આર. પ્રજ્ઞાનંદાએ રચ્યો ઈતિહાસઃ ગ્રાન્ડ ચેસ ટૂર જીતનાર પ્રથમ ભારતીય બન્યો

નવી દિલ્હીઃ ગ્રાન્ડમાસ્ટર આર. પ્રજ્ઞાનંદા (R Praggnanandhaa) ગ્રાન્ડ ચેસ ટૂર (GCT)નો ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બની ગયા છે. તેમણે સેન્ટ લુઈસમાં યોજાયેલી ગ્રાન્ડ ફાઈનલમાં અમેરિકાના ફેબિયાનો કારુઆનાને હરાવ્યો. આર. પ્રજ્ઞાનંદાએ ગુરુવાર (27 ઓગસ્ટ)ની શરૂઆતમાં કારુઆના કરતાં પાછળ રહ્યા બાદ શાનદાર વાપસી કરી હતી. ભારતીય ખેલાડીએ અંતે કારુઆનાને 15-13થી હરાવીને પોતાનો પહેલો GCT ખિતાબ જીત્યો અને ઈનામ તરીકે 2 લાખ અમેરિકન ડોલર પોતાને નામે કર્યા હતા. તેમની આ જીત એટલા માટે પણ ખાસ રહી, કારણ કે ફાઈનલના અંતિમ દિવસની શરૂઆત તેમણે કારુઆના કરતાં છ પોઈન્ટ પાછળ રહીને કરી હતી.

21 વર્ષની ઉંમરે જીત્યા રૂ. 19,110,290

ભારતીય ખેલાડીએ અંતે કારુઆનાને 15-13થી હરાવીને પોતાનો પહેલો GCT ખિતાબ જીત્યો અને ઈનામ તરીકે 2 લાખ અમેરિકન ડોલર (લગભગ 1 કરોડ 91 લાખ રૂપિયા) પોતાને નામે કર્યા. આ સાથે પ્રજ્ઞાનંદા, કારુઆના અને અન્ય અમેરિકન ખેલાડી વેસ્લી સોએ આવતા વર્ષે યોજાનારા ગ્રાન્ડ ચેસ ટૂરમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. વેસ્લી સોએ જર્મનીના વિન્સેન્ટ કીમરને 18-12થી હરાવીને ત્રીજું સ્થાન મેળવ્યું.

જીત બાદ પ્રજ્ઞાનંદાએ કહ્યું હતું કે સાચું કહું તો મને લાગતું નહોતું કે આજે મારી પાસે જીતવાની ઘણી તકો છે. આવું દરરોજ થતું નથી. તમે ફેબી (કારુઆના) સામે એક ગેમ જીતી શકો છો, પરંતુ રેપિડ રાઉન્ડમાં બે ગેમ જીતવી ખૂબ જ મહત્વપૂર્ણ હતી. પાંચ વખતના વર્લ્ડ ચેમ્પિયન વિશ્વનાથન આનંદ પાસેથી ટ્રેનિંગ લેનાર ચેન્નાઈના આ 21 વર્ષીય ખેલાડીએ દિવસની શરૂઆત 6 પોઈન્ટ પાછળ રહીને કરી હતી. પરંતુ ત્યાર બાદ તેમણે શાનદાર વાપસી કરી અને બંને રેપિડ ગેમ (દરેક ગેમના વિજેતાને 4 પોઈન્ટ) જીતીને બે પોઈન્ટની લીડ મેળવી લીધી હતી. ત્યાર બાદ રમાયેલી ચાર બ્લિટ્ઝ મેચમાં મુકાબલો બરાબરીનો રહ્યો હતો. પ્રજ્ઞાનંદા અને કારુઆનાએ એક-એક મેચ જીતી, જ્યારે બાકીની બે મેચ ડ્રો રહી હતી.