ભોપાલઃ ભોપાલથી દિલ્હી જતી વંદે ભારત ટ્રેનમાં આગ લાગી ગઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ સવારે કમલાપતિ રેલવે સ્ટેશનથી નિઝામુદ્દીન માટે રવાના થયેલી વંદે ભારત ટ્રેનની C14 કોચમાં કુરવાઇ સ્ટેશનની પાસે બેટરીથી આગ લાગી ગઈ હતી. જોકે આ આગ લાગવાની ઘટનામાં કોઈ પણ જાનહાનિ નથી થઈ અને બધા યાત્રીઓને સુરક્ષિત કાઢવામાં આવ્યા છે.
રાણી કમલાપતિથી નિઝામુદ્દીન જઈ રહેલી વંદે ભારત ટ્રેનના C-14 કોચમાં આગ લાગી હતી. ટ્રેન નં 20171 ભોપાલ-હજરત નિઝામુદ્દીન વંદે ભારત સવારે 5.40 કલાકે રવાના થઈ હતી. આ ઘટના બિનાથી પહેલાં થઈ હતી. આ ટ્રેનમાં પ્રવાસ કરી રહેલા યાત્રીઓના જણાવ્યા મુજબ આગ બેટરીથી લાગી હતી. આ આગની સૂચના મળતાં ટ્રેનને અટકાવીને બધા યાત્રીઓને સુરક્ષિત કાઢવામાં આવ્યા હતા. આગ લાગતાં ઘટનાસ્થળે ફાયરબ્રિગ્રેડની ગાડીઓ પહોંચી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.
આ ટ્રેનમાં પ્રવાસ કરી રહેલા યાત્રીઓ અનુસાર કોચ C-14માં બેટરીની પાસે ધુમાડો નીકળવા માંડ્યો હતો. ત્યાર બાદ બેટરી બોક્સથી આગની જ્વાળાઓ નીકળવા માંડી હતી. જેથી બિના રેલવે સ્ટેશનથી પહેલાં કુરવાઈ કેથોરામાં ટ્રેનને અટકાવવામાં આવી હતી અને યાત્રીઓને સુરક્ષિત ઉતારવામાં આવી હતી. રેલવેના અધિકારીએ જણાવ્યું હતું કે આ દુર્ઘટનામાં કોઈના ઘાયલ થવાના સમાચાર નથી. આ કોચમાં 20-22 યાત્રીઓ હતા, તેમને બીજા કોચમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે રેલવે કર્મચારીઓ દ્વારા મરામત કાર્ય કરી રહ્યા છે.