નવી દિલ્હીઃ સંસદમાં કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે કોંગ્રેસ પર તીખા પ્રહાર કર્યા હતા અને પાકિસ્તાન દ્વારા કબજા હેઠળ કાશ્મીર (POK)ના અસ્તિત્વ માટે સીધા જ ભૂતપૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નહેરુને જવાબદાર ઠેરવ્યા હતા. શાહે સંસદમાં ઓપરેશન સિંદૂર પર ચાલી રહેલી ચર્ચા દરમિયાન 1949માં ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા પહેલા યુદ્ધને અટકાવનારા ઐતિહાસિક નિર્ણયનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે જો આજે POK અસ્તિત્વમાં છે, તો તે નહેરુ દ્વારા કરાયેલા યુદ્ધવિરામને કારણે છે. તેનો દોષ નહેરુનો છે.
તેમણે જણાવ્યું હતું કે 1960માં સરદાર વલ્લભભાઈ પટેલે આ પગલાનો વિરોધ કર્યો હતો. શાહે જણાવ્યું હતું કે સિંધુ નદીના પાણી પર ભારતની સ્થિતિ મજબૂત હતી, પરંતુ સિંધુ જળ સંધિ પછી આપણે 80 ટકાથી વધુ પાણી પાકિસ્તાનને આપી દીધું. તેમણે આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસના નેતૃત્વ હેઠળ ભારતે વ્યૂહાત્મક લાભ ગુમાવી દીધો.
કોંગ્રેસની વધુ ટીકા કરતાં શાહે કહ્યું હતું કે 1971ના બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામમાં ભારતની જીત પછી કોંગ્રેસે એક મોટી તક ગુમાવી હતી. તેમણે જણાવ્યું હતું કે અમે 1971ની જીત પર ગૌરવ કરીએ છીએ – ત્યારે આપણા પાસે 93,000 પાકિસ્તાની યુદ્ધબંદીઓ હતા, જે તેમના સૈન્યનું લગભગ 42 ટકા હતા, છતાં પણ આપણે ત્યારે POKની માગ નહીં કરી. શાહે કહ્યું હતું કે કોંગ્રેસ ફરી વાર ભારતનાં હિતોનું રક્ષણ કરવામાં નિષ્ફળ રહી.
શાહે કહ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં ભારતને કાયમી બેઠક ન મળવા માટે પણ નહેરુ જવાબદાર છે. તેમણે ભાર આપીને કહ્યું હતું કે નહેરુના નિર્ણયને કારણે જ આપણને UNSCમાં કાયમી બેઠક ગુમાવવી પડી. તેમણે કોંગ્રેસની ઐતિહાસિક ભૂલોની એક પેટર્નની વાત કરી, જે ભારતની વૈશ્વિક સ્થિતિ પર લાંબા ગાળાનો પ્રભાવ પાડે છે.
