ટીકટોક ભારતમાં સૌથી વધુ લોકપ્રિયઃ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પાછળ

નવી દિલ્હી: શોર્ટ વીડિયો શેરિંગ એપ ટીકટોક (TikTok) ની લોકપ્રિયતા દિવસે દિવસેને વધતી જાય છે. એનો અંદાજ વિશ્વભરમાં આ એપને 1.5 બિલિયન વખત ડાઉનલોડ કરવામાં આવી છે એને પરથી લગાવી શકાય છે. પણ તમને જાણીને નવાઈ લાગશે કે, TikTok ને ડાઉનલોડ કરનાર દેશોની યાદીમાં ભારત પ્રથમ નંબર પર છે. થોડા દિવસો અગાઉ જ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામને પાછળ છોડીને TikTok સૌથી વધુ ડાઉનલોડ થનારી એપ બની ગઈ હતી.

મોબાઈલ ઈન્ટેલિજન્સ ફર્મ સેન્સર ટાવરના રિપોર્ટ અનુસાર TikTok એપ અત્યાર સુધીમાં 614 મિલિયન વખત ડાઉનલોડ થઈ ચૂકી છે જે ગયા વર્ષની તુલનામાં 6 ટકા વધારે છે. યૂઝર્સની વચ્ચે સતત લોકપ્રિય થઈ રહી છે. રિપોર્ટ અનુસાર વૈશ્વક માર્કેટમાં આ એપ્લિકેશનને 1.5 બિલિયન વખત ડાઉનલોડ કરવામાં આવી છે. ભારતીય બજારમાં આ એપને 466.8 મિલિયન એટલે કે લગભગ 47 કરોડ વખથ ડાઉનલોડ કરવામાં આવી છે. જે કુલ ડાઉનલોડના 31 ટકા છે. સેન્સર ટાવરે એ પણ સ્પષ્ટતા કરી છે કે, શેર કરેલા આંકડામાં થર્ડ પાર્ટી એન્ડ્રોઈડ સ્ટોર પરથી ડાઉનલોડ કરેલા TikTokના આંકડાનો સમાવેશ નથી કરવામાં આવ્યો.

રિપોર્ટમાં જાણકારી આપવામાં આવી છે કે, વર્ષ 2019માં અત્યાર સુધી TikTokને કુલ 614 મિલિયન એટલે કે, અંદાજે 61.4 કરોડ વખત ડાઉનલોડ કરવામાં આવી છે. માત્ર ભારતની જ વાત કરીએ તો, આ એપને અત્યાર સુધીમાં 277.6 મિલિયન એટલે કે, અંદાજે 27.5 કરોડ વખત ડાઉનલોડ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, TikTokને ડાઉનલોડ કરવા મામલે ભારત પછી બીજા નંબર પર ચીન અને ત્રીજા નંબર પર યુએસ છે. ચીનમાં આ એપને 45.5 મિલિયન વખત ડાઉનલોડ કરવામાં આવી ચૂકી છે જ્યારે યૂએસમાં TikTok ને 37.6 મિલિયન વખત ડાઉનલોડ કરવામાં આવી.