ટ્રમ્પને ભારતનો જવાબઃ વડાપ્રધાન મોદીએ નથી કરી કાશ્મીર મુદ્દે મધ્યસ્થતાની વાત…

નવી દિલ્હીઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કાશ્મીર મુદ્દા પર જે નિવેદન આપ્યું છે તેને લઈને સંસદમાં ખૂબ હંગામો થયો. કોંગ્રેસ દ્વારા રાજ્યસભા અને લોકસભા બંન્ને જગ્યાએ આ મામલાને ઉઠાવવામાં આવ્યો. આ વચ્ચે વિદેશ પ્રધાન એસ જયશંકરે આ મુદ્દે અધિકારિક નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે કાશ્મીર ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય મુદ્દો છે. આ મુદ્દે વડાપ્રધાન મોદી તરફથી કોઈ મધ્યસ્થતાની રજૂઆત કરવામાં નથી આવી.

રાજ્યસભામાં વિદેશ પ્રધાન એસ. જયશંકરે કહ્યું કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને દાવો કર્યો છે કે તે સાવ ખોટો છે, વડાપ્રધાન મોદીએ આ પ્રકારની કોઈ માંગણી નથી કરી. તેમણે કહ્યું કે હું સદનમાં વિશ્વાસ અપાવું છે કે આ દાવો સાવ ખોટો છે.  

વિદેશ પ્રધાને કહ્યું કે ભારત સતત કહેતું રહ્યું છે કે પાકિસ્તાન સાથે જે પણ વાતો થવાની છે તે માત્ર દ્વિપક્ષીય મુદ્દો છે. પાકિસ્તાનથી કોઈપણ પ્રકારના મુદ્દે ત્યારે જ વાત થઈ શકે છે કે જ્યારે તે આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી કરશે. હું કહેવા માંગુ છું કે શિમલા અને લાહોર સમજૂતી અંતર્ગત નક્કી થયું હતું કે પાકિસ્તાન સાથે દરેક મુદ્દો દ્વિપક્ષીય જ સોલ્વ થઈ શકે છે.

આપને જણાવી દઈએ કે આજે જેવી જ સદનની કાર્યવાહી શરુ થઈ તો કોંગ્રેસ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો. કોંગ્રેસ દ્વારા આનંદ શર્માએ રાજ્યસભામાં ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનનો વિરોધ કર્યો અને આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સ્પષ્ટતા કરવા માટે કહ્યું. બીજીબાજુ લોકસભામાં પણ કોંગ્રેસના નેતા અધીર રંજન ચોધરીએ વડાપ્રધાનના નિવેદનની માંગ કરી.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના અમેરિકા પ્રવાસ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે કાશ્મીરને લઈને દાવો કર્યો. તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદીએ તેમને કાશ્મીર મુદ્દે ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થતાની રજૂઆત કરી હતી. ઈમરાન ખાને પણ ડોનાલ્ડ ટ્રમ્પને આ મુદ્દે મધ્યસ્થી કરવા કહ્યું હતું.