NEET પેપર લીક કેસમાં નવો વળાંક: CBI ની ચાર્જશીટ પણ લીક થતાં કોર્ટ લાલઘૂમ

NEET UG પેપર લીક કેસની સુનાવણી કરી રહેલી દિલ્હીની રાઉઝ એવન્યુ સ્થિત સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટે CBI દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટ મીડિયામાં લીક થવા અને સાક્ષીઓના નામ જાહેર થવા પર ભારે આશ્ચર્ય અને નારાજગી વ્યક્ત કરી છે. ફાસ્ટ ટ્રેક કોર્ટના સ્પેશિયલ જજ અજય ગુપ્તાએ આ ઘટનાને ‘મોટો આંચકો’ ગણાવતા કહ્યું કે આ અંગે તાત્કાલિક કંઈક કરવાની જરૂર છે.

કોર્ટે શું કહ્યું?

સુનાવણી દરમિયાન જજ અજય ગુપ્તાએ ટિપ્પણી કરી હતી કે, ઓપન કોર્ટમાં હું એક વાત સ્પષ્ટ કરવા માંગુ છું કે મીડિયા સહિત આપણા સૌની એક મોટી જવાબદારી બને છે. ક્રિમિનલ લો (ફોજદારી કાયદા) માં જે રીતે ટ્રાયલની જોગવાઈ છે, કેસ તે જ રીતે ચાલવો જોઈએ. કોઈ પક્ષપાત કે ભેદભાવ ન થવો જોઈએ. જો આ પ્રકારે રિપોર્ટિંગ થતું હોય તો લોકોએ આવી વસ્તુઓ ન કરવી જોઈએ. કોર્ટે આ ટિપ્પણી ત્યારે કરી જ્યારે CBI તરફથી રજૂ થયેલા વકીલે જણાવ્યું કે મીડિયામાં કેટલાક સાક્ષીઓના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે, જેમાં કેટલાક સગીર (નાબાલિક) પણ સામેલ છે.

આરોપીઓના વકીલની દલીલ અને કોર્ટની ખાતરી

આરોપીઓ તરફથી હાજર રહેલા વકીલે પણ કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ થાય તે પહેલાં જ તેની નકલ મીડિયા પાસે પહોંચી ગઈ હતી. આનાથી તેમના કેસની નિષ્પક્ષ સુનાવણી પર વિપરીત અસર પડી શકે છે. કોર્ટે આ મામલે રિપોર્ટની તપાસ કરવાની અને જરૂરી પગલાં લેવાની ખાતરી આપી છે.

ચાર્જશીટમાં CBI ના ચોંકાવનારા ખુલાસા

ઉલ્લેખનીય છે કે CBI એ NEET UG પેપર લીક કેસમાં આશરે 20,000 પેજની વિશાળ ચાર્જશીટ ફાઈલ કરી છે, જેમાં 13 લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. ચાર્જશીટમાં CBI એ જણાવ્યું છે કે 3 સબ્જેક્ટ એક્સપર્ટ્સે અલગ-અલગ રીતે દિલ્હી સ્થિત નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ની ઓફિસમાંથી NEET પરીક્ષાના પ્રશ્નો લીક કર્યા હતા. ગુપ્ત વિભાગમાંથી બહાર નીકળતી વખતે તેમની યોગ્ય તલાશી લેવામાં આવી નહોતી, જેના કારણે આરોપીઓ પેપર લીક કરવામાં સફળ રહ્યા હતા.

જજ અજય ગુપ્તાએ CBI ની ચાર્જશીટ પર સંજ્ઞાન લઈ લીધું છે અને જાહેરાત કરી છે કે કોર્ટ 13 August થી આરોપીઓ સામે ચાર્જ (આરોપ) નક્કી કરવા અંગેની દલીલો સાંભળવાનું શરૂ કરશે.