં પણ આવી ભૂલ ન કરે. માત્ર પોસ્ટર નહીં તમારી માનસિકતા પણ બદલો’

ગુજરાતી નાટકોની વિષય વસ્તુ પર વાત કરતાં પ્રીતિ બહેન જણાવે છે કે ગુજરાતી નાટકોમાં ભાષા સારી નથી વપરાતી. ભાષાનું સ્તર નીચું જતું જાય છે. પ્રેક્ષકોને હસાવવા માટે કોઈ પણ સ્તરે નીચે જાય છે. ઘણાં નાટકોમાં પુરુષ પત્નીની મા પર પણ જોક્સ કરે છે.પત્નીમા મા પતિની પણ મા છે, તેનો આદર કરવાનો હોય. આ પ્રકારના ડાયલૉગ નહીં ચાલે હવે. હલકું હ્યુમર નહીં ચાલે. પ્રેક્ષકોને કેળવવા પડશે. જો પ્રક્ષકોને સારુ પીરસવામાં આવશે તો તે સારું લેતા શીખશે. નાટકના લેખકો, સર્જકો અને આપણે સજાગ થવાની જરૂર છે.

સંજય ગોરડિયાએ નાટકનું પોસ્ટર બદલી નાખ્યું છે. નવું પોસ્ટર કંઈક આવું જોવા મળે છે.