મુંબઈમાં યોજાશે ‘રેખ્તા ગુજરાતી ઉત્સવ’, જામશે ગુજરાતી સાહિત્યની મહેફિલ

મુંબઈ: ભારતીય ભાષાઓના વૈભવનાં સંરક્ષણ અને વિકાસનાં ઉમદા કાર્યમાં પ્રવૃત્ત ‘રેખ્તા ફાઉન્ડેશન’ સંસ્થાના ઉપક્રમે ગરવી ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિની ઉજવણી રૂપે ‘રેખ્તા ગુજરાતી ઉત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. જેના અંતર્ગત આવતી કાલે એટલે કે શનિવાર, 11 જાન્યુઆરી, 2025ના રોજ ‘રેખ્તા ગુજરાતી ઉત્સવ-મુંબઈ’ કાર્યક્રમ યોજાવવાનો છે.

સોલિસિટર જનરલ ઑફ ઈન્ડિયા તુષાર મહેતા અને રેખ્તા ફાઉન્ડેશનના સંસ્થાપક સંજીવ સરાફ

‘રેખ્તા ગુજરાતી ઉત્સવ’ કાર્યક્રમનું આયોજન ભારતીય વિદ્યા ભવન, ચોપાટી, મુંબઈ ખાતે સાંજે 4:30 વાગ્યે કરાયું છે. આ કાર્યક્રમમાં સોલિસિટર જનરલ ઑફ ઈન્ડિયા તુષાર મહેતા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. અતિથિવિશેષ તરીકે રાજ્યસભાના સભ્ય તથા ‘રિલાયન્સ ગ્રુપ ઑફ ઈન્ડસ્ટ્રીઝ’ના ડિરેક્ટર (કૉર્પોરેટ અફેર્સ) પરિમલ નથવાણી અને ગુજરાતી સુપ્રસિદ્ધ અભિનેત્રી સરિતા જોશી આમંત્રિત છે. ‘રેખ્તા ફાઉન્ડેશન’ના સંસ્થાપક સંજીવ સરાફ આવકાર સંબોધન કરશે.

કાર્યક્રમમાં શ્રોતાઓને મુશાયરાનો પણ લહાવો માણવા મળશે, જેમાં રાજેશ વ્યાસ ‘મિસ્કિન’, ભાવેશ ભટ્ટ, કૃષ્ણ દવે, હેમેન શાહ, સંજુ વાળા, મુકેશ જોશી અને હર્ષવી પટેલ એમની ગઝલ, શાયરી, ગીત, કવિતાઓનો રસાસ્વાદ કરાવશે. સંગીતસંધ્યાની રજૂઆત પ્રફુલ્લ દવે અને હાર્દિક દવે દ્વારા કરવામાં આવશે. જ્યારે કે કાર્યક્રમનું સમગ્ર સંચાલન અંકિત ત્રિવેદી દ્વારા કરવામાં આવશે.

‘રેખ્તા ગુજરાતી ઉત્સવ’ એ દિલ્હીસ્થિત ‘રેખ્તા ફાઉન્ડેશન’ની પહેલ છે, જે ભાષા-સાહિત્ય અને સંસ્કૃતિને સમર્પિત છે. સંસ્થાનો ઉદ્દેશ ગુજરાતી કવિતા અને સાહિત્યને ચોકસાઈ અને કાળજીપૂર્વક દુનિયાભરમાં ફેલાયેલા ગુજરાતી અને કાવ્યરસિકો સુધી પહોંચાડી ‘સદાકાળ ગુજરાત’ને વાસ્તવમાં સાર્થક કરવાનો છે.