મુંબઈ – લોકપ્રિય શોર્ટ વિડિયો-શેરિંગ એપ્લિકેશન ટિકટોકે ભારતમાં માર્ગદર્શિકાઓનો ભંગ કરવા બદલ આશરે 60 લાખ વિડિયો દૂર કરી દીધા છે.
કેન્દ્ર સરકારે ટિકટોકને આપેલી નોટિસના સંદર્ભમાં એપ્લિકેશને આ પગલું ભર્યું છે.
ભારતમાં રાષ્ટ્ર-વિરોધી પ્રવૃત્તિઓ માટે ટિકટોક એપનો દુરુપયોગ કરાતો હોવાના આરોપ બાદ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ – ટિકટોકને કેન્દ્ર સરકારે 24 સવાલ મોકલીને જવાબ માગ્યા હતા.
ટિકટોકના ડાયરેક્ટર (સેલ્સ અને પાર્ટનરશિપ) સચીન શર્માનું કહેવું છે કે એમની કંપની એના યુઝર્સ એમની ક્રીએટિવિટી અને ટેલેન્ટ પ્રદર્શિત કરી શકે એ માટે સુરક્ષિત અને સકારાત્મક ઈન-એપ વાતાવરણ જાળવવા માટે પ્રતિબદ્ધ છે. ટિકટોક કોઈ પણ રીતે ભારતના સામાજિક નિયમોનું ઉલ્લંઘન કરે એવી કન્ટેન્ટને પ્રમોટ કરતી નથી.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ની પેટાસંસ્થા સ્વદેશી જાગરણ મંચે ફરિયાદ નોંધાવ્યા બાદ કેન્દ્ર સરકારે ટિકટોકને નોટિસ સાથે ચેતવણી આપી હતી કે જો તે 24 સવાલોના બરાબર રીતે જવાબ નહીં આપે તો એની પર પ્રતિબંધ મૂકી દેવામાં આવશે.