નવી દિલ્હીઃ દેશમાં અનેક પ્રકારના બટાટા વેચાય છે. મોટા ભાગના ગ્રાહકોને બટાટાની જાત વિશે માલૂમ નથી હોતું. એને કારણે કેટલાક ટ્રેડર્સ વધુ નફો રળવા માટે ‘હેમાંગિની’ અથવા ‘હેમાલિની’ બટાટાને ચંદ્રમુખી બટાટાની સમાન કિંમતો એ બજારમાં વેચી રહ્યા છે. ચંદ્રમુખી બટાટાની કિંમત રૂ. 20થી રૂ. 25 કિલોની આસપાસ હોય છે, પણ ‘હેમાંગિની’ બટાટાની કિંમત કિલોદીઠ રૂ. 10-12ની વચ્ચે હોય છે. એ કારણે કેટલાક વેપારીઓ ‘હેમાંગિની’ બટેટાને ચંદ્રમુખી બટાટા જણાવીને છેતરપિંડીથી વેચી રહ્યા છે, જેનાથી ગ્રાહકોને મુશ્કેલીઓ થઈ રહી છે.
આ બંને બટાટા એક જેવા દેખાય છે, પણ એનો સ્વાદ એકદમ અલગ હોય છે. આ બંને બટાટા જોવામાં ઝાઝો ફરક નથી, જેને કારણે એને ઓળખવા મુશ્કેલ બન્યું છે. હુગલી કૃષિ સહકારી સમિતિના એક સભ્યના જણાવ્યાનુસાર હેમાંગિની બટાટા- બટાટાઓની એક મિશ્ર જાત છે, જેની ખેતી પંજાબ અને જલંધરના વિવિધ ભાગોમાં કરવામાં આવે છે. આ બટાટાની ઊપજ ચંદ્રમુખી બટાટાની તુલનામાં વધુ હોય છે, પણ એની બજારમાં માગ બહુ ઓછી હોય છે, કેમ કે એ બેસ્વાદ હોય છે અને સારી રીતે બફાતા નથી.
આવી રીતે કરો ઓળખો?
]ખેડૂત ‘હેમાંગિની’ બટાટાની એક મોસમમાં બે વાર ખેતી કરી શકે છે. હાઇબ્રિડની ઉત્પાદન કિંમત વધુ હોય છે. કેટલાક ટ્રેડર્સ ‘હેમાંગિની’ બટાટાને ચંદ્રમુખી બટાટા બતાવીને ખરીદદારોને વેચીને વધુ નફો રળે છે. આ બંને બટાટાની વચ્ચે ભેદ જાણવા માટે એની છાલ કાઢીને અંદરનો રંગ જોવો જોઈએ. ચંદ્રમુખી બટાટાની અંદર હળવો માટીનો કલર હોય છે, જ્યારે ‘હેમાંગિની’ બટાટાની અંદર સફેદ રંગ હોય છે. આ સિવાય સ્વાદથી પણ બટાટાની ઓળખ કરી શકાય છે. ‘હેમાંગિની’ બટાટા બહુ સ્વાદિષ્ટ નથી હોતા અને સારી રીતે બફાતા નથી. ગ્રામીણ વિસ્તારથી જોડાયેલા લોકો એની ઓળખ સરળતાથી કરી શકે છે. ખરીદદારો માટે જરૂરી છે કે બટાટા ખરીદતી વખતે સતર્ક રહે અને બંને પ્રકારોની વચ્ચેનો ભેદ યાદ રાખે.