રાષ્ટ્રપતિ મુર્મુએ રાષ્ટ્રીય રમત પુરસ્કારો એનાયત કર્યા, 17 ખેલાડીઓને અર્જુન અવોર્ડ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શુક્રવારે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સમારોહમાં વર્ષ 2025ના રાષ્ટ્રીય રમત પુરસ્કારો એનાયત કર્યા છે. આ વખતે કુલ 17 ખેલાડીઓને પ્રતિષ્ઠિત અર્જુન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. જોકે, દેશના સર્વોચ્ચ રમત સન્માન મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર માટે આ વર્ષે કોઈ ખેલાડીની પસંદગી કરવામાં આવી નથી. વર્ષ 2014 પછી પહેલીવાર એવું બન્યું છે કે કોઈ ખેલાડીને ખેલ રત્ન પુરસ્કાર આપવામાં આવ્યો નથી.

(Photo: IANS/X/@rashtrapatibhvn)

આ સમારોહ આશરે 36 મિનિટ સુધી ચાલ્યો હતો. જેમાં કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયા, રમતગમત સચિવ હરિ રંજન રાવ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ 17 ખેલાડીઓને મળ્યો અર્જુન પુરસ્કાર

પસંદગી સમિતિની ભલામણોનું પુનર્મૂલ્યાંકન કર્યા બાદ આ વર્ષે કુલ 17 ખેલાડીઓને અર્જુન પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા હતા. પુરસ્કાર વિજેતાઓમાં તાજેતરમાં વર્લ્ડ કપ જીતનાર ચેસ ખેલાડી દિવ્યા દેશમુખ, વર્ષ 2024ની ચેસ ઓલિમ્પિયાડમાં ગોલ્ડ મેડલ જીતનારી ભારતીય ટીમના સભ્ય વિદિત ગુજરાતી, ડેકાથલેટ તેજસ્વિન શંકર અને મહિલા બેડમિન્ટનની ડબલ્સ જોડી ગાયત્રી ગોપીચંદ તથા ત્રિસા જોલીનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ જીતનાર બોક્સર નરેન્દ્ર બેર્વાલ અને યુવા બહેરા શૂટર ધનુષ શ્રીકાંત પણ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.

પેરા-સ્પોર્ટ્સ કેટેગરીમાં આ વખતે માત્ર બે ખેલાડીઓને અર્જુન પુરસ્કાર આપવામાં આવ્યો હતો. જેમાં પેરા ક્લબ થ્રોઅર એકતા ભ્યાન અને શૂટર રુદ્રાંશ ખંડેલવાલનો સમાવેશ થાય છે. વર્ષ 1962ની એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી ફૂટબોલ ટીમના સભ્ય આઇ. અરુમનાયગમને ‘લાઇફટાઇમ અચીવમેન્ટ’ કેટેગરીમાં અર્જુન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ત્રણ કોચને મળ્યો દ્રોણાચાર્ય પુરસ્કાર

કોચિંગ ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન બદલ આ વર્ષે ત્રણ કોચને દ્રોણાચાર્ય પુરસ્કાર આપવામાં આવ્યો હતો. જેમાં મહિલા રાષ્ટ્રીય બોક્સિંગ કેમ્પ સાથે જોડાયેલા કોચ છોટે લાલ યાદવનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પુરુષોની રાષ્ટ્રીય બોક્સિંગ ટીમના કોચ ધર્મેન્દ્ર યાદવ અને કુસ્તી કોચ વીરેન્દ્ર કુમારને ‘લાઇફટાઇમ અચીવમેન્ટ’ કેટેગરીમાં દ્રોણાચાર્ય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે અર્જુન પુરસ્કાર મેળવનાર ખેલાડીને 15 લાખ રૂપિયાની રોકડ રકમ આપવામાં આવે છે. અગાઉ પરંપરા મુજબ આ પુરસ્કારો મહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદની જન્મજયંતિ એટલે કે 29 ઓગસ્ટના રોજ આપવામાં આવતા હતા. જોકે, કોરોના મહામારી બાદથી પુરસ્કાર સમારોહની તારીખમાં સતત ફેરફાર થઈ રહ્યો છે.

આર્મી પેરાલિમ્પિક નોડને મળ્યો રાષ્ટ્રીય રમત પ્રોત્સાહન પુરસ્કાર

આ વર્ષે પુણે સ્થિત ‘આર્મી પેરાલિમ્પિક નોડ’ને રાષ્ટ્રીય રમત પ્રોત્સાહન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યું હતું. લેફ્ટનન્ટ કર્નલ દલજીત સિંહે રાષ્ટ્રપતિના હસ્તે આ પુરસ્કાર સ્વીકાર્યો હતો.આ પુરસ્કાર એવી સરકારી કે ખાનગી કંપનીઓ અને બિનસરકારી સંસ્થાઓને આપવામાં આવે છે, જેમણે દેશમાં રમતગમતને પ્રોત્સાહન આપવા અને તેના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હોય.

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ (નિવૃત્ત) અરુણ કુમાર મિશ્રાની અધ્યક્ષતાવાળી પસંદગી સમિતિની ભલામણોના આધારે રમતગમત મંત્રાલયે 18 ઓગસ્ટે વર્ષ 2025ના પુરસ્કાર વિજેતાઓની અંતિમ યાદી જાહેર કરી હતી. આ વર્ષે આ પુરસ્કારો માટે મોટી સંખ્યામાં અરજીઓ મળી હતી, જેના પર પસંદગી સમિતિએ વિચારણા કરી હતી.