નવી દિલ્હીઃ રોડ ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે નબળા અને ખરાબ રોડ બાંધકામને બિનજામીનપાત્ર ગુનો બનાવવો જોઈએ. તેમણે એમ પણ કહ્યું હતું કે અકસ્માતો માટે રોડ કોન્ટ્રેક્ટરો અને એન્જિનિયરોને જવાબદાર ઠેરવવા જોઈએ અને એ માટે તેમને જેલમાં ધકેલવા જોઈએ.
રોડ સેફ્ટી પર કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII)ની નેશનલ કોન્ફરન્સને સંબોધિત કરતાં તેમણે કહ્યું હતું કે ભારત વિશ્વમાં માર્ગ અકસ્માતોમાં પ્રથમ ક્રમે છે. તેમણે માર્ગ અકસ્માતની વધતી ઘટનાઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ખામીયુક્ત રોડ બાંધકામને બિનજામીનપાત્ર ગુનો બનાવવો જોઈએ. અકસ્માત માટે રોડ કોન્ટ્રાક્ટરો, કન્સેશનર અને એન્જિનિયરોને જવાબદાર ઠેરવીને જેલમાં મોકલવા જોઈએ.’
મંત્રાલયના આંકડા અનુસાર, વર્ષ 2023માં દેશમાં પાંચ લાખ માર્ગ અકસ્માતો થયા હતા. જેમાં 1,72,000થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આમાંથી 66.4 ટકા એટલે કે 1,14,000 લોકો 18-45 વર્ષની વય જૂથના હતા. જ્યારે 10,000થી વધુ જીવ ગુમાવનારાઓમાં બાળકોનો પણ સમાવેશ થાય છે.
હાઈવે મંત્રાલય હાઈવે પરના બ્લેક સ્પોટ (એક્સીડેન્ટ-પ્રોન સ્પોટ)ને ઠીક કરવા માટે 40,000 કરોડ રૂપિયા ખર્ચી રહ્યું છે. જો કોઈ રોડ અકસ્માત દરમિયાન ઈજાગ્રસ્તને હોસ્પિટલ લઈ જશે તો તેને 25 હજાર રૂપિયાનું ઈનામ આપવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.