નવી દિલ્હીઃ રિઝર્વ બેન્ક આ શુક્રવારે વ્યાજદરોમાં 25 બેઝિસ પોઇન્ટનો કાપ મૂકે એવી શક્યતા છે. જોકે આ નિર્ણય સતત બે વર્ષ સુધી વ્યાજદરોને સ્થિર રાખ્યા પછી લેવામાં આવી શકે છે. RBIના આ પગલાથી હોમ લોન, પર્સનલ લોન અને કાર લોન જેવી લોન મન્થ્લી હપતા (EMI) ઘટે એવી શક્યતા છે. એનાથી દેશના કરોડો લોનધારકોને લાભ થશે. RBI રેપો રેટનું એલાન સાત ફેબ્રુઆરીએ કરશે.
RBIનો આ નિર્ણય કેન્દ્ર સરકારના બજેટને સુસંગત હશે, કેમ કે બજેટમાં કન્ઝમ્પ્શનને વધારવા અને માર્કેટમાં લિક્વિડિટી લાવવામાં મદદ કરશે. રિટેલ મોંઘવારી દર છ ટકાની આસપાસ છે. એનાથી કેન્દ્રીય બેન્કને વ્યાજદરોમાં કાપ કરવાની તક મળશે.
RBIની મોનિટરી પોલિસી કમિટી (MPC)ની ત્રણ દિવસની મીટિંગ પાંચમીથી શરૂ થઈ છે. MPC વ્યાજદર અંગે બેઠકના અંતે સાતમીને શુક્રવારે જાહેરાત કરશે, જેમાં સંભવતઃ વ્યાજદરમાં 0.25 ટકાનો ઘટાડો કરાય તેવી સંભાવના છે. SBI રિસર્ચે તેના રિપોર્ટમાં આમ કહ્યું છે. રિપોર્ટ કહે છે કે આ ઉપરાંત એપ્રિલની મીટિંગમાં પણ વ્યાજદરમાં વધુ 0.25 ટકાનો ઘટાડો કરાય તેવી સંભાવના છે. આવનારા સમયમાં તબક્કાવાર 0.75 ટકા સુધીનો ઘટાડો થાય તેવી સંભાવના છે. રિપોર્ટમાં કહેવાયું છે કે આ સપ્તાહે યોજાનારી એમપીસીની મીટિંગથી વ્યાજદરમાં ઘટાડાની સાઈકલ શરૂ થશે, જેમાં આરંભમાં 0.25 ટકાનો ઘટાડો સંભવ છે. ફેબ્રુઆરી પછી એપ્રિલમાં મળનારી મીટિંગમાં પણ વધુ 0.25 ટકા વ્યાજદર ઘટશે. જૂનની મીટિંગમાં વ્યાજદર યથાવત્ રહેશે અને ફરી ઘટાડાનો તબક્કો ઓક્ટોબરની મીટિંગથી જોવા મળશે.