ઉન્નાવમાં રેપ પીડિતાની દફનવિધિ કરાઈ; બહેનને સરકારી નોકરી આપવામાં આવશે

ઉન્નાવ (ઉત્તર પ્રદેશ) – અનેક વિવાદો વચ્ચે ઉન્નાવની બળાત્કાર પીડિતા યુવતીનાં આજે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. એનાં વતન ગામમાં એનાં મૃતદેહના અગ્નિસંસ્કાર કરવામાં નહોતા આવ્યા, પણ એની દફનવિધિ કરવામાં આવી હતી.

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ નહીં આવે ત્યાં સુધી બહેનનાં અંતિમ સંસ્કાર ન કરવાની મૃતક પીડિતાની બહેન અને ભાઈએ માગણી કરી હતી, પણ પ્રશાસનના અધિકારીઓની સમજાવટ બાદ પરિવારજનો પીડિતાની દફનવિધિ કરવા સહમત થયા હતા. ગમગીન થયેલા ગામવાસીઓની વચ્ચે પીડિતાને દફન કરવામાં આવી હતી.

પીડિતાની બહેને કહ્યું છે કે જો એક અઠવાડિયામાં એની બહેનનાં આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં નહીં આવે તો પોતે મુખ્ય પ્રધાનના આવાસની બહાર આત્મવિલોપન કરશે.

દરમિયાન, ઉત્તર પ્રદેશ સરકારે પીડિતાનાં પરિવારને રૂ. 25 લાખની મદદ કરી છે. તે ઉપરાંત એની બહેનને સરકારી નોકરી આપવાની જાહેરાત કરી છે અને આવાસ યોજના અંતર્ગત પરિવારને રહેવા માટે એક મકાન આપવામાં આવશે. એની બહેનને મહિલા પોલીસ દ્વારા સુરક્ષા આપવામાં આવશે અને તેના ઘર ખાતે પણ પોલીસ સુરક્ષા આપવામાં આવશે. પીડિતાને ભાઈને હથિયાર રાખવા માટેનું લાઈસન્સ આપવામાં આવશે.

પીડિતા પર 2017માં સામુહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો. એની ફરિયાદને આધારે આરોપીઓને પકડવામાં આવ્યા હતા. પરંતુ, મુખ્ય આરોપી – બે ભાઈને બાદમાં જામીન પર છોડવામાં આવ્યા હતા. મહિલાએ કોર્ટમાં કેસ કર્યો હતો. એની સુનાવણી માટે એ ગયા ગુરુવારે કોર્ટમાં જતી હતી ત્યારે ઉન્નાવમાં રસ્તા પર એની પર આરોપીઓ તથા એમના સાથીદારોએ પેટ્રોલ રેડી એને સળગાવી દીધી હતી. એને લખનઉની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. એ 95 ટકા જેટલી દાઝી ગઈ હતી. એને ત્યાંથી દિલ્હીની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં શુક્રવારે રાતે એણે અંતિમ શ્વાસ લીધો હતો.

એનાં મૃતદેહને શનિવારે સાંજે ઉન્નાવ લાવવામાં આવ્યો હતો.