ભારતમાં ડિજિટલ નિયમોનું પાલનઃ ટ્વિટરે વધારે સમય માગ્યો

નવી દિલ્હીઃ ટૂલકિટ વિવાદ અને ભારતમાં સોશિયલ મિડિયાને લગતી ગાઈડલાઈન્સના મામલે અમેરિકાસ્થિત માઈક્રોબ્લોગિંગ અને સોશિયલ નેટવર્કિંગ સર્વિસ કંપની ટ્વિટરે એક નિવેદનમાં કહ્યું છે કે ભારતમાં થયેલી ઘટનાઓને કારણે કંપની પોતાના કર્મચારીઓની સલામતી માટે ચિંતિત છે. ભારતમાં અભિવ્યક્તિની આઝાદી પર સંભવિત ખતરો હોવી ચિંતા પણ ટ્વિટરે વ્યક્ત કરી છે અને કેન્દ્ર સરકારે માર્ગદર્શિકાઓનું પાલન કરવા માટે નક્કી કરેલી ડેડલાઈનને 3 મહિના લંબાવવાનું તેણે સરકારને કહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ભારત સરકારે ગાઈડલાઈન્સમાં કહ્યું છે કે દરેક સોશિયલ મિડિયા પ્લેટફોર્મ કંપનીએ ભારતમાં જ એક ગ્રીવન્સ (ફરિયાદ સાંભળનાર) અધિકારીની નિમણૂક કરવાની રહેશે. સંબંધિત પ્લેટફોર્મ પર પ્રસ્તુત થનાર વાંધાજનક સામગ્રી માટે તે ગ્રિવાન્સ અધિકારી જવાબદાર ગણાશે.

દિલ્હી તથા પડોશના ગુડગાંવમાં પોતાના કાર્યાલયની પોલીસે લીધેલી મુલાકાતને ટ્વિટરે પોતાને ડરાવવાની કોશિશ તરીકે ઓળખાવી છે. નિવેદનમાં તેણે વધુમાં જણાવ્યું છે કે અમે ભારતમાં નિયમોનું પાલન કરવા માટે તૈયાર છીએ, પરંતુ એ સંપૂર્ણપણે પારદર્શિતાના સિદ્ધાંતો મુજબ હોવું જોઈએ. અમે સમગ્ર ઘટનામાં ભારત સરકાર સમક્ષ અમારી રજૂઆત કરવાનું ચાલુ રાખીશું.

આ મામલો ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ ગઈ 18 મેએ કરેલા એક ટ્વીટનો છે જેમાં તેમણે એક ટૂલકિટનો ઉલ્લેખ કર્યો હતો. પાત્રાએ હ્યું હતું કે કેન્દ્ર અને વડા પ્રધાન મોદીને બદનામ કરવા માટે કોંગ્રેસ ટૂલકિટનો ઉપયોગ કરે છે. બાદમાં, ટ્વિટરે પાત્રાના તે ટ્વીટને ‘મેનિપ્યૂલેટેડ મીડિયા’ દર્શાવ્યું હતું અને કહ્યું હતું કે પાત્રાનો દાવો સાચો નથી. એને પરિણામે તપાસની વાત આવી છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના અધિકારીઓ ટ્વિટરના કાર્યાલયે પહોંચ્યા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]