તાજમહલમાં બે યુવકોએ ચઢાવ્યું ગંગાજળ

નવી દિલ્હીઃ તાજમહેલમાં હિન્દુ મહાસભાના બે યુવાનોએ મુખ્ય ગુંબજ પર ગંગાજળ ચઢાવ્યું હતું. એ સાથે તેમણે બમ-બમ ભોલે અને હર-હર મહાદેવનો સૂત્રોચ્ચાર પણ કર્યો હતો. યુવકોએ તાજમહેલમાં ગંગાજળ ચઢાવવાનો વિડિયો પણ બનાવ્યો હતો. તેમણે દીવાલ પર ઓમનું સ્ટિકર પણ લગાવ્યું હતું.

અખિલ ભારત હિન્દુ મહાસભાનો દાવો છે કે તાજમહેલમાં કાર્યકર્તાઓએ ગંગાજળ ચઢાવ્યું હતું.આ બે યુવકો પાણીની બોટલમાં ગંગાજળ ભરીને આવ્યા હતા. મુમતાઝની મુખ્ય કબર પાસે ભોંયરાના દરવાજા પર એક યુવકે ગંગાજળ ચઢાવ્યું હતું. તાજમહેલમાં ક્યારેક હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવે છે તો ક્યારેક નમાજ અદા કરવાનો પ્રયાસ કરવામાં આવે છે.

જોકે CISFએ આ યુવકોને તાજગંજ પોલીસને હવાલે કર્યા હતા. DCP સિટી સૂરજ રાયે જણાવ્યું હતું કે બે યુવકોએ બોટલમાં ગંગાજળ તાજમહેલ પર ચઢાવવાની વાત કરી હતી, પણ એની પુષ્ટિ નથી થઈ કે એ બોટલમાં ગંગાજળ હતું કે પાણી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

હિન્દુ સંગઠનો તાજમહેલને શિવ મંદિર તેજોમહાલય માને છે. અખિલ ભારતીય હિન્દુ મહાસભાએ આની જવાબદારી લીધી છે. મહાસભાના વિનેશ ચૌધરી અને શ્યામ તાજમહેલમાં ગંગાજળ ચઢાવતા ઝડપાયા છે. શુક્રવારે રાત્રે બંને કાંવડ સાથે મથુરા પહોંચ્યા હતા અને આજે શનિવારે તાજમહેલ પહોંચ્યા બાદ તેમણે ગંગાજળ ચડાવ્યું હતું.

હિન્દુ મહાસભાના વિભાગીય અધ્યક્ષ મનીષ પંડિત અને રાષ્ટ્રીય પ્રવક્તા સંજય જાટે કહ્યું હતું કે તેજોમહાલયમાં ગંગાજળ ચઢાવવું એ હિન્દુ મહાસભાનો જન્મસિદ્ધ અધિકાર છે. ભવિષ્યમાં પણ તેજોમહાલયમાં કાંવડ અને ગંગાજળથી અભિષેક કરવામાં આવશે.