PM મોદીએ પેરિસ પેરાલિમ્પિક્સ માટે ખેલાડીઓને અભિનંદન આપ્યા

પેરિસ ઓલિમ્પિકના સમાપન બાદ હવે તમામની નજર પેરાલિમ્પિક્સ 2024 પર છે. 28 ઓગસ્ટથી શરૂ થઈ રહેલી આ ટુર્નામેન્ટ માટે ભારતીય ટીમ તૈયાર છે. સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પેરાલિમ્પિક ખેલાડીઓ સાથે વાત કરી હતી. આ દરમિયાન કેન્દ્રીય ખેલ મંત્રી મનસુખ માંડવિયા પણ હાજર હતા. આ દરમિયાન પીએમએ તીરંદાજ શીતલ દેવી અને શૂટર અવની લેખા સાથે ખાસ વાતચીત કરી હતી. શીતલે કહ્યું કે તેનો ઉદ્દેશ્ય પેરિસમાં ત્રિરંગો ફરકાવવાનો છે. ભારતે પેરિસ પેરાલિમ્પિકમાં 84 ખેલાડીઓની ટીમ મોકલી છે. અગાઉ, ટોક્યોમાં ભારતના 54 પેરા એથ્લેટ્સે ભાગ લીધો હતો, જ્યારે દેશે 19 મેડલ જીત્યા હતા.

PMએ શુભેચ્છાઓ આપી

આ વાતચીત દરમિયાન પીએમ મોદીએ પેરાલિમ્પિક ખેલાડીઓને શુભેચ્છા પાઠવી હતી અને કહ્યું હતું કે 140 કરોડ દેશવાસીઓના આશીર્વાદ એથ્લેટ્સ સાથે છે, તેઓ વિજયી બને. પીએમે સૌથી નાની વયની એથ્લીટ શીતલને પૂછ્યું, “શીતલ, પેરિસમાં તારું લક્ષ્ય શું છે? અને તેના માટે તેં શું તૈયારી કરી છે?” આના પર શીતલે જવાબ આપ્યો, “સર, તૈયારી અને તાલીમ ખૂબ સારી રીતે ચાલી રહી છે. મારો ઉદ્દેશ્ય પેરિસમાં મારા દેશનો ત્રિરંગો ફરકાવવાનો અને રાષ્ટ્રગીત વગાડવાનો છે.”